યોગી સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં યુપીના અનેક શહેરો અને સ્થળોના નામોમાં ફેરફાર કર્યા છે અને હવે મુસ્તફાબાદનું નામ પણ તેમાં ઉમેરાયું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખીમપુર ખેરી જિલ્લાના મુસ્તફાબાદ ગામનું નામ બદલીને “કબીરધામ” કરવાની જાહેરાત કરી છે. તેમણે આ જાહેરાત એક જાહેર સભા દરમિયાન કરી છે.
યોગી આદિત્યનાથનું નિવેદન
સીએમ યોગીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે જ્યારે તેઓ આ ગામે આવ્યા ત્યારે પૂછ્યું કે અહીં કેટલી મુસ્લિમ વસ્તી છે ત્યારે જાણ્યું કે એકપણ મુસ્લિમ વસ્તી નથી. છતાં ગામનું નામ મુસ્તફાબાદ છે. “અમે નક્કી કર્યું કે આ ગામનું નામ હવે કબીરધામ રાખવું જોઈએ. હવે આ માટે દરખાસ્તો મંગાવીને પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.”
તેમણે કહ્યું કે આ પગલું ગામના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ગૌરવને ફરી સ્થાપિત કરવા માટે લેવામાં આવી રહ્યું છે.
પરંપરાગત ઓળખનું પુનઃસ્થાપન
સીએમ યોગીએ કહ્યું કે “તેમની સરકાર અગાઉ અલ્હાબાદનું નામ પ્રયાગરાજ અને ફૈઝાબાદનું નામ અયોધ્યા રાખી ચૂકેલી છે. તેમણે જણાવ્યું કે મુસ્તફાબાદનું નામ કબીરધામ રાખવું પણ એ જ વિચારસરણીનો ભાગ છે. આ માત્ર નામ બદલવું નથી પરંતુ આપણા મૂળ અને પરંપરાઓને ફરી જીવંત કરવાનું કામ છે”
દંભથી મુક્ત થવાનો સંદેશ
યોગીએ પોતાના ભાષણમાં ધર્મનિરપેક્ષતાને લઈને કહ્યું કે આજના સમયમાં લોકો દંભના શિકાર બની રહ્યા છે. તેમણે કહ્યું “જો તમારી ઓળખ નાશ પામે છે. તો તમારું અસ્તિત્વ જોખમમાં છે. આ દંભથી મુક્ત થવું જરૂરી છે. તેમણે લોકોમાં આત્મીયતા અને પોતાની સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની લાગણી જાગૃત કરવાની અપીલ કરી.
તીર્થસ્થળોના વિકાસની યોજના
સીએમ યોગીએ વધુમાં કહ્યું કે રાજ્ય સરકાર દરેક તીર્થસ્થળને સુંદર અને સુવિધાસભર બનાવવા માટે પ્રયત્નશીલ છે. તેમણે જણાવ્યું કે કાશી, અયોધ્યા, કુશીનગર, મથુરા-વૃંદાવન જેવા ધાર્મિક સ્થળોનું વિકાસ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. ભક્તો માટે ગેસ્ટ હાઉસ, રેસ્ટ હાઉસ અને અન્ય સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે.
સીએમ યોગીનો આ નિર્ણય લખીમપુર ખેરીના લોકો માટે નવી ઓળખ લઈને આવ્યો છે. હવે મુસ્તફાબાદ ગામ “કબીરધામ” તરીકે ઓળખાશે. જે સંત કબીરની પરંપરાને ઉજાગર કરે છે અને સંસ્કૃતિક ગૌરવને નવું જીવન આપે છે.