સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં આયોજિત ભારત પર્વ 2025માં ઉત્તર પ્રદેશે પોતાના સાંસ્કૃતિક વૈભવ, આધ્યાત્મિક શક્તિ અને વારસાની ઝલકથી સૌનું મન જીતી લીધું. તા. 1 થી 15 નવેમ્બર દરમિયાન કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ચાલી રહેલા આ રાષ્ટ્રીય ઉત્સવમાં તા.12 નવેમ્બરે ઉજવાયેલ “ઉત્તર પ્રદેશ દિન” દિવસનું મુખ્ય આકર્ષણ બન્યું હતુ.
આ પ્રસંગે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ડે સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક, વિધાનસભાના અધ્યક્ષ સતીશ મહાના તેમજ પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહની ઉપસ્થિતિમાં ઉજવાયેલ આ કાર્યક્રમમાં રાજ્યએ “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના સંદેશને જીવન્ત કર્યો હતો.
કાર્યક્રમની શરૂઆત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રતિનિધિ મંડળે ઉત્તર પ્રદેશ ટૂરિઝમ પેવિલિયનની મુલાકાત લીધી. જેને ભારત પર્વનું સૌથી આકર્ષક પ્રદર્શન ગણાવવામાં આવ્યું.
પેવિલિયનમાં અયોધ્યા–પ્રયાગરાજ–વારાણસીના આધ્યાત્મિક ત્રિકોણથી લઈ કન્નોજના અત્તર ઉદ્યોગ, બુંદેલખંડ હેરીટેજ ટ્રેઈલ અને વૈશ્વિક ખ્યાતિ પ્રાપ્ત બૌદ્ધ પરિભ્રમણ પરિપથ સુધી ઉત્તર પ્રદેશના અનોખા વારસાનું પ્રતિબિંબ જોવા મળ્યું. ઈકો-ટૂરિઝમ, ગ્રામ્ય પ્રવાસન, રસોઈ પ્રવાસન અને વેલનેસ પ્રવાસન જેવી નવી પહેલો રાજ્યની પ્રગતિશીલ દિશા દર્શાવી રહી હતી.
પર્યટન મંત્રી જયવીર સિંહે જણાવ્યું કે “ઉત્તર પ્રદેશ પોતે જ એક ‘મિની ઈન્ડિયા’ છે. શ્રદ્ધા, વિવિધતા અને પરંપરાનું પ્રતિબિંબ છે. વર્ષ 2025ના પ્રથમ છ મહિનામાં રાજ્યએ એક અબજથી વધુ પ્રવાસીઓનું સ્વાગત કર્યું છે. જેમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા પણ નોંધપાત્ર છે.”