National

UP: સરયુ નદીમાં હોડી પલટી, 10થી વધુ શ્રદ્ધાળુ પાણીમાં પડ્યા, તરવૈયાઓએ બચાવ્યા

ઉત્તર પ્રદેશના દેવરિયામાં આજ રોજ તા. 5 નવેમ્બર બુધવારે કાર્તિક પૂર્ણિમાના દિવસે એક મોટી દુર્ઘટના ટળી હતી. સરયુ નદીમાં ભક્તોથી ભરેલી એક નાની હોડી પલટી જતા હોબાળો મચી ગયો હતો પરંતુ સ્થાનિક તરવૈયાઓ અને પોલીસે શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો.

આ ઘટના બરહજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ઘાટ પર બની હતી. જ્યાં ભક્તો સ્નાન, દાન અને પ્રાર્થના માટે આવ્યા હતા. માહિતી અનુસાર આશરે 10થી 12 જેટલા લોકો હોડીમાં સવાર હતા. સવારે લગભગ 8 વાગ્યે નદીના મધ્યમાં પહોંચતાં જ હોડી અચાનક પલટી ગઈ. ભક્તો ચીસો પાડવા લાગ્યા અને તેમનો સામાન નદીમાં તરતો જોવા મળ્યો.

સદનસીબે નજીકના ગામના લોકો તરત જ મદદ માટે પહોંચી ગયા અને બચાવ કામગીરી શરૂ કરી અહતી. પોલીસ અને એનડીઆરએફની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. થોડા સમયના જહેમત બાદ તમામ ભક્તોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

બરહજ પોલીસ સ્ટેશનના સર્કલ ઓફિસર રાજેશ ચતુર્વેદીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં હોડી પલટી જવાનું મુખ્ય કારણ ઓવરલોડિંગ અને પાણી ભરાવું હોવાનું જણાયું છે. તેમણે કહ્યું કે પ્રતિબંધ હોવા છતાં હોડીચાલકે નાની બોટમાં વધારે ભક્તોને બેસાડ્યા હતા. હાલમાં બોટચાલકની અટકાયત કરવામાં આવી છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે કાર્તિક પૂર્ણિમા અને અન્ય ધાર્મિક તહેવારો દરમિયાન હજારો ભક્તો સરયુ ઘાટ પર સ્નાન માટે આવે છે પરંતુ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા થતી નથી. વહીવટીતંત્રે આ ઘટનાને ગંભીરતાથી લઈને આવી હોડીઓને નિયંત્રિત કરવા અને સલામતીનાં નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડવાની તૈયારી કરી છે.

Most Popular

To Top