ઉત્તરપ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં ગઈ કાલે બુધવારે સાંજે એક ભયાનક અકસ્માત થયો હતો. રેલવે લાઇન પાર કરતી વખતે એક જ બાઇક પર સવાર પતિ, પત્ની, તેમના બે નાનાં બાળકો અને એક અન્ય સગા ટ્રેનની અડફેટે આવ્યા હતા. જેમાં પાંચેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતકોના શરીરના અંગો પાટા પર અલગ-અલગ જગ્યાએ વિખરાયેલા મળી આવ્યા હતા.
પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર આ અકસ્માત રોઝા જંકશન નજીક પાવર કેબિન પાસે આવેલા માનવરહિત રેલવે ક્રોસિંગ પર ગઈ કાલે 24 ડિસેમ્બર સાંજે લગભગ 6:30 વાગ્યે થયો હતો. અમૃતસરથી સહરસા જઈ રહેલી ટ્રેન (12204) ઝડપથી આવી રહી હતી. તે દરમિયાન બાઇક પર સવાર લોકો રેલવે પાટા ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ટ્રેનની ટક્કર થતાં બાઇક ટ્રેનમાં ફસાઈ ગઈ અને લગભગ 500 મીટર સુધી ખેંચાઈ ગઈ.
મૃતકોની ઓળખ નિગોહી પોલીસ સ્ટેશન વિસ્તારના બિકન્ના ગામના રહેવાસી સેઠપાલ, તેમની પત્ની પૂજા, તેમના બે બાળકો સૂર્યા (ઉંમર 4 વર્ષ) અને નિધિ (ઉંમર 5 વર્ષ) તરીકે થઈ છે. આ ઉપરાંત બાઇક ચલાવી રહેલા સેઠપાલના સાળા હરિઓમ જે લખીમપુર ખેરી જિલ્લાના ઉચોલિયા પોલીસ સ્ટેશનના બાંકે ગામના રહેવાસી તેમનું પણ મોત થયું છે.
પરિવારજનોએ જણાવ્યું કે સેઠપાલ બુધવારે સવારે પોતાના પરિવાર સાથે સાળા હરિઓમના ઘરે આવ્યા હતા. સાંજે બધા મળીને બુધવારના બજારમાં ખરીદી કરવા ગયા હતા અને પરત ફરતી વખતે આ દુર્ઘટના બની.
ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહોના અંગો એકત્ર કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસ અધિક્ષક રાજેશ દ્વિવેદીએ જણાવ્યું કે મામલે તપાસ ચાલી રહી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.