ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં આજ રોજ ગુરુવારે બપોરે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં બે લોકોના મોત થયા અને ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેનો અવાજ બે કિલોમીટર દૂર સુધી સંભળાયો અને નજીકના ઘરોમાં તિરાડો પડી ગઈ.
બારાબંકી જિલ્લાના ટિકૈતનગર પોલીસ સ્ટેશન હેઠળના સરાઈ બારાઈ ગામમાં આજ રોજ તા. 13 નવેમ્બર બપોરે લગભગ 2 વાગ્યે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. ફેક્ટરી ગામથી લગભગ 500 મીટર દૂર ખેતરમાં આવેલી હતી. અચાનક થયેલા વિસ્ફોટના કારણે ફેક્ટરી ધ્વસ્ત થઈ ગઈ અને બે લોકોનાં મોત થયા. એક મૃતકનો શરીરનો ભાગ ખેતરમાં લગભગ 100 મીટર દૂર મળી આવ્યો. જેના આંતરડા બહાર આવી ગયા હતા.
વિસ્ફોટની તીવ્રતા એટલી હતી કે પડઘા બે કિલોમીટર સુધી સંભળાયા હતા. નજીકના ઘરોની દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી. જેના કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. વિસ્ફોટ બાદ ફેક્ટરી તેમજ નજીકના કેટલાક ઘરોમાં આગ લાગી ગઈ હતી. ફાયર બ્રિગેડને કોલ મળ્યા બાદ લગભગ 30 મિનિટમાં ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. ભારે મહેનત બાદ એક કલાકમાં આગ પર કાબુ મેળવવામાં આવ્યો.
આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર હોવાનું જણાવ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ શશાંક ત્રિપાઠી, એસપી અર્પિત વિજયવર્ગીય અને અયોધ્યાના આઈજી પ્રવીણ કુમાર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું.
ગ્રામજનોએ જણાવ્યું કે આ ફેક્ટરી સામે વારંવાર ફરિયાદો કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. સ્થાનિકોનું કહેવું છે કે અહીં ફટાકડાનો સંગ્રહ તથા બનાવટ બંને ગેરકાયદેસર રીતે ચાલી રહી હતી. વિસ્ફોટ પછી પણ નાના વિસ્ફોટો થવાથી લોકોમાં દહેશત ફેલાઈ હતી.
અયોધ્યાના રુદૌલી મતવિસ્તારના ભાજપ ધારાસભ્ય રામચંદ્ર યાદવ પણ સ્થળ પર પહોંચ્યા અને અધિકારીઓ પાસેથી ઘટનાની વિગત મેળવી. તેમણે પીડિત પરિવારોને સાંત્વના આપી અને વહીવટીતંત્રને સખત કાર્યવાહી કરવા કહ્યું. પોલીસએ વિસ્તારને ઘેરી લીધો છે અને વિસ્ફોટના કારણોની તપાસ શરૂ કરી છે.