સુરત જિલ્લામાં માવઠાની આગાહી વચ્ચે 20 ફેબ્રુઆરીની વહેલી સવારે અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટાં બાદ કેટલાક સ્થળોએ ધોધમાર વરસાદ વરસતા લોકો આશ્ચર્યચકિત બની ગયા. કમોસમી વરસાદે જનજીવનને અસર કરી તો બીજી તરફ લગ્ન સીઝનમાં પણ અડચણો ઊભી કરી. ખુલ્લા મેદાન અને પાર્ટી પ્લોટમાં તૈયાર કરાયેલા લગ્ન મંડપ, શણગાર અને લાઇટિંગ વ્યવસ્થાઓ પલળી જતાં આયોજકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. વહેલી સવારથી છવાયેલા વરસાદી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ અને ઠંડીનું જોર થોડું વધ્યું હોવાનું નાગરિકોએ અનુભવ્યું.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં હાલ ત્રણ અલગ-અલગ સિસ્ટમ સક્રિય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફની અસરને કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર-પશ્ચિમ દિશાના પવનોની ગતિ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. 24 ફેબ્રુઆરી બાદ હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે. સાથે જ આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો વધારો નોંધાઈ શકે છે.
બીજી તરફ,વલસાડ જિલ્લામાં ગાઢ ધુમ્મસે જનજીવનને અસર કરી. ખાસ કરીને નેશનલ હાઈવે નંબર 48 પર વિઝિબિલિટી ખૂબ ઓછી થઈ જતા વાહનચાલકોને હેડલાઈટ ચાલુ રાખવાની ફરજ પડી. વાહનોની ગતિ ધીમી પડતા ઓફિસ, શાળાએ જતા લોકો મોડા પહોંચ્યા.અકસ્માત ટાળવા માટે ડ્રાઈવરોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવું પડ્યું.આ મિશ્ર વાતાવરણનો સીધો પ્રભાવ કૃષિ ક્ષેત્ર પર પણ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લો હાફુસ કેરી માટે જાણીતો છે અને આંબાવાડીઓમાં આમ્રમંજરી ખીલી ઉઠી છે. ગાઢ ધુમ્મસ અને વધતી ભેજને કારણે મોર પર જીવાત લાગવાની અથવા મોર ખરી જવાની ભીતિ ઊભી થઈ છે. કૃષિ નિષ્ણાતોના મતે જો આવી પરિસ્થિતિ યથાવત રહેશે તો ખેડૂતોને મોંઘી દવાઓનો છંટકાવ કરવો પડી શકે છે, જેના કારણે આર્થિક ભારણ વધશે.
અચાનક બદલાયેલા આ વાતાવરણને લઈ લોકોમાં એવી લાગણી વ્યક્ત થઈ રહી છે કે શિયાળો વિદાય લેતા પહેલા પોતાની હાજરી નોંધાવી રહ્યો હોય. સામાન્ય નાગરિકો માટે ઠંડક આનંદદાયક સાબિત થઈ રહી છે, પરંતુ ખેડૂતો માટે આ પરિસ્થિતિ ચિંતાજનક બની શકે છે.