National

કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીનું રાજીનામું, મળી શકે છે ઉપરાષ્ટ્રપતિ પદ

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી(Union Ministers) મુખ્તાર અબ્બાસ નકવી(Mukhtar Abbas Naqvi)એ રાજીનામું(Resignation) આપી દીધું છે. તેઓ લઘુમતી બાબતોનો વિભાગ સંભાળતા હતા. મુખ્તાર રાજ્યસભાના સભ્ય હતા. તેમનો કાર્યકાળ પૂરો થવાનો હતો. આ વખતે ભાજપે નકવીને રાજ્યસભામાં મોકલ્યા નથી. માનવામાં આવી રહ્યું છે કે પાર્ટી તેમને મોટી જવાબદારી આપી શકે છે. મોદી સરકારના બે મંત્રીઓનો રાજ્યસભા સભ્યનો કાર્યકાળ ગુરુવારે પૂરો થઈ રહ્યો છે. મુખ્તાર અબ્બાસ નકવી ઉપરાંત જેડીયુ ક્વોટામાંથી આરસીપી સિંહનું નામ સામેલ છે. આ બંને નેતાઓ 6 જુલાઈ પછી કોઈપણ ગૃહના સભ્ય નહીં રહે.

8 વર્ષ સુધી મોદી કેબિનેટમાં હતા
મુખ્તાર અબ્બાસ નકવી 2010 થી 2016 સુધી યુપીથી રાજ્યસભાના સભ્ય હતા. 2016માં તેમને ઝારખંડથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. નકવી 1998માં પહેલીવાર લોકસભા ચૂંટણી જીત્યા અને અટલ બિહારી વાજપેયી સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા. તે પછી, 26 મે 2014 ના રોજ, તેઓ મોદી સરકારમાં લઘુમતી બાબતો અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી બન્યા. 12 જુલાઈ 2016 ના રોજ નજમા હેપતુલ્લાના રાજીનામા પછી, તેમને લઘુમતી બાબતોના મંત્રાલયનો સ્વતંત્ર હવાલો મળ્યો. 30 મે 2019 ના રોજ, મોદી કેબિનેટમાં જોડાયા અને લઘુમતી બાબતોનું મંત્રાલય રહ્યું હતું.

ઉપરાષ્ટ્રપતિ પદ મળવાની ચર્ચા
તમને જણાવી દઈએ કે જ્યારે બીજેપીએ મુખ્તાર અબ્બાસને રાજ્યસભા માટે રિપીટ ન કર્યા તો તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ચર્ચા હતી કે ભાજપ આ વખતે મુસ્લિમને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવી શકે છે. જો કે, પાર્ટીએ દૌપદ્રી મુર્મને તેના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. આવી સ્થિતિમાં હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ મુખ્તાર અબ્બાસ નકવીને ઉપરાષ્ટ્રપતિ બનાવી શકે છે. જો કે કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાનનું નામ પણ ચર્ચામાં છે.

મુખ્તાર અબ્બાસ નકવીની રાજકીય કારકિર્દી
મુખ્તાર અબ્બાસ નકવીએ સૌપ્રથમ ભાજપની ટિકિટ પર મૌ જિલ્લાની સદર વિધાનસભા બેઠક પરથી બે વખત વિધાનસભામાં પહોંચવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નિષ્ફળ રહ્યા હતા. 1991માં તેઓ સીપીઆઈના ઈમ્તિયાઝ અહેમદ સામે માત્ર 133 મતોથી ચૂંટણી હારી ગયા હતા. ત્યાર બાદ 1993ની વિધાનસભા ચૂંટણીમાં, BSPના નસીમે તેમને લગભગ 10,000 મતોથી હરાવ્યા. 1998માં રામપુરથી લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા બાદ આ પ્રથમ વખત હતો જ્યારે કોઈ મુસ્લિમ ચહેરો સંસદમાં પહોંચ્યો હતો. તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી પણ હતા. તેમણે ડાર્કનેસ અને રાઈટ નામના બે પુસ્તકો પણ લખ્યા છે.

Most Popular

To Top