માત્ર આઠ કલાકની ચર્ચા પછી ગુજરાત વિધાનસભામાં લગભગ ૨૦૦ પાનાંનો અને ૩૯૮ કલમ ધરાવતો સમાન નાગરિક ધારા (સ.ના.ધા.) પસાર થઇ ગયો. આ સાથે રાજ્ય કક્ષાએ સ.ના.ધા. લાગુ કરનાર ઉત્તરાખંડ પછી ગુજરાત ભારતનું બીજું રાજ્ય બન્યું. આમ તો બંને રાજ્યના કાયદાના ઢાંચામાં કોઈ ખાસ ફરક નથી. મુખ્ય જોગવાઈઓ પણ સરખી દેખાય છે. પ્રથમદર્શીય એવું દેખાય છે કે ગુજરાતમાં સમાન વારસો, ફરજિયાત લગ્ન નોંધણી અને કાનૂની રક્ષણ પૂરું પાડવા માટે તેમજ લિવ-ઇન સંબંધોને ઔપચારિક બનાવવા પર ભાર છે.
દેશની રાજકીય વાર્તાલાપમાં સ.ના.ધા. ઘણો ચર્ચાસ્પદ રહ્યો છે કારણ કે મહિલાઓના સંદર્ભે સમાનતા અને ધાર્મિક સ્વાતંત્ર્યના બે મૂળભૂત બંધારણીય હક વચ્ચે વિરોધાભાસ ઊભો થાય છે. દરેક ધર્મ, કોમ કે જ્ઞાતિના લગ્ન, છૂટાછેડા, બાળકની કસ્ટડી, કે વારસાઈ અંગેના કાયદા જુદા જુદા છે, કારણકે તેની પાછળનો ઐતિહાસિક સંદર્ભ ને સાંસ્કૃતિક મૂળિયાં અલગ છે.
સાંસ્કૃતિક વૈવિધ્ય જરૂરી છે પણ સ્ત્રીઓના અધિકાર જોખમાતા હોય ત્યારે પ્રશ્નનું સ્વરૂપ બદલાઈ જાય છે. દા.ત. વારસાઈનો અધિકાર, માતાને બાળકના વાલી હોવાનો અધિકાર, છૂટાછેડા માટે સ્ત્રી-પુરુષો માટે અલગ શરતો, ભરણપોષણ માટેના સ્પષ્ટ નિયમોનો અભાવ જેવા મોરચે સામાજિક પરંપરાઓ આધારે ચાલતા નિયમો મહિલાઓ વિરુદ્ધ ભેદભાવ કરે છે. એટલે જ બાબાસાહેબ આંબેડકરે ચાલીસના દાયકામાં સ.ના.ધા. તરફેણ કરી હતી કે જેથી દેશની અડધી વસતી એવી મહિલાઓને તેમના મૂળભૂત હકોનું લોકતાંત્રિક રીતે રક્ષણ કરી શકાય. ગુજરાતના કાયદા સંદર્ભે પૂછીએ કે શું આ નવો કાયદો મહિલાઓના હકનું રક્ષણ કરે છે? તો જવાબ છે હા. જેમકે –
૧. પૈતૃક સંપત્તિમાં ભાઈ અને બહેન બંનેને સરખો અધિકાર
૨. બહુપત્નીત્વ પ્રથા પર પ્રતિબંધ, જે ફોજદારી ગુનો પણ બની શકે છે.
૩. છૂટાછેડા પછી, લીવ-ઇન રિલેશનમાંથી છૂટાં પડ્યા પછી તેમજ ત્યકતા સ્ત્રીઓના ભરણપોષણના અધિકારની જોગવાઈ. અહીં જોવાનું એ છે કે કાયદાની જોગવાઈની દૃષ્ટિએ ઉપરના ત્રણેય મહત્ત્વના અધિકાર હિંદુ મહિલાને મળી જ રહ્યા છે. હિંદુ વારસા અધિનિયમમાં ૨૦૦૫માં આવેલા સુધારામાં પૈતૃક સંપત્તિમાં ભાઈ અને બહેનને સરખો હિસ્સો મળવાની જોગવાઈ છે. બહુપત્નીત્વ તો હિંદુ કાયદામાં પહેલેથી જ ગેરકાનૂની ગણાય છે. એ જ પ્રમાણે હિંદુ લગ્ન કાનૂન-૧૯૫૫ પ્રમાણે છૂટાછેડા પછી હિંદુ મહિલાને ભરણપોષણ મળી જ શકે છે. આ જોતાં નવા કાયદાની જોગવાઈ હિંદુ કાયદા કરતાં ખાસ અલગ નથી. હા, લીવ-ઇન રીલેશનશીપને માન્યતા આપી તેમજ છૂટાછેડા સિવાય તરછોડાયેલી સ્ત્રીના હકને આ કાયદાએ ધ્યાનમાં લીધા છે જે આવકાર્ય છે.
આ સિવાય સમગ્ર કાયદાનું ધ્યાન મુસ્લિમ મહિલાઓને ધ્યાનમાં રાખીને જ જાણે બનાવાયા છે. જ્યારે સ્ત્રીઓના હકને સ્વીકારતા સામાજિક સુધારા આવતા દાયકાઓ નીકળી જાય છે ત્યાં કાયદાકીય જોગવાઈ સુધારાને ચોક્કસ વેગ આપી શકે છે, એ વાતની ના નહીં. પણ ખરડો રજૂ કરતી વખતે મહિલાઓના અધિકારના નામે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે લૈંગિક ભેદભાવની પ્રથાનાં જે ઉદાહરણ આપ્યાં તે બધા મુસ્લિમ સમાજને સંબંધી હતા. જેમકે, સંપત્તિમાં દીકરીને પચાસ ટકા વારસાઈ હક મળવો, નિકાહ હલાલા જેવી પ્રથા તેમજ લીવ-ઇન રીલેશનના મુદ્દે મહિલા સુરક્ષાની વાત કરતાં ઉદાહરણ પણ શ્રધ્ધા વાલકરનું આપ્યું.
આખી રજૂઆતમાં મહિલાઓના હકને પ્રાધાન્ય આપવાના ઉદે્શમાં લઘુમતી પ્રત્યેનો દ્વેષ ભળી ગયેલો વર્તાયો. જો સ.ના.ધા. કોઈ પણ પૂર્વગ્રહ વિના લાગુ થાય તો તમામ સમુદાયોની લિંગ-ભેદભાવપૂર્ણ પ્રથાઓમાં સુધારો કરી શકે અને કાયદાના અસરકારક અમલ પણ કરી શકે. પરંતુ, જો એની પાછળ લઘુમતી પ્રથા પ્રત્યે દ્વેષ કારણભૂત હોય તો કાયદાના અસરકારક અમલમાં આજે જે તકલીફ પડી રહી છે – જેમકે કાયદાની જોગવાઈ હોવા છતાં વારસાઈ હક કે ભરણપોષણ મેળવવામાં હિંદુ સ્ત્રીઓને જે સંઘર્ષ કરવો પડે છે એ પરિસ્થિતિ સુધારવાની દિશામાં પગલાં લેવાને પ્રાધાન્ય મળશે ખરું?
આ સાથે બીજી લાલબત્તી પણ જોઈ લઈએ. કાયદામાં લીવ-ઇન રીલેશનની નોંધણી કરવી ફરજીયાત કરવામાં આવી છે. એમાં અને તાજેતરમાં ‘ગુજરાત લગ્નનોંધણી અધિનિયમ-2006’ના નિયમોમાં લગ્નની નોંધણી કરાવનાર દંપતીનાં માતા-પિતાને 10 દિવસમાં તેની જાણ કરવાની જોગવાઈની દરખાસ્તમાં થોડું સામ્ય છે. બંનેમાં મહિલાઓને ‘રક્ષણ’ આપવાના પ્રયાસમાં ઊંડે ક્યાંક સ્ત્રીને ઉતરતી, બિચારી, ભોળવાઈ જઈ શકે એવી, લાંબુ નહિ વિચારી શકનાર વ્યક્તિ તરીકેની સમજ દેખાય છે. જે તેના વ્યક્તિસ્વાતંત્ર્ય પર એક પ્રકારનું નિયંત્રણ મૂકે છે. મોટે ભાગે લીવ-ઇનમાં રહેતાં દંપતી લગ્ન સિવાય સાથે રહેવાનું એટલે પસંદ કરે છે કે એમને કોઈ સામાજિક દબાણ કે બંધન નથી જોઈતાં.
પણ ફરજીયાત નોંધણીની જોગવાઈ આવી વ્યક્તિસ્વાતંત્ર્યની સ્વીકૃતિનો છેદ ઉડાડે છે. વળી, જો કોઈ કિસ્સામાં ઓળખ છુપાવી છેતરામણી કરી હોવાનો આક્ષેપ હોય તો સાત વર્ષ સુધીની જેલની પણ જોગવાઈ છે. આ જોગવાઈ પેપર પર ચોક્કસ યોગ્ય લાગે પણ જ્યારે ‘લવ-જીહાદ’નો સાચો કે કાલ્પનિક ભય સમાજમાં હોય તેમજ કિંજલ દવે જેવી ખ્યાતનામ વ્યક્તિના લગ્ન પણ આંતરજ્ઞાતીય હોવાને કારણે વિવાદ જગાવતા હોય ત્યારે આવી ફોજદારી જોગવાઈનો ઉપયોગ કોની સામે થશે એ અંગે ચિંતા કરવી વાજબી છે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.