દેશમાં 1.1 કરોડ સ્નાતકો બેરોજગાર
અમદાવાદ, તા. 19
દેશમાં બેરોજગારી સૌથી મોટી સમસ્યા બની ગઈ છે અને ખાસ કરીને શિક્ષિત યુવાનો માટે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. દેશભરમાં આશરે ૧.૧ કરોડ સ્નાતકો બેરોજગાર છે અને લગભગ અડધા જેટલા શિક્ષિત યુવાનોને તેમની યોગ્યતા મુજબનું કામ મળતું નથી. સ્નાતક થયા બાદ બહુ ઓછા યુવાનોને નોકરી મળે છે અને તે પણ ઓછા પગારની હોય છે. ઔદ્યોગિક અને સર્વિસ સેક્ટરમાં રોજગાર સર્જનની ગતિ પણ ખૂબ ધીમી રહી છે, જેના કારણે “ડીગ્રી છે પણ કામ નથી” જેવી સ્થિતિ ઊભી થઈ છે, ગુજરાતમાં પણ બેરોજગારી ગંભીર છે. વિવિધ સરકારી વિભાગોમાં ૨ લાખથી વધુ જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. તેવું પ્રદેશ કોગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું.
ડૉ. મનીષ દોશીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે દર વર્ષે ૨ કરોડ રોજગાર આપવાનો વાયદો કરનાર સરકારના ૧૨ વર્ષમાં બેરોજગારીમાં ઘટાડા બદલે વધારો થયો છે. છેલ્લા ૪૫ વર્ષમાં સૌથી ઊંચો બેરોજગારી દર નોંધાયો છે, જે યુવાનો માટે ચિંતાજનક છે. દેશમાં બેરોજગાર યુવાનોમાં આશરે ૬૭ ટકા ગ્રેજ્યુએટ્સ છે. ૧૯થી ૨૫ વર્ષની ઉંમરના સ્નાતકોમાં બેરોજગારીનો દર ૩૯.૩૩ ટકા છે, જ્યારે ૨૫થી ૨૯ વર્ષની વયજૂથમાં તે લગભગ ૨૦ ટકા છે.
અહેવાલો મુજબ ૨૦૦૪થી ૨૦૨૩ દરમિયાન દર વર્ષે સરેરાશ ૫૦ લાખ નવા ગ્રેજ્યુએટ્સ ઉમેરાયા છે, જ્યારે રોજગારની તકો માત્ર આશરે ૨૮ લાખ જેટલી જ વધી છે. તેમાં પણ માત્ર ૧૭ લાખ લોકોને પગારદાર નોકરી મળી છે. પરિણામે “ઘણા ગ્રેજ્યુએટ્સ અને ઓછી નોકરીઓ” જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, જે યુવાનોના ભવિષ્ય માટે હાનિકારક છે.
ડૉ. મનીષ દોશીએ ગુજરાતની સ્થિતિ અંગે જણાવ્યું હતુ કે રાજ્યમાં પણ બેરોજગારી ગંભીર છે. વિવિધ સરકારી વિભાગોમાં ૨ લાખથી વધુ જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. ૧૯૯૫ પછી મહેકમમાં પૂરતો વધારો કરવામાં આવ્યો નથી, જ્યારે રાજ્યની વસ્તી ૪.૪૮ કરોડથી વધીને ૭.૩૫ કરોડ થઈ ગઈ છે, જે સરકારના ગેરવહીવટનું પ્રતિબિંબ છે.
રાજ્યમાં કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગ અને ફિક્સ-પેની પ્રથાથી યુવાનોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે. લગભગ ૨૦ ટકા જગ્યાઓ આ પદ્ધતિથી ભરાતી હોવાના કારણે “સમાન કામ માટે સમાન વેતન”નો સિદ્ધાંત ભંગ થઈ રહ્યો છે. ગુજરાતમાં ૨.૭૦ લાખ નોંધાયેલા શિક્ષિત બેરોજગાર છે, જ્યારે ૨૫ લાખથી વધુ યુવાનો નોંધાયેલા નથી. ભરતી પ્રક્રિયામાં વિલંબ અને ગેરવ્યવસ્થાને કારણે યુવાનોમાં ભારે અસંતોષ ફેલાયો છે. ઘણા યુવાનો પરીક્ષા પાસ કર્યા બાદ વર્ષો સુધી નિમણૂક માટે રાહ જુએ છે. ખાસ કરીને ટેટ-ટાટ પાસ થયેલા હજારો ઉમેદવારો ૨૦૧૧થી અત્યાર સુધી રાહ જોઈ રહ્યા છે અને ઘણા વયમર્યાદા પાર કરી ચૂક્યા છે.
કોંગ્રેસે માંગ કરી છે કે રાજ્યમાં ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે, કાયમી ભરતી કરવામાં આવે, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા બંધ કરવામાં આવે તથા ભરતી પ્રક્રિયાને પારદર્શક અને સમયબદ્ધ બનાવવામાં આવે. સાથે જ યુવાનોને સ્થિર અને યોગ્ય રોજગાર આપવા માટે સરકાર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.