અંડર-19 વર્લ્ડકપ : ભારતે યુગાન્ડાને 326 રને કચડ્યું, ક્વાર્ટરમાં બાંગ્લાદેશ સામે બાથ ભીડશે

અહીં અંડર 19 વર્લ્ડકપની પોતાની અંતિમ ગ્રુપ મેચમાં ચાર વારના ચેમ્પિયન ભારતે અગકૃષ રઘુવંશી અને રાજ બાવાની આક્રમક સદીઓની મદદથી ટૂર્નામન્ટનો સર્વોચ્ચ અને ઓવરઓલ ત્રીજો સર્વાધિક સ્કોર પાંચ વિકેટે 405 રન બનાવીને યુગાન્ડાનો 79 રનમાં વિંટો વાળી દઇને મેચ 326 રને જીતી હતી. જે ટૂર્નામેન્ટના ઇતિહાસમાં ભારતનો સૌથી મોટો વિજય રહ્યો છે. પહેલાથી જ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી ચુકેલી ભારતીય ટીમે આ જીત સાથે પોતાના ગ્રુપમાં ટોચના સ્થાને રહેવાથી ક્વાર્ટર ફાઇનલમાં તેનો સામનો બાંગ્લાદેશ સાથે થશે. ભારતીય ટીમે પોતાની ત્રણેય ગ્રુપ મેચ જીતી છે.

ભારતીય ટીમે ટોસ જીતીને દાવ લેવાનો નિર્ણય કર્યા પછી રાજ બાવાના 14 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 108 બોલમાં 162 અને ઓપનર રઘુવંશીના 22 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 120 બોલમાં 144 રનની ઇનિંગથી પાંચ વિકેટે 405 રન બનાવ્યા હતા. આ બંનેએ ત્રીજી વિકેટની 206 રનની ભાગીદારી કરી હતી. તે પછી ભારતીય ટીમે માત્ર 19.4 ઓવરમાં યુગાન્ડાનો 78 રને વિંટો વાળી દીધો હતો.
અંડર-19 વર્લ્ડકપના ઇતિહાસમાં 405/5 ભારતનો બીજો અને ઓવરઓલ ત્રીજો સર્વાધિક સ્કોર
અંડર-19 વર્લ્ડકપના ઇતિહાસમાં ભારતે યુગાન્ડા સામે બનાવેલો 5 વિકેટે 405 રનનો સ્કોર બીજો સર્વાધિક સ્કોર રહ્યો છે. ટૂર્નામેન્ટમાં આ પહેલા ભારતે 2004માં સ્કોટલેન્ડની સામે ત્રણ વિકેટે 425 રન બનાવ્યા હતા. અંડર-19 વર્લ્ડકપમાં સર્વાધિક સ્કોરનો વર્લ્ડરેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે, જેણે 2002માં કેન્યા સામે છ વિકેટે 480 રન બનાવ્યા હતા.
અંડર-19 વર્લ્ડકપમાં સર્વાધિક વ્યક્તિગત સ્કોરનો શિખર ધવનનો ભારતીય રેકોર્ડ રાજ બાવાએ તોડ્યો
યુગાન્ડા સામેની મેચમાં 14 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 108 બોલમાં 162 રન કરનારા રાજ બાવાએ અંડર-19 વર્લ્ડકપમાં ભારત વતી નોંધાવેલો સર્વાધિક વ્યક્તિગત સ્કોર રહ્યો છે. બાવાએ ભારતીય ઓપનર શિખર ધવનનો ભારતીય રેકોર્ડ તોડ્યો હતો. ધવને 2004માં સ્કોટલેન્ડની સામે નોટઆઉટ 155 રન બનાવ્યા હતા.

Most Popular

To Top