ઇંગ્લેન્ડે અફઘાન્સ્તાન સામે અહીં રમાયેલી આઇસીસી અંડર-19 વર્લ્ડકપની વરસાદથી પ્રભાવિત રોમાંચક પ્રથમ સેમીફાઇનલમાં અફઘાનિસ્તાનને 15 રને હરાવીને 24 વર્ષના લાંબાગાળા પછી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. અફઘાનિસ્તાને જ્યારે અંતિમ 10 બોલમાં 18 રન બનાવવાના હતા ત્યારે સ્પીનર રેહાન અહમદે 46મી ઓવરમાં ત્રણ વિકેટ ખેરવતા બાજી પલટાઇ ગઇ હતી. બે વર્ષ પહેલા દક્ષિણ આફ્રિકામાં રમાયેલી ટૂર્નામેન્ટમાં નવમા સ્થાને રહેલી ઇંગ્લેન્ડની ટીમે જોરદાર વાપસી કરી હતી.
વરસાદને કારણે પહેલા તો મેચ મોડી શરૂ થઇ અને તે પછી ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા દાવ લેવાનો નિર્ણય કર્યા પછી શરૂઆતમાં જ ઇનફોર્મ જેકબ બેથલ આઉટ થયો હતો અને તે પછી કેપ્ટન ટોમ પ્રેસ્ટ પણ જલદી આઉટ થતાં 56 રનના સ્કોરે તેમણે બે વિકેટ ગુમાવી હતી. જ્યોર્જ થોમસે અર્ધસદી ફટકારી હતી. જો કે ઇંગ્લેન્ડ માટે જ્યોર્જ બેલ અને એલેક્સ હોર્ટોને અર્ધસદી ફટકારવાની સાથે 95 રનની નોટઆઉટ ભાગીદારી કરીને સ્કોર 231 રન સુધી પહોંચાડ્યો હતો. અફઘાનિસ્તાન વતી અલ્લાહ નૂરે અર્ધસદી ફટકારીને ટીમને લક્ષ્ય નજીક લઇ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અન્ય બેટ્સમેનોએ પણ પોતપોતાનું યોગદાન આપીને ટીમને લક્ષ્ય નજીક પહોંચાડી તો હતી પણ 46મી ઓવરમાં રેહાન અહમદે ત્રણ વિકેટ ઉપાડતા બાજી પલટાઇ ગઇ હતી અને અંતે ઇંગ્લેન્ડ 15 રને મેચ જીત્યું હતું.