World

હોર્મુઝ તણાવ વચ્ચે LPG સપ્લાય પર અનિશ્ચિતતા: મર્યાદિત રાહત છતાં ભારત સતર્ક

મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા LPG ટેન્કરોને લઈને ભારત માટે ચિંતા યથાવત છે. મંગળવારે સવારે LPG ભરેલું વધુ એક જહાજ ભારતીય દરિયાકાંઠે પહોંચતાં તાત્કાલિક રાહત મળી છે, પરંતુ લાંબા ગાળાની સપ્લાય સુરક્ષા અંગે પ્રશ્નો હજી પણ ઉભા છે. સરકાર દ્વારા યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા કે હાલની પરિસ્થિતિ અસ્થિર છે. જો આવતા દિવસોમાં વિદેશથી LPG ટેન્કરો નિયમિત રીતે ભારતીય રિફાઇનરીઓ સુધી નહીં પહોંચે, તો પુરવઠા પર વધુ દબાણ ઊભું થઈ શકે છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે આ સ્થિતિને “ચિંતાજનક” ગણાવી છે.

હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં LPG અને ક્રૂડ ઓઇલ લઈ જતાં લગભગ એક ડઝન ભારતીય જહાજો હજુ અનિશ્ચિત સ્થિતિમાં છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ઈરાન સાથે સતત વાતચીત ચાલી રહી છે, જેથી આ જહાજોની અવરજવર સરળ બને.
આ દરમિયાન, ‘શિવાલિક’ નામનું LPG જહાજ મંગળવારે વહેલી સવારે મુન્દ્રા બંદરે પહોંચ્યું, જ્યારે એક અન્ય જહાજ સોમવારે સાંજે પહોંચ્યું હતું. છતાં, નિષ્ણાતોનું માનવું છે કે આ પુરવઠો માત્ર તાત્કાલિક રાહત પૂરતો છે.

ભારતની દૈનિક LPG જરૂરિયાત આશરે 60,000 ટન છે, જ્યારે બંને જહાજો મળીને માત્ર 93,000 ટન LPG લાવ્યા છે. તેથી, આ સપ્લાય લાંબા સમય સુધી પૂરતો નથી. વિશ્વસનીય અને સતત પુરવઠા માટે હોર્મુઝ સ્ટ્રેટનું સંપૂર્ણ રીતે ખુલ્લું રહેવું અથવા વૈકલ્પિક દરિયાઈ માર્ગો દ્વારા સપ્લાય પુનઃસ્થાપિત થવું જરૂરી છે. ગલ્ફના અન્ય LPG ઉત્પાદક દેશોમાં પણ પરિસ્થિતિ અનિશ્ચિત હોવાથી અનેક ટેન્કરો વિવિધ બંદરો પર અટવાયેલા છે, જેનાથી સપ્લાય અંગે સ્પષ્ટતા હજી સુધી મળી નથી.

Most Popular

To Top