ગયા અઠવાડિયે આપણે સ્ટડી હેબીટ પર વિગતવાર જોયું. કોરોનાના કાળમાં વિદ્યાર્થીઓ on + offline ભણ્યા, પરીક્ષાઓ offline આપવાની. ધો. ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે પ્રથમ કસોટી ફરજીયાત છે. ત્યારે ઉત્તમ કક્ષાનું પર્ફોર્મન્સ કરવાનું દરેકનું ધ્યેય હોય છે. જેમ જેમ પરીક્ષાના દિવસો નજીક આવતાં જશે તેમ તેમ ચિંતાનો પારો ઊંચો ચઢે તે બહુ જ સ્વાભાવિક છે.
ઇશાન ધો. ૧૨ નો વિદ્યાર્થી, તેજસ્વી છે. સારા ટકા લાવે છે. પરંતુ આ વર્ષે એને પોતાના પર વારંવાર અવિશ્વાસ થાય છે કે ‘મને વાંચેલું યાદ આવશે?’ ભૂલી તો નહીં જવાય ને! લગભગ દરેક વિદ્યાર્થીને આવી ચિંતા થોડેઘણે અંશે રહેતી હોય છે. પરંતુ પરીક્ષાખંડમાં પ્રશ્નપત્રમાં પૂછાયેલાં પ્રશ્નોના જવાબો બરાબર જ લખાશે એવો વિશ્વાસ – આત્મવિશ્વાસ કેળવવા માટે થોડુંક અલગથી વિચારીને ‘સ્વ’ને આદેશ આપવાના અને બોડી કલોક સમજીને રીવીઝન કરવું જોઇએ.
- પ્રથમ તો મોટા ભાગના એટલે કે 90 ટકા વિદ્યાર્થીઓને પરીક્ષાના આગલા દિવસે પણ બધું જ વાંચવાનું જોઇતું હોય છે કેમ કે એમના મનમાં ડર પેસી ગયો હોય છે કે પછી પેસાડી દેવામાં આવે છે કે જો આગલા દિવસે પરીક્ષાના અભ્યાસક્રમનાં બધા જ પાઠોના સવાલજવાબ ન વંચાય તો પરીક્ષાખંડમાં યાદ ન આવે. આમ બધો જ અભ્યાસક્રમ પૂરો વાંચવાની લાયમાં બેક ઓફ માઇન્ડ ચિંતા પણ ચાલતી જ હોય છે અને પરિણામે વાંચેલું હોવા છતાં પરીક્ષાખંડમાં ભૂલી જવાય અને જેવા પરીક્ષાખંડની બહાર આવે છે બધું જ યાદ આવી જાય.
- બીજું અગત્યનું કારણ મગજને વધુ પડતો કાર્યભાર પડે, ત્યારે મગજ – યાદશકિતનાં કાર્યને માઠી અસર પડે. ઘણા વિદ્યાર્થીઓ એક સાથે ૧૦-૧૨ કે ૧૫ કલાક વાંચન કરે પછી પરીક્ષા આપવા જાય. પરંતુ મગજની મર્યાદાઓ છે. એને પણ પૂરતો આરામ મળવો જરૂરી છે. સતત વાંચનથી inputs થયા કરે, એને Memory Set-up નો સમય આપવો પડે, જેથી output વખતે વધુ સહજતા રહે.
- ત્રીજું વિદ્યાર્થીઓ એક પ્રશ્ન માટે એક કરતાં વધુ મટીરિયલ્સનો ઉપયોગ કરે. જેમ કે ચોપડી, ટયુશનની નોટ, ગાઇડ. હવે પ્રશ્નપત્રના જવાબો લખતી વખતે ઝડપ ન પકડાવાનું કારણ અલગ – અલગ મટીરિયલ્સની વાકયરચના અલગ – અલગ હોવાથી લખતી વખતે મૂંઝવણ થાય અને સરખી રીતે ઉત્તરો ન લખાય, મુદ્દાસર જવાબોમાં કયાંક ભૂલી જવાની શકયતા રહે….
માટે વિદ્યાર્થી મિત્રો, - આગલા દિવસે બધું જ વાંચવાનો આગ્રહ ન રાખો કેમ કે ઘણા એવા ઉત્તરો હશે જે તમને ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો પણ આવડી જતાં હોય છે. તમે તમારી તૈયારીઓ જે પૂર્વ આયોજન પ્રમાણે કરી છે તે તો તમારા મગજમાં લાંબા સમયની યાદશકિતમાં છે જ તો ઝડપથી મુદ્દાઓ ઉપર આંખ ફેરવીને ફાસ્ટ રીવીઝનની આદત પાડો. સાથે જ ‘સ્વ’ને હકારાત્મક સૂચનો કરો કે ‘મેં ખૂબ સરસ તૈયારીઓ કરી છે અને પ્રાર્થના કરો કે મને વાંચેલું યાદ કરાવજો’.
- વાલીઓએ પણ પરીક્ષા દરમ્યાન ખાસ કરીને, નકારાત્મક વચનો કહેવા નહીં જેથી વિદ્યાર્થીનો પોતાના પરનો આત્મવિશ્વાસ ડગી ન જાય, કોઇની સાથે તમારા સંતાનની સરખામણી ન કરો.
- પરીક્ષાના આગલા દિવસે તમારા રૂટિનમાં સેટ થયેલું તમારું બોડી કલોક બદલો નહીં કારણ કે વધુ કલાકો વાંચવાથી બોડી કલોક તાત્કાલિક સેટ ન થાય અને હમણાં તો સીઝનના બદલાવના સમયે આહારવિહારને ધ્યાનમાં રાખી આંતરિક તેમ જ બાહ્ય અનુકૂલન સાધવું રહ્યું.
- જો તમે ઇચ્છતાં હો કે પરીક્ષામાં પેપર અધૂરું ન રહે, ઝડપથી લખાય, તો તમારે આખું વર્ષ જ પરીક્ષાની તૈયારીના ભાગરૂપે એક સવાલના જવાબરૂપે એક જ લખાણ વાંચવું જોઇએ. જેથી પરીક્ષામાં લખતી વખતે એક જ લખાણની લઢણ, શબ્દો યાદ આવે અને સંતોષકારક રીતે જવાબ લખાય.
- અન્ય એક પધ્ધતિ પ્રમાણે આખા વર્ષ દરમ્યાન જો તમે તમારા લર્નિંગની સાથે નાના – ટૂંકા મુદ્દાઓ ટપકાવવાની આદત કેળવી હોય તો છેલ્લી ઘડીએ એ વાંચવાથી – ખાસ કરીને સૂત્રો, આકૃતિ વગેરે ઝડપથી રીવાઇઝ થઇ જાય અને તમારો આત્મવિશ્વાસ પણ વધી જાય.
- જે વિદ્યાર્થીઓ ચોપડીમાંથી તૈયારી કરે છે તેમણે ચોપડીમાં મુખ્ય મુદ્દાઓ નીચે લીટી કરેલી હોવી જોઇએ. જેથી છેલ્લી ઘડીએ માત્ર લીટી કરેલાં મુદ્દાઓ વાંચી જવાના હોય કેમ કે ચોપડીમાં વિગતવાર સમજૂતી હોય તે છેલ્લી ઘડીએ વાંચવાની જરૂર રહેતી નથી.
- ખાસ અગત્યની વાત. છેલ્લી ઘડીના IMP / VVIMP પર ધ્યાન ન આપવું. તમે જે કંઇ લર્નિંગ છોડી દીધું છે ને કોઇ કહે છે કે એ આવવાનું જ છે તો એના પર ધ્યાન ન આપતાં તમારું પોતાનું વાંચન – તૈયારી પર જ ભાર આપજો નહીં તો સ્ટ્રેસ વધી જશે.
- મિત્રો, કોરોનાનો નવો સ્ટ્રેન સુરત અને આજુબાજુ શરૂ થઇ ગયો છે. ન્યૂ નોર્મલ – બધું જ સારું નથી. માટે ‘ચેતતા નર સદા સુખી’ – હમણાં તો કયાંય પણ કારણ વગર મળવાનું ઉચિત નથી. મિત્રો સાથે પણ હળવામળવાનું સાવચેતીપૂર્ણ વર્તવાનું છે. જેથી શૈક્ષણિક વર્ષને સરળતાથી પાર કરી શકાય.
- છેલ્લે, તમે ‘સ્વ’ સાથે વાતચીત કરો, હકારાત્મક રહો અને બીજાને પણ હકારાત્મક રાખો, જો તમે પૂરતી મહેનત કરી હશે તો પરિણામ સારું આવશે જ પણ કોઇ કારણસર પરીક્ષામાં પર્ફોર્મન્સ સારું ન રહ્યું તો વિચારજો કે હજુ એપ્રિલ – મે મહિનાનો સમય છે. ગાડી દોડાવી કવરઅપ કરી લઇશું.