National

ગેંગસ્ટર અતિક અહેમદને સાબરમતી જેલમાં પાછો લવાયો

અમદાવાદ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ઉમેશ પાલ (Umesh Pal) અપહરણ કેસમાં પ્રયાગરાજ કોર્ટે ગેંગસ્ટર અતિક અહેમદ સહિત ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટે સજા કર્યાં બાદ અતિક અહેમદને આજે મોડી સાંજે ફરી વખત અમદાવાદની (Ahmedabad) સાબરમતી સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર અતિ અહેમદ છેલ્લા કેટલાક સમયથી સાબરમતી જેલમાં બંધ હતો. તાજેતરમાં જ ઉમેશપાલ અપહરણ કેસમાં પ્રયાગરાજ કોર્ટમાં હાજર થવા માટે ઉત્તર પ્રદેશ પોલીસની ટીમ અતિક અહેમદને સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લઈ ગઈ હતી. પ્રયાગરાજ કોર્ટમાં રજૂ કરતા અતિક અહેમદ સહિત ત્રણ આરોપીઓને દોષિત જાહેર કરી આજીવન કેદની સજા સંભળાવી હતી. ત્યારબાદ અતિક અહેમદને ફરી પાછો મોડી સાંજે સાબરમતી સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો.

એડીજી કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારે કહ્યું હતું કે, મંગળવારે રાજ્યના મુખ્ય માફિયા અતીક અહેમદને પહેલી વાર કોઈ પણ કેસમાં સજા સંભળાવવામાં આવી છે. ઉમેશ પાલના અપહરણ કેસમાં આજે નામદાર કોર્ટે ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આજીવન કેદની સાથે ત્રણેય આરોપીઓને એક-એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આરોપીઓમાં અતીક અહેમદ, ખાન શૌકત હનીફ અને દિનેશ પાસીનો સમાવેશ થાય છે.

ઉમેશ પાલની માતાએ કહ્યું કે અતીક જેલમાંથી કંઈ પણ કરાવી શકે છે. મારા પુત્રની હત્યા માટે તેને ફાંસીની સજા થવી જોઈએ. કોર્ટે ત્રણેય દોષિતોને એક-એક લાખનો દંડ ફટકાર્યો છે. આ રકમ પીડિત પરિવારને આપવામાં આવશે. સાંજ સુધી કોર્ટરૂમમાં કાનૂની પ્રક્રિયા ચાલી રહી હતી. ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે બાંદામાં અતીક અહેમદ પર કોર્ટના નિર્ણય પર કહ્યું કે, ”અમારી સરકાર ગુનાખોરી અને ગુનેગારોને ખતમ કરી રહી છે. કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. દરેક ગુનેગારને સખત સજા થવી જોઈએ. સમગ્ર રાજ્યમાં ભયમુક્ત વાતાવરણ સર્જાયું છે. અમે દરેક ગુનેગારને જેલમાં મોકલીશું.”

આજીવન કેદ બાદ અતીક અહેમદના વકીલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેઓ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારશે.
ઉમેશ પાલની પત્ની જયા દેવીએ કહ્યું કે, ”જ્યાં સુધી અતીક, તેના ભાઈ અને પુત્રનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી આ આતંક ચાલુ રહેશે. હું ન્યાયતંત્રના નિર્ણયનું સન્માન કરું છું. હું ઇચ્છું છું કે મુખ્યમંત્રી અતીક અહેમદને ખતમ કરે જેથી તેમના આતંકને પણ કાબૂમાં લઈ શકાય.” અતીકને ઉમર કેદની સજા ફટકારવામાં આવી છે જેના કારણે તેને ફરીથી અમદાવાદની જેલમાં રાખવામાં આવશે. આ માટે પોલીસનો કાફલો પ્રયાગરાજથી અમદાવાદ આવવા નીકળી ગયો છે.

Most Popular

To Top