Sports

ઉમા છેત્રી આસામની પહેલી ક્રિકેટર જે સીનિયર લેવલે દેશનું પ્રતિનિધિત્વ કરશે

આસામના ગોલાઘાટ જિલ્લાની 20 વર્ષીય ઉમા છેત્રીએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન બનાવીને ઈતિહાસ રચ્યો છે. તે ભારતની સીનિયર ક્રિકેટ ટીમમાં નોર્થ-ઇસ્ટના આ રાજ્યની પ્રથમ ખેલાડી બની છે. ઉમાનો આવતા મહિને બાંગ્લાદેશના પ્રવાસે જનારી ભારતીય મહિલા ટીમમાં સમાવેશ કરાયો છે. તેને અભિનંદન આપતા, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ટ્વિટ કર્યું હતું કે આસામમાં ક્રિકેટ એક અદ્દભૂત નવા અધ્યાયમાં પ્રવેશ્યુ છે ભારતીય મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં અમારા પહેલા પ્રતિનિધિત્વના સાક્ષીથી ગૌરવાન્વિત છીએ.

ઉમા છેત્રીને તેની સિદ્ધિ બદલ અભિનંદન, તે આપણા રાજ્યમાંથી બ્લ્યૂ જર્સી પહેરનાર પ્રથમ ખેલાડી બની છે. રાજ્યના બોકાખાતના કંડુલીમરી ગામની રહીશ ઉમાના ભાઈ વિજય છેત્રીએ પોતાની બહેનના સીનિયર ટીમમાં સમાવેશ અંગે ખુશ થઇને કહ્યું હતું કે અમને રવિવારે મોડી રાત્રે સમાચાર મળ્યા હતા. અમે આજે સવારે તેની સાથે વાત કરી. અમે બધા ખુશ છીએ અને તેના પર ખૂબ ગર્વ અનુભવીએ છીએ. પાંચ ભાઈ-બહેનોમાં ઉમા સૌથી નાની અને એકમાત્ર બહેન છે. ઉમાએ પ્રથમ વખત પ્લાસ્ટિકનું બેટ ઉપાડ્યું ત્યારથી જ ક્રિકેટના પ્રેમમાં પડી ગઈ હતી.

તેની માતા બહુ શિક્ષિત નથી પરંતુ તેણે એવી તકેદારી રાખી હતી કે તેની પુત્રીને તે તમામ સુવિધાઓ મળે જે તેના માટે શક્ય ન હતી. તેણે એવી તકેદારી રાખી કે ઉમા માત્ર એક છોકરી હોવાને કારણે પાછળ ન રહી જાય. ઉમા આ આ સપ્તાહના અંતમાં મુંબઈમાં ભારતીય ટીમ સાથે જોડાશે અને પછી બાંગ્લાદેશના મીરપુર જવા રવાના થશે. ઉમાના ભાઇ વિજયે કહ્યું હતું કે જ્યારથી તેણે પહેલીવાર પ્લાસ્ટિક બેટ હાથમાં લીધું ત્યારથી તેનામાં રમત પ્રત્યેનો રસ વધ્યો હતો. જ્યારે તે પાંચમા કે છઠ્ઠા ધોરણમાં હતી, ત્યારે તેણે બોકાખાત સ્ટેડિયમમાં વ્યાવસાયિક રીતે પ્રેક્ટિસ અને તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. ઉમાની માતાએ કહ્યું હતું કે એક મહિલા તરીકે મારે કેટલાક અવરોધોનો સામનો કરવો પડ્યો હતો.

હું નહોતી ઈચ્છતી કે તે માત્ર એક છોકરી હોવાને કારણે તેનું સપનું અધુરૂ રહી જાય. .ઉમા એક સાધારણ પરિવારનું સંતાન છે. તેના પરિવારના સભ્યો ખેતી અને દિહાડી મજૂરી સાથે સંકળાયેલા છે. નાણાકીય સમસ્યાઓ પણ ઉમાને તેના સ્વપ્નને અનુસરવામાં રોકી શકી નહીં. ગોલાઘાટ ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ એસોસિએશનના ખજાનચી અજય શર્માએ ઉમાને તેના શરૂઆતના વર્ષોથી બોકાખાત સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતી જોઈ છે. તેમણે કહ્યું હતું કે 2011-12ની આસપાસ, અમે સૌપ્રથમ સ્ટેડિયમની બાજુમાં આવેલી બોકાખાત હિન્દી હાઈસ્કૂલની એક છોકરીને જોઈ.

તે સ્કૂલ પછી અહીં છોકરાઓ સાથે ક્રિકેટ રમતી હતી. જ્યારે તે નિયમિતપણે અહીં આવવા લાગી, ત્યારે અમારા કોચે તેનો સંપર્ક કર્યો. તેની પ્રતિભાથી પ્રભાવિત થઈને તેનું પ્રોફેશનલ કોચિંગ શરૂ કરવામાં આવ્યું હતું.આસામ ક્રિકેટ એસોસિએશન (ACA)ના માજી સંયુક્ત સચિવ શર્માએ જણાવ્યું હતું કે ઉમાના પ્રથમ કોચ રાજા રહેમાન અને મહેબૂબ આલમ હતા અને તે હજુ પણ આલમની દેખરેખ હેઠળ નિયમિતપણે પ્રેક્ટિસ કરે છે. ACAએ પણ તેને આગળ વધવામાં મદદ કરી હતી. છેત્રી ઉપરાંત યસ્તિકા ભાટિયા ટીમમાં અન્ય વિકેટકીપર છે.

Most Popular

To Top