રશિયાએ ગુરુવારે સવારે યુક્રેન પર હુમલો કર્યો હતો. ભારતીય લોકો તેમજ છાત્રોની સુરક્ષા માટે આજે દેશના વડાપ્રધાન મોદી તેમજ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને વાત કરી હતી. મોદીએ પુતિન સાથે લગભગ 25 મિનિટ વાતચીત કરી હતી. આ દરમિયાન ભારતીય લોકો અને છાત્રોની સુરક્ષાનો મુદ્દો મોદીએ ઉઠાવ્યો હતો. આ સાથે જ તેઓએ કહ્યું કે યુદ્ધના બદલે વાતચીતથી સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવે. મોદીએ પુતિન સાથે જે વાત કરી એ દરમ્યાન પુતિને કહ્યું કે નાટો અને રશિયાએ યુક્રેનનો મુદ્દો ગંભીરતાથી વાતચીત કરીને ઉકેલવો જોઈએ. યુક્રેન અને રશિયા વચ્ચે તાત્કાલિક સીઝફાયર થવું જોઈએ. મોદીએ યુક્રેનમાં રહેતા ભારતીયો અને ખાસ કરીને સ્ટૂડન્ટ્સની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. મોદીએ કહ્યું કે ભારતીયોની સુરક્ષિત વાપસી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. બંને દેશના નેતા આ વાત સાથે સહમત થયા હતા તેમજ આ મુદ્દે બંને દેશોના ડિપ્લોમેટ્સ એકબીજા સાથે સંપર્કમાં રહેશે.
મળતી માહિતી મુજબ પોલેન્ડના રસ્તેથી ભારતીય નાગરિકોને ભારત પરત લાવવા માટેની યોજના બનાવવામાં આવી છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે પીએમ મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. વડાપ્રધાને બેઠકમાં સ્પષ્ટપણે કહ્યું છે કે સરકારની પ્રાથમિકતા યુક્રેનમાં ભારતીય નાગરિકોની સુરક્ષા અને તેમને ભારત પરત લાવવાની છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર પોલેન્ડ, રોમાનિયા, સ્લોવાકિયા, હંગેરીના વિદેશ મંત્રીઓ સાથે પણ વાત કરશે. વડાપ્રધાન મોદીએ ખાસ કહ્યું છે કે વિદેશ મંત્રાલયે યુક્રેનમાં અમારા નાગરિકોની મદદ કરવા માટે શક્ય તેટલું બધું કરવું જોઈએ.
આ પહેલાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે કપસેઠીમાં જાહેરસભા કરવા પહોંચ્યા હતા. ત્યાં તેઓએ યુક્રેન અને રશિયાના મુદ્દે ભારતનો પક્ષ મુકતા કહ્યું છે કે ભારત યુદ્ધના ફેવરમાં નથી. યુદ્ધ ન થવું જોઈએ. ભારત શાંતિના પક્ષમાં છે. યુક્રેનમાં રહેલા 18,000 ફસાયેલા ભારતીયોને ભારત પરત લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ ત્યાંની પરિસ્થિતિ પ્રમાણે હજુ સુઘી પ્લેનને લેન્ડ કરવામાં આવ્યું નથી. સરકારે એડવાઈઝરી જારી કરી હતી. ત્યાં વિમાનો મોકલવામાં આવ્યા છે. પરંતુ લેન્ડિંગની કરવા માટેની પરિસ્થિતિ નથી. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે ભારતનું વલણ શાંતિનું છે. વાતચીત દ્વારા આ મામલે શાંતિ થી ઉકેલ શોધવો જોઈએ.
જાણો કયા-કયા શહેર રશિયાના સર્મથનમાં છે
જો આપણે રશિયા વિશે વાત કરીએ તો ક્યુબા તેને સમર્થન આપનાર પ્રથમ શહેર હશે. ક્યુબાએ રશિયાના સરહદી વિસ્તારોમાં નાટોના વિસ્તરણ માટે યુએસની ટીકા કરી હતી અને વૈશ્વિક શાંતિ માટે આ મુદ્દાના ઉકેલની હાકલ કરી હતી. આ ઉપરાંત રશિયાને ચીનનું સમર્થન ચોક્કસપણે મળશે. ચીને પહેલેથી જ જાહેરાત કરી છે કે નાટો યુક્રેનમાં મનમાની કરી રહ્યું છે. વાસ્તવમાં જ્યારે પશ્ચિમી દેશોએ ચીન વિરુદ્ધ પગલાં લીધા ત્યારે રશિયાએ ચીનને સમર્થન આપ્યું હતું. મળતી માહિતી મુજબ રશિયા અને ચીન બંનેએ સૈન્યથી લઈને અવકાશ સુધીના વિવિધ ક્ષેત્રોમાં ઘણી ભાગીદારી કરી છે.