નવી દિલ્હી: યુક્રેન (Ukrain) અને રશિયા (Russia) વચ્ચે ચાલી રહેલ યુદ્ધનો (War) હજુ સધી કોઈ અંત આવ્યો નથી. છેલ્લા કેટલાક દિવસોથી રશિયા આક્રમક વલણ અપનાવીને યુક્રેન પર સતત હુમલા (Attack) કરી રહ્યું છે. રશિયન હુમલાઓ વચ્ચે યુક્રેન નાટો (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન)માં સામેલ થવાનો પ્રયાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં યુક્રેન નાટોમાં સામેલ થવા પર રશિયાએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેને યુક્રેનનો પ્રચાર ગણાવીને રશિયાએ આ વખતે ત્રીજા વિશ્વ યુદ્ધની સીધી ધમકી આપી છે.
રશિયા આ પહેલા પણ ઘણી વખત પરમાણુ હથિયારોના ઉપયોગને લઈને નિવેદન જારી કરી ચુક્યું છે, ત્યારથી ત્રીજું વિશ્વ યુદ્ધ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વખતે રશિયાએ ત્રીજા વિશ્વ યુદ્ધની ધમકી આપીને ગંભીર સ્થિતિ સર્જી છે. જ્યારથી આ બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયું છે ત્યારથી આ પહેલીવાર બન્યું છે કે જ્યારે રશિયા તરફથી ત્રીજા વિશ્વ યુદ્ધનો સીધો ખતરો છે. રશિયન સુરક્ષા પરિષદના ડેપ્યુટી સેક્રેટરી એલેક્ઝાન્ડર વેનેડિક્ટોવે કહ્યું કે યુક્રેન જાણે છે કે જો તે નાટોમાં સામેલ થશે તો તે આ યુદ્ધને ત્રીજા વિશ્વ યુદ્ધમાં ફેરવી દેશે. વ્લાદિમીર પુતિનના નજીકના કહેવાતા એલેક્ઝાન્ડર વેનેડિક્ટોવે કહ્યું કે નાટોના સભ્યો પોતે પણ આ પ્રકારનું પગલું ભરવાના પરિણામોને સમજે છે. રશિયા તરફથી આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે રશિયા યુક્રેનના ઘણા વિસ્તારોમાં સતત હુમલા કરી રહ્યું છે.
ત્રીજા વિશ્વ યુદ્ધ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિનું નિવેદન
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પણ રશિયા દ્વારા ત્રીજા વિશ્વ યુદ્ધની ધમકી પર પ્રતિક્રિયા આપી છે. મેક્રોને કહ્યું છે કે અમે વિશ્વ યુદ્ધ નથી ઈચ્છતા. મેક્રોને કહ્યું કે અમે યુક્રેનની સાર્વભૌમત્વ બચાવવામાં મદદ કરી રહ્યા છીએ, પરંતુ રશિયા પર ક્યારેય હુમલો નહીં કરીએ. ઈમેન્યુઅલ મેક્રોને વધુમાં કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ પુતિને હવે આ યુદ્ધ બંધ કરવું જોઈએ. તે જ સમયે, યુક્રેનની પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવું જોઈએ.
શું વિશ્વ યુદ્ધ ફાટી શકે છે?
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અનેક વખત પરમાણુ હથિયારોના ઉપયોગની ચેતવણી આપી ચૂક્યા છે તેવા નિવેદનો પણ ઘણા મોટા નેતાઓ આપી ચૂક્યા છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે આ ધમકીઓને હળવાશથી ન લેવી જોઈએ. અમેરિકા પણ પરમાણુ હથિયારોના ખતરા પર ચૂપ ન બેઠું અને રશિયા વિશે તીક્ષ્ણ નિવેદનો આપ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને રશિયાના પરમાણુ ખતરાને લઈને કહ્યું છે કે 1962ના ક્યુબાના મિસાઈલ હુમલા બાદ આ પહેલીવાર છે જ્યારે દુનિયા પરમાણુ હથિયારોના ઉપયોગના સૌથી મોટા ખતરાનો સામનો કરી રહી છે.
આ સાથે જ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ વિશ્વને પરમાણુ હથિયારોના જોખમો અંગે ચેતવણી આપી હતી. પરમાણુ યુદ્ધને લઈને ટ્રમ્પે કહ્યું હતું કે જો આવું થશે તો દુનિયામાં કંઈ જ બચશે નહીં અને આ બધું તે અહંકારી લોકોના કારણે થશે જેઓ પોતે નથી જાણતા કે તેઓ શું કરી રહ્યા છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને રોકવા માટે તરત જ શાંતિની અપીલ કરવી જોઈએ, નહીં તો આ યુદ્ધ ત્રીજા વિશ્વ યુદ્ધ સાથે સમાપ્ત થઈ જશે અને દુનિયામાં કંઈ બચશે નહીં.