સુરત(Surat) : ઉકાઇડેમ(Ukai Dam)ના ઉપરવાસમાં પાછોતરા વરસાદને કારણે હજી પણ પાણીની આવક ચાલી રહી છે. જેના કારણે ઉકાઇડેમની જળ સપાટી(Watr Leval) તેના ભયજનક સ્તર 345 ફૂટ કરતાં માત્ર અઢી ફૂટ જ દૂર છે. હાલમાં ઉકાઇડેમની જળસપાટી 342.35 ફૂટે પહોંચી છે.
- ઉકાઇડેમની જળસપાટી ભયજનક સ્તરથી માત્ર અઢી ફૂટ દૂર
- જળસપાટી 342.35 ફૂટે પહોંચી ગઇ અને ઉપરવાસમાંથી 1.42 લાખ ક્યુસેક આવક સામે 1.24 લાખ જાવક
- ઉપરવાસમાં વરસાદ અટકી ગયો છતાં હજી પણ 36 કલાક સુધી પાણી આવશે
વિતેલા એક સપ્તાહથી ઉકાઇ ડેમમાં સતત પાણીના આવક રહી છે અને રૂલલેવલ મેઇન્ટેઇન કરવા માટે તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું હતું. વધુ મળતી માહિતી અનુસાર ઓડિસામાં સર્જાયેલી એક સિસ્ટમના કારણે પાછોતરા વરસાદે ઉકાઇ ડેમના ઉપરવાસમાં તબાહી મચાવી હતી જેમાં મધ્યપ્રદેશની હાલત ખૂબ જ દયનીય થઇ ગઇ હતી. રવિવારે સાંજે ઉકાઇ ડેમમાં પાણીની આવક 1.42 લાખ ક્યુસેક હતી તેની સામે ડેમમાંથી 1.24 લાખ ક્યુસેક પાણી છોડવામં આવી રહ્યું છે. જો કે, હવે કોઇ સિસ્ટમ સક્રિય નહીં હોવાથી આગામી દિવસોમાં વરસાદ પડે તેવી શક્યતા નહીંવત હોવાનું તંત્ર તરફથી જાણવા મળે છે. જો કે તેમ છતાં પણ હથનૂરનું પાણી પ્રકાશા ડેમમાં આવી રહ્યું છે અને પ્રકાશા ડેમમાંથી ઉકાઇ ડેમમાં કુલ 1.42 લાખ ક્યુસેક પાણીનો આવરો છે.
સુરતના પલસાણામાં એક કલાકમાં એક ઇંચ વરસાદ
સુરત જિલ્લામાં આજે છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. જેમાં પલસાણા તાલુકામાં બપોરે એક કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. ચોર્યાસી તાલુકામાં અડધો ઇંચ જ્યારે અન્ય તાલુકામાં નહીંવત વરસાદ રહ્યો હતો.
શહેરમાં કોઝવે અને અડાજણમાં ઝાડ તૂટી પડ્યા
સુરત : છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે વહેલી સવારે છાંટણા પણ જોવા મળે છે. રવિવારે સવારે પણ શહેરના અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જોકે રવિવારે શહેરમાં અડાજણ અને કોઝવે પાસે ઝાડ પડવાના બે બનાવો બન્યા હતા. સદનસીબે બંને બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. બનાવની વિગત એવી છે કે હાલમાં વરસાદે વિરામ લીધો છે જોકે બે દિવસથી વાદળછાયું વાતાવરણ અને વહેલી સવારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઝાપટાંના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. શનિવારે મોડી સાંજે પણ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યા બાદ મોડીરાત્રે વરસાદ પણ પડ્યો હતો. રવિવારે સવારે પણ વરસાદ પડ્યો હતો. આ દરમિયાન શહેરમાં બે વિસ્તારોમાં ઝાડ પડવાના બનાવો નોંધાયા છે. જેમાં સવારે ૮.૨૮ કલાકે અડાજણ ભુલકાભવન પાસે આવેલા શ્રી રામ પેટ્રોલ પમ્પ પાસે જૂનું સ્ટોલ કોમ્પ્લેક્ષની બહાર ઝાડ પડી ગયું હતું. જોકે સદનસીબે આ સમયે કોઈ ત્યાં હાજર ન હોવાના કારણે કોઈ જાનહાની થવા પામી ન હતી. આ ઉપરાંત સાંજે ૪.૩૪ કલાકે કોઝવે ચાર રસ્તા પાસે એક ઝાડ ધરાશાયી થયું હતું. જેથી ફાયરબ્રિગ્રેડના જવાનોને કોલ મળતા તેઓએ સ્થળ પર પહોંચી ઝાડ કાપી રસ્તો ખુલ્લો કર્યો હતો. આ બનાવમાં પણ કોઈ જાનહાની થઈ ન હતી.