SURAT

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરાયું, જે તબક્કાવાર આટલું વધશે

સુરત: શહેર-જિલ્લા અને ઉપરવાસમાં સર્વત્ર ફરી વરસાદે (Rain) રમઝટ જમાવી છે. શહેરમાં આજે સવારથી વરસાદી વાતાવરણ જામ્યું છે. જ્યારે ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ વરસતા ઉકાઈ ડેમમાં (Ukai Dam) પાણીની ફરી મોટી આવક થશે. જેને કારણે ડેમમાંથી મોડી સાંજે 51 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું જે તબક્કાવાર એક લાખ ક્યુસેક સુધી લઈ જવાશે.

  • ઓરિસ્સા તરફથી લો પ્રેશર સિસ્ટમ દક્ષિણ ગુજરાત તરફ મૂવ થઈ
  • ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવકમાં પણ વધારો થશે
  • હવામાન વિભાગે ૧૧ તારીખથી ત્રણ ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં સર્વત્ર વરસાદની આગાહી કરી હતી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઓરિસ્સા તરફથી લો પ્રેશર સિસ્ટમ દક્ષિણ ગુજરાત તરફ મૂવ થઈ છે. જેને કારણે હવામાન વિભાગે ૧૧ તારીખથી ત્રણ ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં સર્વત્ર વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલ રાતથી શહેરમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. આજે સવારથી શહેર અને જિલ્લામાં સર્વત્ર વરસાદ નોંધાયો હતો. જિલ્લાના ઉમરપાડામાં 10 મીમી, ઓલપાડમાં 1 મીમી, ચોર્યાસીમાં 12 મીમી, પલસાણામાં 27 મીમી, બારડોલીમાં 17 મીમી, મહુવામાં 38 મીમી વરસાદ નોંધાયો હતો.સૌથી વધારે વરસાદ ઉકાઇ ડેમના ઉપરવાસમાં આવેલા રેઈન ગેજ સ્ટેશનોમાં નોંધાયો હતો.

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવકમાં પણ વધારો થશે. ઉલ્લેખનીય છે કે અત્યારે ડેમની સપાટી 340 ફુટની નજીક પહોંચી છે. એટલે કે ભયસ્તરથી માત્ર પાંચ ફૂટ જેટલો નીચે છે. આવી પરિસ્થિતિમાં ઉકાઈ ડેમના સત્તાધીશોએ હવે ઉકાઇ ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લીધો છે. ઉકાઈ ડેમમાંથી સાંજે 5 ગેટ 3 ફુટ ખોલીને 51 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. જે તબક્કાવાર એક લાખ ક્યુસેક સુધી લઈ જવાશે. આ સિવાય હથનુર ડેમમાંથી 60 હજાર ક્યુસેક અને પ્રકાશામાંથી 71 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. હાલ ડેમની સપાટી 339.77 ફુટ છે. ડેમનું રૂલ લેવલ 340 ફુટ છે. એટલે કે ડેમ રૂલ લેવલથી માંડ 0.23 ફુટ નીચે છે.

Most Popular

To Top