Editorial

યુકે સાથે મુક્ત વેપાર કરાર: અનેક ભારતીય ઉદ્યોગોએ સ્પર્ધા ક્ષમતા વધારવી પડશે

જેની ઘણા સમયથી ચર્ચા થઇ રહી હતી અને ઘણો વિલંબ પણ જેમાં થયો છે તે ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચેનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અથવા મુક્ત વેપાર કરાર છેવટે થઇ ગયો છે. ભારત અને યુકેએ ૨૪મી જુલાઇએ આ સીમાચિન્હરૂપ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા જે કરારનો અમલ આવતા વર્ષથી શરૂ થશે, જેમાં ૯૯ ટકા ભારતીય વસ્તુઓ બ્રિટનમાં કર-મુક્ત રીતે પ્રવેશી શકશે, જ્યારે કારો અને વ્હીસ્કી જેવા બ્રિટિશ ઉત્પાદનો પર ભારતમાં ટેરિફ ઘટશે તેથી આ વસ્તુઓ ભારતમાં સસ્તી થશે એમ માનવામાં આવે છે. એક ભય એવો પણ સેવવામાં આવે છે કે બ્રિટનની બનાવટની વસ્તુઓ ભારતમાં મુક્તપણે ઠલવાવા માંડતા આપણા લોકો તે ખરીદવા જ પ્રેરાશે અને તેથી સ્થાનિક ઉત્પાદકોને ફટકો પડશે. જો કે આવુ થાય છે કે કેમ? તે તો સમય જ બતાવશે. હાલ તો આમાં કંઇ ચોક્કસ કહી શકાય તેમ નથી.

 ભારત અને યુકે વચ્ચેનો આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ(FTA) બંને દેશો વચ્ચેનો ૫૬ અબજ ડોલરનો વેપાર ૨૦૩૦ સુધીમાં બમણો કરી નાખવાનો હેતુ ધરાવે છે. આ કરાર એના થોડા દિવસ પહેલા થયો છે જ્યારે અમેરિકાના ઉંચા ટેરિફોના સ્થગનનો અંત આવી રહ્યો છે, જે અમેરિકાના ટેરિફોએ વિશ્વભરમાં ચિંતા જન્માવી છે. યુરોપિયન યુનિયનમાંથી નિકળ્યા બાદ યુકેનો આ સૌથી મોટો વેપાર કરાર છે. ભારતે યુકે અથવા બ્રિટનના ચોકલેટ, બિસ્કિટ અને કોસ્મેટિક્સ સહિત વિવિધ માલ માટે પોતાનું બજાર ખોલી નાખ્યું છે, પરંતુ તેને કાપડ, ફૂટવેર, રત્નો અને ઝવેરાત, રમતગમતના સામાન અને રમકડાં જેવા ઉત્પાદનો યુકેમાં મુક્તપણે નિકાસ કરવા મળશે.

ઉપરાંત, યુકેમાં કાર્યરત ભારતીય કંપનીઓ, જેમ કે TCS અને ઇન્ફોસિસે, ભારતથી સ્થળાંતર કરનારા કર્મચારીઓ માટે ત્રણ વર્ષ સુધી સામાજિક સુરક્ષા યોગદાન આપવાની જરૂર રહેશે નહીં. આનાથી તેઓ વધુ કર્મચારીઓને બોલાવી શકે છે જેનાથી નોકરીની તકો વધશે. વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલ અને તેમના બ્રિટિશ સમકક્ષ જોનાથન રેનોલ્ડ્સે બંને દેશોના વડાપ્રધાનોની હાજરીમાં એક સમારોહમાં આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર હેઠળ સેવા ક્ષેત્રમાં ભારતીય ફાયનાન્શ્યલ કંપનીઓ યુકેના બજારમાં પ્રવેશી શકશે જેઓ ભારતીય ડાયસ્પોરાને ખાસ સેવા આપી શકશે. ભારતીય વિમા કંપનીઓ યુકેમાં પ્રવેશી શકશે અને યુકેની વીમા કંપનીઓ ભારતમાં કાર્ય કરી શકશે. આ કંપનીઓ જીવન વીમા સિવાયના ક્ષેત્રોમાં કાર્ય કરશે.

આ મુક્ત વેપાર કરાર થવાથી ઘણી બધી વસ્તુઓ પર બંને દેશો આયાત વેરાઓ ઘટાડશે કે નાબૂદ કરશે. ખાસ કરીને ઓટો, ટેકસટાઇલ્સ જેવા સેકટરોને આની નોંધપાત્ર અસર થશે. ઓટોમોબાઈલ પર, ભારત પાંચ વર્ષમાં આયાત ડ્યુટી ઘટાડીને 10 ટકા કરશે, જે હાલ 110 ટકા છે. જો કે આ ઘટાડો તબક્કાવાર રીતે કરવામાં આવશે. બદલામાં, ભારતીય ઉત્પાદકોને ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનો માટે યુકે બજારમાં પ્રવેશ મળશે.

ભારતે યુકે ઓટો નિકાસકારોને ફક્ત મોટા પેટ્રોલ અને ડીઝલ વાહનો અને ઊંચી કિંમતના EV પર જ ડ્યુટી છૂટ આપી છે, જ્યારે સ્થાનિક ઓટોમોટિવ ઉદ્યોગના સંવેદનશીલ વિભાગો, ખાસ કરીને મધ્યમ અને નાની કાર અને ઓછી કિંમતના EVને વેપાર કરારમાં રક્ષિત રાખ્યા છે. કરારના પ્રથમ પાંચ વર્ષમાં ઇલેક્ટ્રિક, હાઇબ્રિડ અને હાઇડ્રોજન સંચાલિત વાહનોને કોઈ છૂટ આપવામાં આવી નથી. ૪૦૦૦૦ પાઉન્ડથી ઓછી કિંમતના યુકે ઉત્પાદિત વાહનોને ભારતીય બજારમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. એટલે કે સસ્તી કારોના સેગમેન્ટમાં ભારતીય ઉત્પાદકોને સ્પર્ધાનો સામનો કરવો પડશે નહીં.

કાપડ ક્ષેત્રમાં, ભારત બાંગ્લાદેશ, પાકિસ્તાન અને કંબોડિયાની સરખામણીમાં ડ્યુટી ગેરલાભનો સામનો કરી રહ્યું છે. આ દેશો પાસે યુકેના બજારમાં ડ્યુટી-મુક્ત પ્રવેશ છે. હવે આ FTA ભારતમાંથી કાપડની આયાત પરના ટેરિફને નાબૂદ કરશે, જેનાથી યુકે બજારમાં તેની ભાવ સ્પર્ધાત્મકતા વધશે. ભારતીય કાપડ પણ ત્યાં સસ્તા ભાવે વેચાશે. કાપડની બાબતમાં બ્રિટનના બજારમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન ભારતના મજબૂત હરીફો છે, ભારત હવે તેમને ટક્કર આપી શકશે.

યુકેમાં ભારતના ફળો, શાકભાજી, અનાજ, હળદર, મરી, એલચી જેવા અનેક કૃષિ ઉત્પાદનો અને તૈયાર ખોરાક, કેરીનો પલ્પ, અથાણું અને કઠોળ જેવા પ્રોસેસ્ડ ઉત્પાદનોને ડ્યુટી-મુક્ત પ્રવેશ મળશે. 95 ટકાથી વધુ કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પર શૂન્ય ડ્યુટી લાગશે. ઝીંગા, ટુના, ફિશમીલ અને ફીડ્સ જેવા દરિયાઈ ઉત્પાદનો, જે હાલમાં 4.2 ટકા અને 8.5 ટકાની વચ્ચે કરવેરા હેઠળ આવે છે, કરાર અમલમાં આવ્યા પછી સંપૂર્ણપણે ડ્યુટી-મુક્ત થઈ જશે. ભારતે યુકે સાથેના મુક્ત વેપાર કરાર(એફટીએ)માં ભારતીય ખેડૂતોને રક્ષણ આપવા માટે ડેરી પેદાશો, ખાદ્ય તેલો અને સફરજનને બાકાત રાખ્યા છે. ડેરી પેદાશોને આ કરારમાંથી બાકાત રાખવામાં આવી છે તે સારુ થયુ છે, બ્રિટિશ ડેરી પેદાશો સામે આપણા દેશના ઉત્પાદકોને માટે ટક્કર લેવું મુશ્કેલ છે. ભારતીય વસ્તુઓને બ્રિટનના બજારમાં મુક્ત પ્રવેશ મળશે, તે સાથે જ અનેક ભારતીય ઉદ્યોગોએ પણ પોતાની સ્પર્ધાત્મકતા વધારવી પડશે.

Most Popular

To Top