SURAT

સુરત ની ઉધના પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો! ગણતરીના કલાકોમાં 3 આરોપી ઝડપાયા

સુરત શહેરના ઉધના વિસ્તારમાં ઘરફોડ ચોરીનો કેસ ઉકેલી પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. Gujarat Policeની ઉધના પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીઓને ઝડપી પાડી ₹57 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઉધના પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ, 23 માર્ચના રોજ સવારે ઉધના વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કરીને સોનાના દાગીના અને ચાંદીના આભૂષણોની ચોરી કરી હતી. ચોરી દરમિયાન સોનાની ચેઇન, બુટી, પેન્ડલ તથા ચાંદીના પાયલ સહિત કુલ ₹57,000ની કિંમતનો માલસામાન લઈ જવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી. પોલીસ દ્વારા CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસને તેજ કરવામાં આવી. પરિણામે થોડા જ સમયમાં ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ થઈ અને તેમને ઝડપી પાડવામાં આવ્યા. પકડાયેલા આરોપીઓમાં રાજેશ ઉર્ફે નનકુ તિવારી, દીપક રાજેન્દ્રપ્રસાદ પાંડે અને દીપકકુમાર સુરેશકુમાર જૈનનો સમાવેશ થાય છે. પોલીસે તેમના પાસેથી ચોરીનો મોટાભાગનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ કલમ 305(એ) અને 331(3) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, મુખ્ય આરોપી રાજેશ તિવારી વિરુદ્ધ અગાઉ પણ ચોરીના અનેક કેસ નોંધાયેલા છે, જેનાથી તેના ગુનાહિત ઇતિહાસનો પણ ખુલાસો થયો છે. પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઉધના પોલીસની ટીમે ઝડપી અને અસરકારક કામગીરી કરી છે. સ્થાનિક નાગરિકોએ પણ પોલીસની આ કામગીરીને વખાણી છે. આ ઘટના ફરી એકવાર શહેરમાં સુરક્ષા મુદ્દે ચિંતા ઉભી કરે છે, પરંતુ પોલીસની ઝડપી કામગીરીએ વિશ્વાસ પણ વધાર્યો છે કે ગુનેગારોને ઝડપથી કાયદાની ઝપેટમાં લેવામાં આવશે.

Most Popular

To Top