સુરત: ઉધનામાં (Udhna) નરાધમ પિતાએ 6 મહિનાની દીકરી (6 Month Daughter) અને ત્રણ વર્ષની દીકરીને જમીન પર પછાડી હતી. આ બે બાળકી પૈકી 6 મહિનાની બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર ભાઠેનામાં રહેતો સાબીર શેખ માર્કેટમાં મજુરી કામ કરે છે. તેની પત્ની જમીલાએ 6 મહિના પહેલા દીકરીને જન્મ આપ્યો. તેનું નામ માયરા છે. તેમને પહેલાથી એક દીકરી છે. તેનું નામ અલીના છે. બીજી પણ દીકરી જન્મતા સાબીર નારાજ હતો. તે એવું કહેતો કે મને દીકરી નથી જોઈતી મને દીકરો જોઈએ છે. તેથી તે તેની પત્નીને પિયરેથી લઈ જવાની પણ ના પાડતો હતો. આજ મુદ્દે તેમનો ઝગડો થતો હતો.
બંને દીકરીઓને જમીન પર પછાડી હતી
શનિવારે રાત્રે સાબીર જમીલાને મળવા માટે સંજયનગર ગયો હતો. જમીલા સાબીરની સાથે જવા માંગતી હતી તેથી તેમની વચ્ચે ઝગડો થયો હતો. સાબીરે જમીલા સાથે ઝગડો કર્યો હતો અને બંને દીકરીઓને જમીન પર પછાડી હતી. ત્યાર બાદ સાબીર ત્યાંથી જતો રહ્યો હતો. રાત્રે માયરાની માસી મેરાજ માયરાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી. મધરાત્રે માયરાને દાખલ કરાઈ હતી. સવારે માયરાને લઈને પરિવારજનો હોસ્પિટલમાં જાણ કર્યા વગર જતા રહ્યા હતા. મેરાજે જણાવ્યું હતું કે સાબીરને દીકરી જન્મતા તે નારાજ થયો હતો. તેને દીકરો જોઈતો હતો.
હાલ માયરાની તબિયત પણ સારી છે
અલીનાને સામાન્ય ઇજા છે. હાલ માયરાની તબિયત પણ સારી છે. આ બાબતે ઉધના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એચ.એમ.આચાર્યએ જણાવ્યું હતું કે સાબીર અને જમીલાને ઝગડો થયો ત્યારે બંને હાથમાંથી છટકી ગઈ હતી, દીકરીઓને ફેકી હોવાનો ઇનકાર કર્યો હતો. હાલમાં સાબીર જમીલાને લઈ જવા તૈયાર થયો હોવાથી તેમની વચ્ચે સમાધાન થઈ ગયું છે. તેથી તેઓએ ફરિયાદ આપવાની ના પાડી છે.