SURAT

સુરતના ઉધનામાં ટોળું લઈ પહોંચેલા બુટલેગરે મંદિરમાં તોડફોડ કર્યા બાદ એક યુવકને ચપ્પુના ઘા માર્યા

ઉધના : સુરતમાં (Surat) અસામાજિક તત્વોના આતંકના બનાવો વારંવાર બની રહ્યા છે ત્યારે આજ રોજ ગુરુવારે સુરતના ઉધના (Udhana) વિસ્તારમાં આવેલ લુહાર ફળિયામાં આવો બનાવ બન્યો હતો. દારૂમાં થયેલી બબાલ મામલે કેટલાક અસામાજિક તત્વોએ દશા માતાજીના મંદિરમાં (Temple) તોડફોડ કરી હતી અને એક યુવકને ચપ્પુના ઘા માર્યા હતા જેને કારણે વિસ્તારમાં ડરનો માહોલ ફેલાોય હતો.

મળતી માહિતી અનુસાર આ હુમલાખોરો લુહાર ફળિયામાં દારૂનો ધંધો કરતા હતા. તેમનો આ દારૂનો ધંધો ત્યાના રહેવાસીઓએ બંધ કરાવ્યો હતો. જેના કારણે આ માથાભારે બુટલેગરોનું ટોળું લુહાર ફળિયામાં ધસી આવ્યું હતું અને અહીંના મંદિરમાં તોડફોડ કરી હતી. લુહાર ફળિયાના રહેવાસી અલ્પેશભાઈએ જણાવ્યું હતું કે આ ઘટના આજ રોજ ગુરુવારે સાંજના 5:30 વાગ્યા આજુબાજુની છે. તેમને વધૂ જણાવ્યું કે એક 25-30 લોકોનું ટોળું અચાનક ફળિયામાં દોડી આવ્યું હતું. ટોળાએ ફળિયામાં ઉભેલા વાહનોની તોડફોડ કરી હતી. ત્યારબાદ આ ટોળું દશા માતાજીના મંદિર તરફ ધસી ગયું હતું. ટોળાએ મંદિરમાં તોડફોડ કરવાનું શરૂ કરી દીધું હતું. આ ટોળાને રોકવા માટે લુહાર ફળિયાના રહેવાસી હરીશ રાઠોડ સામે આવ્યા હતા. જેમના પર આ ટોળાએ હુમલો કરી ચપ્પુના ઘા માર્યા હતા. ટોળાએ ભારે ધમાલ મચાવતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો.

સ્થાનીકોનું કહેવું છે કે હુમલો સ્થાનિક બુટલેગર અને તેમના માણસો એ કર્યો હતો. આ બુટલેગરનુ નામ રોશન છે. જે હાલમાં જ સજા ભોગવીને આવ્યો હતો. સજા ભોગવી આવ્યા બાદ તેણે મહોલ્લામાં દારૂનો અડ્ડો શરૂ કર્યો હતો. જે બાબતે થોડા દિવસ પહેલા ઉધના PI ને ફરિયાદ કરવામાં આવી હતી. જેના કારણે ઉધના પોલીસ તે બુટલેગરના બે માણસો ને ઉપાડી ગઈ હતી. આ માટે બાતમી આપનાર વ્યક્તિ લુહાર ફળિયાના રહેવાસી હરીશ રાઠોડ હોવાના વહેમમાં તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર આ અસામાજિક તત્વો સામે હત્યા, મારામારી જેવા અનેક કેસ દાખલ છે.

Most Popular

To Top