SURAT

‘પત્ની, દિકરા અને વહુએ મારી લાશ પાસે આવવું નહીં’,ની સુસાઇડ નોટ લખી કર્યો આપઘાત

સુરત : ઉધનામાં (Udhna) એક મહિનાથી પત્નીથી અલગ ભાડાની રૂમમાં રહેતા 63 વર્ષિય વૃદ્ધે સ્યુસાઇડ નોટ (Suicide Note) લખી ફાંસો ખાઇ લીધો હતો. મૃતકે સ્યુસાઇડ નોટમાં પત્ની, દિકરા, વહુએ મારી લાશ પાસે આવવું નહીં તેવો ઉલ્લેખ કર્યો હતો.પોલીસ (Police) સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા આશા નગર વિભાગમાં રહેતા ૬૩ વર્ષીય રામલાલ નારાયણલાલ લુહાર મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. રામલાલ લોહારને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. રામલાલ લોહાર અને તેમની પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો. એક જ ઘરમાં આખો પરિવાર રહેતો હોવા છતાં રામલાલ પોતાનું અલગ રસોડુ બનાવી રહેતા હતા.

મૃતકે લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી
અંતે પત્ની સાથેના ઘરકંકાસને કારણે છેલ્લા એક મહિનાથી રામલાલ ઉધના વિસ્તારનાં આશા નગરમાં ભાડે રહેવા ગયા હતા.બે દિવસ અગાઉ પત્નીએ તેમને ફોન કરી વતન જવાની વાત કરી હતી. જોકે, ત્યારબાદ તેમનો ફોન બંધ થઈ ગયો હતો. જેથી મંગળવારે બપોરે પરિવારજનોએ આશાનગરના ઘરે જઇ તપાસ કરતા રામલાલની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગે ઉધના પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસને ઘરમાંથી મૃતકે લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં તેમણે પત્ની, દીકરા અને વહુને તેમની લાશ પાસે આવવું નહીં તેવો ઉલ્લેખ છે. આ મામલે ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સુનીલભાઇ વધુ તપાસ કરી રહ્યા છે.

રાંદેર રોડ ઉપર કાર ચાલકે બાઇકને ટક્કર મારતા મહિલાનું મોત
સુરત : રાંદેર રોડ સ્થિત મોરાભાગળ ચાર રસ્તા પાસે કાર ચાલકે અડફેટે લેતા આધેડ વયના દંપતિ પૈકી પત્નીનું માથામાં ગંભીર ઇજાને પગલે મોત નિપજ્યું હતું.નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર સિંગણપોર સ્થિત હરીદર્શનના ખાડાની નજીક આવેલા શુકન એપાર્ટમેન્ટમાં રહેતા સંતોકરામ દેવપુરોહી ત્રણ દિવસ પહેલા તેમના પત્ની વર્ષાબેન (ઉ.વ.58) સાથે મોટર સાઇકલ ઉપર રાંદેર રોડ મોરાભાગળ સર્કલ પાસેથી પસાર થઇ રહ્યા હતાં. દરમિયાન એમએચ.04.એએલ.3317 નંબરની કારના ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારી હતી. પતિ પત્ની બાઇક ઉપરથી નીચે પટકાયા હતા જેમાં વર્ષાબેનને માથાના ભાગે ઇજા થતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં જ્યાં મંગળવારે રાત્રે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ મામલે વધુ તપાસ રાંદેર પો.મથકના પીએસઆઇ આરબ કરી રહ્યાં છે.

Most Popular

To Top