Comments

ઉદ્ધવ+રાજ ઠાકરે = ? ચૂંટણીમાં હાર બાદ ઉદ્ધવ અને રાજની જોડી આ મહાનગરપાલિકા ચૂંટણીમાં પુનરુત્થાન માટે આશા જન્માવે છે

શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે અને મનસેના વડા રાજ ઠાકરે એકસાથે રહેવા માટે ભેગા થયા છે. મરાઠી ઓળખના મુદ્દે અને હિન્દી ભાષા ‘લાદવાના’ વિરોધમાં તેઓએ ૨૦ વર્ષમાં પહેલી વાર રાજકીય મંચ શેર કર્યો. જો કોઈને શંકા હોય કે તેઓ શા માટે હાથ મિલાવી રહ્યા છે તો તે સ્પષ્ટ હતું. ગયા નવેમ્બરમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બંને પક્ષોને નોંધપાત્ર નુકસાન થયું હતું. શિવસેના (યુબીટી)એ ચૂંટણીમાં ૨૦ બેઠકો જીતી હતી, જ્યારે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ ૫૭ બેઠકો જીતી હતી.

મનસેનું તો ખાતું પણ ખુલ્યું ન હતું. તેથી તેમના કાર્યકરો હતાશ થઈ ગયા હતા અને બન્ને જૂથોના વિલયની માંગ કરી રહ્યા હતા, જેથી પાર્ટીનું ભાગ્ય ફરી ચમકે. એટલા માટે રાજ ઠાકરેએ કટાક્ષ કર્યો હતો કે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ બંને પિતરાઈ ભાઈઓને એકસાથે લાવીને એ કરી શક્યા જે શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરે અને અન્ય લોકો નહીં કરી શક્યા. ઉદ્ધવનો ઇરાદો સ્પષ્ટ હતો. તેમણે મુંબઈમાં આયોજિત આ કાર્યક્રમમાં જાહેર કર્યું, ‘‘અમે સાથે રહેવા માટે ભેગા થયા છીએ. અમે સાથે મળીને મુંબઈ મહાનગરપાલિકા અને મહારાષ્ટ્રમાં સત્તા કબજે કરીશું.’’

બૃહન્મુંબઈ મહાનગરપાલિકા અને અન્ય નાગરિક સંસ્થાઓની ચૂંટણીઓ આ વર્ષના અંતમાં યોજાવાની છે. બીએમસીનું બજેટ હજારો કરોડ રૂપિયાનું છે. તે ભારતનું સૌથી મોટું મ્યુનિસિપલ કોર્પોરેશન છે. બીએમસીએ ૪ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે તેનું બજેટ રજૂ કર્યું હતું, જેનો કુલ ખર્ચ ૭૪₹,૪૨૭.૪૧ કરોડ રૂપિયા હતો. તે અગાઉના બજેટ કરતાં ૧૪ ટકા વધુ છે, જેમાં ઘણા માળખાકીય પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. તેથી, ગયા વર્ષની વિધાનસભા ચૂંટણી પછી બીએમસી બે રાજકીય ગઠબંધનો – મહાયુતિ અને મહા વિકાસ અઘાડી – માટે આગામી યુદ્ધભૂમિ છે. નાગરિક સંસ્થાની વિધાનસભા ૨૦૨૨માં સમાપ્ત થઈ ગઈ ત્યારથી સરકાર દ્વારા નિયુક્ત વહીવટકર્તા દ્વારા ચલાવવામાં આવી રહી છે.૧૯૮૫થી (૧૯૯૨-૧૯૯૬ સિવાય) મહાનગરપાલિકા પર શાસન કરનાર શિવસેના આ ચૂંટણીઓમાં અસ્તિત્વના સંકટનો સામનો કરી રહી છે.

લોકસભા અને આ રાજ્ય ચૂંટણીઓની જેમ એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના બે શિવસેના જૂથો મુંબઈમાં સેનાના મરાઠી મત આધાર માટે સામસામે ટકરાશે. મુંબઈમાં મજબૂત બની રહેલ ભાજપ એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સેના સાથે મળીને બીએમસી કબજે કરવા માંગે છે. બીજી બાજુ, કોંગ્રેસ અસ્તિત્વની લડાઈનો સામનો કરી રહી છે. તે કોઈ મોટો ખેલાડી નથી. વિધાનસભા ચૂંટણીમાં ઉદ્ધવ અને રાજની શરમજનક હાર બાદ આ મહાનગરપાલિકા ચૂંટણીઓ પુનરુત્થાન માટે થોડી આશા જન્માવે છે.

૨૦૦૫માં રાજ ઠાકરે પોતાના પિતરાઈ ભાઈ સાથેના તીવ્ર મતભેદોને કારણે શિવસેના છોડી દીધા પછી તેમણે મનસેની રચના કરી. તેઓ મનસેને ભૂમિપુત્રોના હિતના સાચા ચેમ્પિયન તરીકે રજૂ કરી રહ્યા હતા, પરંતુ તેઓ એવા લોકો સાથે જોડાઈ શક્યા નહીં જેમણે તેમની આક્રમક શૈલીને ટેકો આપ્યો ન હતો. એટલે કે, મહારાષ્ટ્રના મરાઠીભાષી લોકો. તેમણે ઉદ્ધવને પ્રાથમિકતા આપી, જેમને એક ઉદારવાદી નેતા તરીકે જોવામાં આવતા હતા. ત્યારથી શિવસેના અને મનસે એકબીજા સામે ચૂંટણી લડ્યા છે, જોકે કેટલાક શુભેચ્છકોએ હાથ મિલાવવાની હાકલ કરી હતી. તેથી, જ્યારે ફડણવીસ સરકાર ત્રિભાષા નીતિ પર ઢીલી પડી ગઈ ત્યારે તેમને એક મોટી તક દેખાઈ. ત્રીજી ભાષા તરીકે હિન્દીને રજૂ કરવાથી એક સામાન્ય મુદ્દો મળી ગયો એવું ઠાકરે બંધુઓને લાગ્યું.

સેના માટે વાસ્તવિક પડકાર એ છે કે મુંબઈમાં ૪૫ ટકાથી વધુ મતદારો એવા છે જે બિન-મરાઠી ભાષી છે. તેમને શિવસેનાની કટ્ટરપંથી રાજનીતિ અને તેમની સામેની હિંસાનો ડર છે. તેઓ ભાજપને પસંદ કરે છે કારણ કે, કોંગ્રેસ પતન તરફ આગળ વધી રહી છે. આ ઉપરાંત, મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠવાડા પ્રદેશો પણ હિન્દી ભાષી વિસ્તારો છે. આ પટ્ટાઓમાં હિન્દી પ્રત્યે કોઈ નકારાત્મક લાગણી નથી જ્યાં મરાઠી ભાષીઓ અન્ય લોકો સાથે સૌહાર્દપૂર્ણ રીતે રહે છે. તેથી, જો સેના બિન-મરાઠી ભાષીઓ સામેના તેમના આંદોલનને આગળ લઈ જાય છે તો તેમને નુકસાન થઈ શકે છે. યુબીટી સેના પહેલેથી જ શાંત હોવાની કોશિશ કરી રહી છે. કારણ કે, તે બિન-મરાઠી ભાષીઓ સામે મનસે કાર્યકરો દ્વારા કરવામાં આવેલી હિંસાને સમર્થન આપી શકતી નથી. જોકે, એ સાચું છે કે, ઠાકરે બંધુઓનું સંયુક્ત મંચ એકનાથ શિંદે માટે મુશ્કેલી જરૂર પેદા કરી શકે છે, પરંતુ જો બિન-મરાઠી મતદારો ડરી જાય તો યુબીટી સેના અને મનસે માટે તે કોઈ મોટી જીતની ફોર્મ્યુલા નથી.

ઠાકરેની રેલીના એક દિવસ પહેલા પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ એકનાથ શિંદે દ્વારા ‘જય ગુજરાત’ના નારાને બદલતી પરિસ્થિતિમાં તેમની ચિંતાની અભિવ્યક્તિ તરીકે જોવામાં આવ્યું હતું. તેથી જ શિવસેના (યુબીટી)એ હિન્દી પરના તેના વલણ અને તમિલનાડુમાં જોવા મળતા વધુ કટ્ટરપંથી વિરોધ વચ્ચે સ્પષ્ટ રેખા દોરી છે. મુંબઈમાં ઠાકરે પિતરાઈ ભાઈઓની વિજય રેલી પછી તે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની તીખી ટિપ્પણીથી પોતાને અલગ કરી રહી છે. ગત વર્ષે વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રાજ્યની ૨૮૮ બેઠકોમાંથી ૧૩૨ બેઠકો જીતી હતી. તે મહારાષ્ટ્રમાં સૌથી પ્રબળ રાજકીય પક્ષ તરીકે હજી પણ છે. તેનો મત હિસ્સો ૨૬.૭૭ ટકા છે, જે બીજા ક્રમે રહેલી કોંગ્રેસ કરતાં બમણાથી વધુ છે, જેનો મત હિસ્સો ૧૨.૪૨ ટકા છે. આમ છતાં મુંબઈ, થાણે, પુણે અને નાસિક જેવા શહેરોમાં મતદારોમાં થોડો ફેરફાર પણ પક્ષને ગંભીર અસર કરી શકે છે. તેથી આ કોઈ પણ પક્ષ માટે જીતવાળી પરિસ્થિતિ નથી. 
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top