Gujarat

ઉદય કોટકની GIFT Cityના ચેરમેન પદે નિયુક્તિ

ગાંધીનગર: રાજ્ય સરકારે દેશના મહત્ત્વાકાંક્ષી નાણાકીય પ્રોજેક્ટ Gujarat International Finance Tec-City (GIFT City) માટે મોટો વહીવટી નિર્ણય લઈ પ્રખ્યાત બેન્કર ઉદય સરેશ કોટકને GIFT City Company Limitedના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ પૂર્વ ચેરમેન હસમુખ અઢિયાની જગ્યાએ તાત્કાલિક અસરથી જવાબદારી સંભાળશે. આ નિયુક્તિ 13 ફેબ્રુઆરી, 2026ના રોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના ઠરાવથી અમલમાં આવી છે. ઠરાવમાં જણાવાયું છે કે નિયુક્તિના શરતો અને નિયમો અલગથી નક્કી કરવામાં આવશે. આ આદેશ રાજ્યપાલના નામે જારી થયો છે અને સંબંધિત કચેરીઓને નકલ મોકલવામાં આવી છે.

GIFT City માટે કેમ મહત્ત્વપૂર્ણ ?
GIFT Cityને ભારતનું અગ્રણી આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (IFSC) બનાવવાનો લક્ષ્ય છે. વૈશ્વિક બેન્કિંગ, ફિનટેક, ઇન્સ્યોરન્સ અને કેપિટલ માર્કેટ માટે એક જ પ્લેટફોર્મ પૂરું પાડતા આ પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય રોકાણ અને નીતિગત દિશામાં મજબૂત નેતૃત્વની જરૂર હતી. ઉદય કોટકની નિયુક્તિ GIFT Cityના ગવર્નન્સ મોડેલ, રોકાણ આકર્ષણ અને વૈશ્વિક વિશ્વસનીયતા વધારવા માટે ‘ગેમ-ચેન્જર’ સાબિત થઈ શકે છે.

ચેરમેન પદમાં બદલાવ
ડૉ. હસમુખ અઢિયાને 19 જૂન, 2023ના રોજ નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન પ્રોજેક્ટના નીતિગત માળખા અને વહીવટી મજબૂતી પર ભાર મૂકાયો હતો. હવે કોટકના આગમન સાથે વ્યૂહાત્મક અને રોકાણકેન્દ્રિત અભિગમ વધુ ગતિ પકડે તેવી સંભાવના છે. ગુજરાત સરકારનો આ નિર્ણય GIFT Cityના વૈશ્વિક સપનાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.

ઉદય કોટકની પ્રોફાઇલ એક નજરે
• 1959માં જન્મેલા ઉદય કોટક ભારતના અગ્રણી બેન્કરોમાંના એક ગણાય છે.
• 1985માં તેમણે Kotak Mahindra Bankની સ્થાપના કરી, જે આગળ ચાલી ભારતની અગ્રણી ખાનગી બેન્કોમાં સ્થાન પામ્યું.
• 2003માં આ સંસ્થા બેન્ક તરીકે રૂપાંતરિત થઈ અને વૈશ્વિક નાણાકીય બજારમાં પોતાની ઓળખ બનાવી.
• કોટક લાંબા સમય સુધી બેન્કના MD અને CEO રહ્યા; ત્યારબાદ તેઓ નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે જોડાયેલા રહ્યા.
• નાણાકીય સુધારાઓ અને કેપિટલ માર્કેટ ગવર્નન્સ અંગે તેમણે કેન્દ્ર સરકારની વિવિધ સમિતિઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
• ફોર્બ્સ સહિત આંતરરાષ્ટ્રીય મેગેઝિન્સ દ્વારા તેમને ભારતના પ્રભાવશાળી ઉદ્યોગપતિઓમાં સ્થાન આપવામાં આવ્યું છે.

Most Popular

To Top