SURAT

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ‘ઉડાન કેફે’નો પ્રારંભ: મુસાફરોને મળશે સસ્તું ભોજન અને નવી આધુનિક સુવિધાઓ

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉડાન કેફેની સુવિધા આજથી શરૂ થઈ ગઈ છે, જે એરપોર્ટ પર મુસાફરોને સસ્તી ખાણી-પીણીની સુવિધા પૂરી પાડશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામ મોહન નાયડુ, કોઇમ્બતુર એરપોર્ટથી ઓનલાઈન સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત દેશના બીજા એરપોર્ટ પર આ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન સુરત સહિત દેશના અન્ય અનેક એરપોર્ટ્સ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. ઉડાન કેફે એ એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા સંચાલિત એક પહેલ છે, જેનો હેતુ મુસાફરોને પોસાય તેવા ભાવે ગુણવત્તાયુક્ત ખોરાક અને પીણાં પૂરા પાડવાનો છે, ચેક ઈન એરિયામાં આ કેફે સ્થાપિત થવાથી એરપોર્ટ પર પ્રવેશ સાથે જ મોટી સંખ્યામાં પેસેન્જરોને આ સુવિધાનો લાભ મળશે.

મુસાફરોના અનુભવને વધુ સુખદ બનાવવા માટે સુરત એરપોર્ટ પર કુલ પાંચ નવી સુવિધાઓનું લોકાર્પણ થશે. તેમાં ‘ઉડાન પેસેન્જર કેફે’ ઉપરાંત “વન એરપોર્ટ વન પ્રોડક્ટ” યોજના અંતર્ગત ‘અવસર’ આઉટલેટ શરૂ કરાયું છે, જ્યાં સ્થાનિક સ્વસહાય જૂથોને તેમની બનાવટની વસ્તુઓ પ્રદર્શિત અને વેચાણ માટે મંચ મળશે. આ ઉપરાંત આધુનિક ટેકનોલોજી આધારિત ‘ડિજીયાત્રા’ સુવિધા દ્વારા મુસાફરો ફેસ રેકગ્નિશન સિસ્ટમથી પેપરલેસ અને કોન્ટેક્ટલેસ એન્ટ્રી મેળવી શકશે. એરપોર્ટ પર હાઈ-સ્પીડ મફત વાઈ-ફાઈ સુવિધા પણ ઉપલબ્ધ કરાશે. નાના બાળકો સાથે મુસાફરી કરતા પરિવારો માટે ખાસ ‘કિડ્સ પ્લે એરિયા’ની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. આ નવી પહેલો દ્વારા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ મુસાફરોને વધુ સુવિધાસભર અને આધુનિક અનુભવ આપવા તરફ આગળ વધી રહ્યું છે. સુરત બન રહા હૈ ઓર ભી ખૂબસૂરત.

Most Popular

To Top