ગાંધીનગર,તા.25
પીએમ નરેન્દ્ર મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ નિર્ધાર હેઠળ ગુજરાત વિધાનસભામાં ‘યુનિફોર્મ સિવિલ કોડ’ (UCC) બિલ પસાર કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક નિર્ણયને આવકારતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આ બિલ ‘એક રાષ્ટ્ર, એક કાયદો’ ના સંકલ્પને સાકાર કરવા તરફ ગુજરાતનું એક મક્કમ અને પ્રગતિશીલ ડગલું છે.
માતૃશક્તિ અને સામાજિક ન્યાય માટે માઈલસ્ટોન
વિશ્વકર્માએ વિધાનસભામાં યુસીસી વિધેયક પસાર થયું તેને ગુજરાતની માતૃશક્તિ માટે ‘ઐતિહાસિક દિવસ’ ગણાવતા કહ્યું હતું કે , અત્યાર સુધી લગ્ન, વારસાઈ, દત્તક વિધાન અને છૂટાછેડા જેવા વિષયોમાં ધર્મ અને જ્ઞાતિ મુજબ અલગ-અલગ કાયદાઓ હતા. UCC લાગુ થવાથી આ તમામ વિસંગતતાઓ દૂર થશે અને કોઈપણ ભેદભાવ વગર દરેક નાગરિકને સમાન અધિકાર મળશે. આ બિલ સામાજિક ન્યાય અને સમાનતા સ્થાપિત કરવા માટે એક માઈલસ્ટોન સાબિત થશે.
જનસંઘના સમયના સંકલ્પો પૂર્ણ થયા
તેમણે વધુમાં કહ્યું હતું કે ,UCC એ કોઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી પરંતુ દાયકાઓના સંઘર્ષ અને પરિશ્રમનું પરિણામ છે.
૧૯૫૨નો સંકલ્પ: જનસંઘની સ્થાપના સમયે કલમ ૩૭૦ નાબૂદી, રામ મંદિર નિર્માણ અને સમાન નાગરિક સંહિતા (UCC) ના જે ત્રણ મુખ્ય સંકલ્પો લેવાયા હતા, તે આજે પૂર્ણ થઈ રહ્યા છે.
બીજું રાજ્ય: ઉત્તરાખંડ બાદ ગુજરાત દેશનું એવું બીજું રાજ્ય બન્યું છે જેણે આ મહત્વપૂર્ણ કાયદો પસાર કર્યો છે.
વિપક્ષ પર આકરા પ્રહાર
કોંગ્રેસ અને અન્ય વિપક્ષો પર પ્રહાર કરતા પ્રદેશ ભાજપના અધ્યક્ષે જણાવ્યું હતું કે દાયકાઓ સુધી વોટબેંક અને તુષ્ટિકરણની રાજનીતિને કારણે દેશને વિભાજિત રાખવાના પ્રયત્નો થયા. જેઓ કહેતા હતા કે ‘રામ મંદિર નહીં બને’ કે ‘કલમ ૩૭૦ હટશે તો લોહીની નદીઓ વહેશે’, આજે તેમની બોલતી બંધ થઈ ગઈ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, જ્યારે નીતિ સાફ હોય અને નિયત અટલ હોય ત્યારે રાષ્ટ્રહિતના કાર્યોને કોઈ રોકી શકતું નથી.
”ભાજપા ‘રાષ્ટ્ર પ્રથમ’ ના મંત્ર સાથે ‘સબકા સાથ, સબકા વિકાસ અને સબકા ન્યાય’ માં માને છે. બંધારણની કલમ ૪૪ ના આદેશનું પાલન કરીને ગુજરાત સરકારે પ્રગતિશીલ ભારતનો પાયો મજબૂત કર્યો છે.” તેમ
વિશ્વકર્માએ જણાવ્યુ હતું.