ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલમાં સામાજિક સમાનતા, સ્ત્રી સુરક્ષા અને કાનૂની પારદર્શિતાને ધ્યાનમાં રાખીને અનેક મહત્વપૂર્ણ જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વારસામાં સમાન અધિકાર
આ બિલ હેઠળ તમામ ધર્મોના પુત્ર અને પુત્રીને વારસામાં સમાન અધિકાર આપવામાં આવ્યો છે. આથી લિંગ સમાનતા મજબૂત બનશે અને મહિલાઓને આર્થિક સુરક્ષા મળશે.
- લગ્ન અને છૂટાછેડા માટે કડક નિયમો
- લગ્ન બાદ 60 દિવસમાં નોંધણી ફરજિયાત
- નોંધણી ન કરાવવાથી ₹10,000 સુધીનો દંડ
- બળજબરીથી અથવા એકથી વધુ લગ્ન માટે 7 વર્ષ સુધીની સજા
- કોર્ટ બહારના છૂટાછેડા અમાન્ય, ઉલ્લંઘન પર 3 વર્ષ સુધીની સજા
- લિવ-ઇન રિલેશનશીપ પર નિયંત્રણ
- UCC બિલમાં લિવ-ઇન સંબંધોને પણ કાનૂની દાયરામાં લાવવામાં આવ્યા છે
- લિવ-ઇન માટે નોંધણી ફરજિયાત
- નોંધણી ન કરાવવાથી 3 મહિનાની કેદ અથવા ₹10,000 દંડ
- 18થી 21 વર્ષની ઉંમર વચ્ચેના યુગલો માટે માતા-પિતાને જાણ ફરજિયાત
- બળજબરી, ધમકી અથવા છેતરપિંડીથી બનેલા સંબંધોમાં કડક સજા
- સગીર સાથેના સંબંધમાં POCSO હેઠળ કાર્યવાહી
- મહિલા અને બાળકોને સુરક્ષા
- લિવ-ઇન સંબંધમાં ત્યાગ થયેલી મહિલાને ભરણપોષણનો અધિકાર મળશે. આવા સંબંધોમાં જન્મેલા બાળકોને કાનૂની
- માન્યતા અને વારસાના હક્કો આપવામાં આવશે.
- બંધારણીય આધાર
આ બિલ ભારતનું બંધારણના આર્ટિકલ 44 મુજબ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં તમામ નાગરિકો માટે સમાન નાગરિક કાયદાની દિશામાં પ્રયત્ન કરવાની વાત કરવામાં આવી છે. ઉપરાંત, સમવર્તી યાદી મુજબ લગ્ન, છૂટાછેડા અને વારસા જેવા વિષયો પર કેન્દ્ર અને રાજ્ય બંને કાયદા બનાવી શકે છે.
UCC : તમામ લગ્નોની નોંધણી ફરજિયાત
ગાંધીનગર : રાજય સરકારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code) લાગુ કરવા માટે ‘ગુજરાત સમાન નાગરિક સંહિતા વિધેયક, ૨૦૨૬’ આજે ગુજરાત વિધાનસભામાં રજૂ કર્યું છે. આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મ, જાતિ કે લિંગના ભેદભાવ વગર તમામ નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા, વારસો અને લિવ-ઇન રિલેશનશિપ જેવા વિષયોમાં એકસમાન કાયદાકીય માળખું પૂરું પાડવાનો છે.
આ વિધેયકની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ છે
૧. લગ્ન અને છૂટાછેડાની ફરજિયાત નોંધણી
- વિધેયકના અમલ પછી રાજ્યમાં થતા તમામ લગ્નોની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.
- જો લગ્નનો કોઈ એક પક્ષકાર રાજ્યનો રહેવાસી હોય અને લગ્ન રાજ્યની બહાર થયા હોય, તો પણ તેની નોંધણી કરાવવી આવશ્યક છે.
- નોંધણી ન કરાવવાથી લગ્ન અમાન્ય ગણાશે નહીં, પરંતુ તેના માટે દંડની જોગવાઈ કરવામાં આવી છે.
૨. લગ્ન માટેની શરતો અને પ્રતિબંધો - લગ્ન માટે પુરુષની ઉંમર ૨૧ વર્ષ અને સ્ત્રીની ઉંમર ૧૮ વર્ષ પૂર્ણ હોવી જરૂરી છે.
- જો પતિ કે પત્ની હયાત હોય, તો તે દરમિયાન બીજા લગ્ન કરવા પર પ્રતિબંધ છે અને આવું કરવું ભારતીય ન્યાય સંહિતા હેઠળ શિક્ષાપાત્ર ગુનો ગણાશે.
- ચોક્કસ પ્રતિબંધિત સંબંધોમાં (Prohibited degrees of relationship) લગ્ન કરી શકાશે નહીં, સિવાય કે રૂઢિ કે પરંપરા મુજબ તેની છૂટ હોય.
૩. છૂટાછેડા અને ભરણપોષણ - કોઈપણ પક્ષકાર રૂઢિ કે અંગત કાયદા મુજબ સીધા લગ્ન-વિચ્છેદ કરી શકશે નહીં; છૂટાછેડા માટે આ સંહિતાની જોગવાઈઓનું પાલન કરવું પડશે.
- લગ્નના એક વર્ષની અંદર સામાન્ય રીતે છૂટાછેડાની અરજી કરી શકાશે નહીં.
- વિધેયકમાં ભરણપોષણ (Maintenance), બાળકોની કસ્ટડી અને મિલકતના નિકાલ અંગે સ્પષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે.
૪. લિવ-ઇન રિલેશનશિપ (Live-in Relationship) - ગુજરાતમાં રહેતા અથવા ગુજરાતના રહેવાસી હોય તેવા કપલ્સ માટે લિવ-ઇન રિલેશનશિપની નોંધણી કરાવવી ફરજિયાત કરવામાં આવી છે.
- લિવ-ઇન રિલેશનશિપની નોંધણી ન કરાવવા બદલ અથવા ખોટી માહિતી આપવા બદલ જેલની સજા અને દંડની જોગવાઈ છે.
- બળજબરી કે છેતરપિંડીથી સંમતિ મેળવીને લિવ-ઇન સંબંધ સ્થાપિત કરનારને ૫ વર્ષ સુધીની કેદની સજા થઈ શકે છે.
૫. વારસાહક અને વસિયત (Succession and Wills) - મિલકતના વારસા માટે સમાન નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં ગર્ભમાં રહેલા બાળકનો અધિકાર પણ સુરક્ષિત કરવામાં આવ્યો છે.
- વસિયત (Will) બનાવવાની પ્રક્રિયા, તેની માન્યતા અને અમલીકરણ માટે વિગતવાર કાયદાકીય માળખું તૈયાર કરવામાં આવ્યું છે.
૬. ખાસ નોંધ અને અપવાદ - આ સંહિતા અનુસૂચિત આદિજાતિઓ (Scheduled Tribes) અને વ્યક્તિઓના અમુક અન્ય જૂથોને લાગુ પડશે નહીં.
- આ કાયદાના અમલ માટે રજિસ્ટ્રાર જનરલ અને રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવશે.