ગાંધીનગર : ગુજરાતના સંસદીય ઇતિહાસમાં આજે મહત્વપૂર્ણ પ્રકરણ ઉમેરાયું છે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) વિધેયક રજૂ કર્યું હતું. બિલ રજૂ થતાની સાથે જ સમગ્ર ગૃહ ‘જય શ્રી રામ’ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે પ્રેક્ષક ગેલેરીમાં સાધુ-સંતોની વિશાળ ઉપસ્થિતિ નોંધાઈ હતી. ઉપરાંત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદેશ ભાજપન ઉપાધ્યક્ષ ભરત પંડયા, પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજા સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.
મોડી રાત્રે બહુમતિથી વિધાનસભામાં સમાન નાગરિક સંહિતાના આ કાયદાને મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે, ગુજરાત ઉત્તરાખંડ પછી યુસીસી લાગુ કરનાર બીજું રાજ્ય બન્યું છે.
આ વિધેયકમાં જોગવાઇ કરવામાં આવી છે કે, આ કાયદો આદિવાસી સમાજને લાગુ નહીં પડે. એટલું જ નહીં ઓળખ છુપાવીને લગ્ન કરનાર સામે કડક કાર્યવાહીની જોગવાઇ પણ આ વિધેયકમાં કરવામાં આવી છે.
• વિધેયકના અમલ પછી રાજ્યમાં થતા તમામ લગ્નોની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. નોંધણી ન કરાવવાથી લગ્ન અમાન્ય ગણાશે નહીં, પરંતુ તેના માટે દંડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ 18થી 21 વર્ષની ઉંમર વચ્ચેના યુગલો માટે માતા-પિતાને જાણ કરવી ફરજિયાત બનાવાઇ છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે UCC માત્ર કાનૂની મુદ્દાઓને નિયંત્રિત કરશે અને ધાર્મિક વિધિઓ કે પરંપરાઓમાં કોઈ હસ્તક્ષેપ નહીં કરે. આ બિલ ભારતનું બંધારણના આર્ટિકલ 44 મુજબ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં તમામ નાગરિકો માટે સમાન નાગરિક કાયદાની દિશામાં પ્રયત્ન કરવાની વાત કરવામાં આવી છે. ઉપરાંત, સમવર્તી યાદી મુજબ લગ્ન, છૂટાછેડા અને વારસા જેવા વિષયો પર કેન્દ્ર અને રાજ્ય બંને કાયદા બનાવી શકે છે.
છ કલાકથી વધુ ચર્ચા પછી બિલ બહુમતીથી પસાર, કોંગ્રેસનો વોકઆઉટ
રાજ્ય વિધાનસભામાં 201 પાનાનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું, કોંગ્રેસે આ પગલાનો વિરોધ કર્યો હતો અને તેને લઘુમતી વિરોધી ગણાવ્યું હતું, તે પછી લગભગ છ કલાકથી વધુની ચર્ચા બાદ બિલ પર મતદાન કરાતા તે બહુમતીથી પાસ થયું હતું. જો કે મતદાન દરમિયાન દરમિયાન કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું.
આ ક્ષણ ઐતિહાસિક છે : ભૂપેન્દ્ર પટેલ
વિધેયક રજૂ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ આ દિવસને ઐતિહાસિક ગણાવ્યો અને જણાવ્યું હતું કે, આ પગલું ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને મજબૂત બનાવે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને વખાણતા દેશને નવી દિશા આપવાનો ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રીના જણાવ્યા મુજબ આ કાયદો ખાસ કરીને મહિલાઓના હિત અને સુરક્ષા માટે મહત્વપૂર્ણ રહેશે. સગીરાઓ સાથેના લિવ-ઇન સંબંધોમાં પોસ્કો હેઠળ ગુનો નોંધાશે અને બળજબરીથી લગ્નના કેસમાં કડક સજા કરવામાં આવશે.
બિલની મુખ્ય જોગવાઈઓ
- UCC વિધેયક અંતર્ગત તમામ નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા અને વારસા સંબંધિત કાયદાઓમાં સમાનતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
- લગ્નનું રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે, લિવ-ઇન રિલેશનશિપ માટે પણ નોંધણી જરૂરી, દીકરા અને દીકરીને વારસામાં સમાન હક
- એકથી વધુ લગ્નના કેસમાં 7 વર્ષ સુધીની સજા કોર્ટ બહાર છૂટાછેડા અમાન્ય, ઉલ્લંઘન પર સજા
- 18થી 21 વર્ષની ઉંમર વચ્ચેના યુગલો માટે માતા-પિતાને જાણ ફરજિયાત
- •કોર્ટ બહારના છૂટાછેડા અમાન્ય, ઉલ્લંઘન પર 3 વર્ષ સુધીની સજા