Business

રમઝાન પહેલા યુએઈએ માનવતાનું ઉદાહરણ રજૂ કર્યું: પવિત્ર મહિનામાં 1856 કેદીઓને માફ કરાયા

પવિત્ર રમઝાન માસ શરૂ થઈ ગયો છે. આ મહિનો શરૂ થવા પહેલા સંયુક્ત અરબ અમીરાતમાં માનવતા અને દયાયાચનાનો અનોખો સંદેશ આપતો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ માસની શરૂઆત પહેલા દેશના વિવિધ અમીરાતોમાંથી હજારો કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે, જેથી તેઓ પોતાના પરિવાર સાથે આ પવિત્ર સમય ઉજવી શકે અને જીવનમાં નવી શરૂઆત કરી શકે. રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનએ દેશભરના સુધારાગૃહોમાંથી 1,400થી વધુ કેદીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. ખાસ વાત એ છે કે મુક્ત થનારા કેદીઓ પર લાગેલા દંડ અને બાકી રહેલા નાણાકીય બોજાનો પણ સરકાર દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું છે. આ પગલાંનો મુખ્ય હેતુ બસ એટલો છે કે કેદીઓ સમાજમાં ફરીથી સ્વાભિમાન સાથે જીવન જીવી શકે અને પરિવાર સાથે ફરી જોડાઈ શકે. આ સાથે જ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમએ દુબઈમાં 1,856 કેદીઓને માફી આપવામાં આવી હતી. આ નિર્ણયથી અનેક પરિવારોમાં ખુશીની લહેર ફરી વળી છે. મુક્તિ મેળવતા કેદીઓમાં વિવિધ દેશોના નાગરિકોનો સમાવેશ થાય છે, જે લાંબા સમયથી સજા ભોગવી રહ્યા હતા.

અન્ય અમીરાતોએ પણ આ માનવતાભર્યા અભિયાનમાં સહભાગીતા દર્શાવી હતી. શારજાહમાં સૈંકડો કેદીઓને મુક્તિ આપવામાં આવી હતી, જ્યારે રસ અલ ખૈમા અને આજમાનમાં પણ મોટી સંખ્યામાં કેદીઓને સજા માફ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ માફી મુખ્યત્વે સારા વર્તન અને કાયદાકીય માપદંડોને પૂર્ણ કરનારા કેદીઓ માટે આપવામાં આવી છે. યુએઈમાં રમઝાન પૂર્વે કેદીઓને માફી આપવાની પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવી છે. આ નિર્ણય માત્ર કેદીઓને જ નહીં, પરંતુ તેમના પરિવારજનોને પણ માનસિક રાહત મળે એ તેમનો હેતુ છે. ઘણા પરિવારો માટે આ ક્ષણો ભાવનાત્મક બની રહે છે, કારણ કે લાંબા સમય બાદ તેઓ પોતાના પ્રિયજનો સાથે પવિત્ર મહિનો ઉજવી શકે છે. સરકારનું માનવું છે કે દરેક વ્યક્તિને જીવનમાં બીજી તક મળવી જોઈએ. રમઝાન જેવો પવિત્ર માસ આત્મચિંતન અને ક્ષમાશીલતાનો સંદેશ આપે છે, અને આ નિર્ણય એ જ ભાવનાને પ્રતિબિંબિત કરે છે.

Most Popular

To Top