NEWSFLASH

દિશા પટનીના ઘરે ગોળીબાર કરનારા ગોલ્ડી બ્રાર ગેંગના બે શૂટર્સની ધરપકડ, ગેંગના લીડરે પોલીસને આપી ધમકી

ઉત્તર પ્રદેશના બરેલીમાં અભિનેત્રી દિશા પટનીના ઘરે ગોળીબાર કરનારા વધુ બે શૂટર્સને પોલીસે ઝડપ્યા છે. દિલ્હી પોલીસે શુક્રવારે બાગપતના રહેવાસી નકુલ સિંહ અને વિજય તોમરને પકડી પાડ્યા છે. બંને પર એક-એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું. આ સાથે દિશા પટનીના ઘર પર થયેલા હુમલાના ચારેય આરોપી શૂટર્સ પોલીસના રડારમાં આવી ગયા છે.

ગોળીબારની ઘટના અને CCTV ફૂટેજ
તા.11 અને 12 સપ્ટેમ્બરના રોજ દિશા પટનીના ઘરે બે અલગ-અલગ પ્રસંગોએ ગોળીબાર થયો હતો. તા.11 સપ્ટેમ્બરે સવારે 4:30 વાગ્યે નકુલ અને વિજયે ગોળીબાર કર્યો હતો. જ્યારે તા.12 સપ્ટેમ્બરે હરિયાણાના શૂટર્સ અરુણ અને રવિન્દ્રે હુમલો કર્યો હતો. CCTV ફૂટેજમાં બંને શૂટર્સ બાઇક પર જતા દેખાયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે ચારેય શૂટર્સ તા.10 સપ્ટેમ્બરના રોજ બાઇક પર બરેલી પહોંચ્યા હતા અને હોટલોમાં રોકાયા હતા. જોકે દિશા પટનીનું ઘર આ હોટલોથી અડધો કિમી અંતરે હતું.

એન્કાઉન્ટર અને ગેંગ કનેક્શન
તા.17 સપ્ટેમ્બરે યુપી STFએ દિલ્હી અને હરિયાણા પોલીસ સાથે મળીને ગાઝિયાબાદમાં એક એન્કાઉન્ટરમાં અરુણ અને રવિન્દ્રને મારી નાખ્યા હતા. ત્યારથી નકુલ અને વિજય ફરાર હતા. જેઓને પણ હવે પકડી લેવામાં આવ્યા છે. ચારેય શૂટર્સ રોહિત ગોદારા અને ગોલ્ડી બ્રાર ગેંગ સાથે જોડાયેલા હતા. ગેંગ લીડર રોહિત ગોદારાએ પોતાના બે શૂટર્સના એન્કાઉન્ટર બાદ યુપી પોલીસને ખુલ્લો પડકાર આપ્યો હતો. તેણે ધમકી આપી હતી કે “અમે અમારા શૂટર્સની હત્યાનો બદલો લઈશું કોઈ ગમે તેટલો શક્તિશાળી હોય, તેને છોડવામાં આવશે નહીં.”


પોલીસ તપાસમાં ખુલાસા
તપાસમાં જાણવા મળ્યું છે કે નકુલ અને વિજય સ્પ્લેન્ડર બાઇક પર બરેલી આવ્યા હતા અને ઝુમકા ચોરાહે પર રોકાયા હતા. સીસીટીવી કેમેરામાં તેમની હિલચાલ કેદ થઈ હતી. ત્યારબાદ ત્રણ શૂટર્સે હિંદ ગેસ્ટ હાઉસમાં ચેક-ઇન કર્યું. જ્યારે ચોથો શૂટર રવિન્દ્ર પ્રીત પેલેસ હોટેલમાં રોકાયો હતો.

હુમલાના સમયે દિશા પટની મુંબઈમાં હતી. જ્યારે તેનો પરિવાર ઘરે સૂતો હતો. દિશાના પિતા જગદીશ પટનીએ એફઆઈઆરમાં જણાવ્યું હતું કે ગોળીબાર વખતે કૂતરો ભસ્યો હતો અને જ્યારે તેઓ બાલ્કનીમાં ગયા ત્યારે શૂટર્સે તેમના પર પણ ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

દિલ્હી પોલીસ દ્વારા નકુલ અને વિજયની ધરપકડ બાદ કેસની કડી વધુ મજબૂત બની છે. બરેલી પોલીસે બંનેને બી-વોરંટ પર બરેલી લાવવાની તૈયારી કરી છે. આ કેસ માત્ર એક અભિનેત્રીના ઘરને નિશાન બનાવવાનો નથી પરંતુ આંતરરાજ્ય ગેંગોની સક્રિયતા અને તેમની હિંસક ધમકીઓનો પરિચય પણ આપે છે. હવે પોલીસ માટે પડકાર એ રહેશે કે ગેંગ લીડરના ધમકીભર્યા દાવાને કેવી રીતે નિષ્ફળ બનાવવામાં આવે.

Most Popular

To Top