National

દિલ્હી એરપોર્ટ પર સોનાની તસ્કરી કરતા 2 ઝડપાયા, એકએ પોતાને શશિ થરૂરનો PA ગણાવ્યો

નવી દિલ્હી: દિલ્હી કસ્ટમ્સે (Delhi Customs) બુધવારે 29 મેના રોજ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનાની દાણચોરીના (Gold smuggling) કેસમાં બે લોકોની અટકાયત (Arrest) કરી હતી. જેમાંથી એકની ઓળખ શિવ કુમાર પ્રસાદ તરીકે થઈ હતી. તેમજ તેણે પોતાને કોંગ્રેસના નેતા શશિ થરૂરના પીએ (PA) ગણાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ શશિ થરૂરના પીએ પાસેથી કુલ 500 ગ્રામ સોનું મળી આવ્યું હતું. શિવ કુમાર આઈજીઆઈ એરપોર્ટ પર તેના સાથી સ્મગલર પાસેથી વિદેશથી લાવેલું સોનું લઈ રહ્યો હતો. દરમિયાન કસ્ટમે તેને ઝડપી પાડ્યો હતો. હાલ દિલ્હી કસ્ટમ્સની ટીમ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. તેમજ વિભાગ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે આરોપીઓ અગાઉ પણ સોનાની દાણચોરી કરતા હતા કે આ પ્રથમ વખતની દાણચોરી હતી.

30 લાખની કિંમતનું સોનું ઝડપાયું
મળેલી માહિતી મુજબ શશિ થરૂરના પીએ પાસેથી મળી આવેલા સોનાની કિંમત લગભગ 30 લાખ રૂપિયા છે. આ સોનું દુબઈથી આવી રહ્યુ હોવાનું પણ સામે આવ્યું છે. હાલ કસ્ટમ અધિકારીઓ શશિ થરૂરના પીએની પૂછપરછ કરી રહ્યા છે. તેને પૂછવામાં આવ્યું હતું કે આ સોનાનો સ્ત્રોત શું છે? તેમજ તે આ સોનું ભારત શા માટે લાવી રહ્યો હતો?

શશિ થરૂરે આપી પ્રતિક્રિયા
સમગ્ર મામલે શશિ થરૂરે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે દાણચોરીમાં પકડાયેલો વ્યક્તિ હાલમાં તેમની સાથે કામ કરતો નથી. શશિ થરૂરે કહ્યું હતું કે, હાલ હું એક ધર્મશાળામાં છું. મારા સ્ટાફના ભૂતપૂર્વ સભ્ય સાથે બનેલ ઘટના વિશે સાંભળીને મને મોટો આઘાત લાગ્યો છે. તેમજ ધરપકડ કરાયેલ વ્યક્તિએ મારી સાથે એરપોર્ટ સુવિધા સહાયક તરીકે પાર્ટ ટાઇમ કામ કર્યું હતું.

દિલ્હી એરપોર્ટ પર અટકાયત કરાયેલા વ્યક્તિ વિશે વધુ વિગતો આપતા શશિ થરૂરે કહ્યું, ‘તે 72 વર્ષીય નિવૃત્ત વ્યક્તિ છે, જે નિયમિતપણે ડાયાલિસિસ કરાવે છે. આરોપીને નાણાંની જરૂર હોય, તેને દયાના આધારે પાર્ટ ટાઈમ ધોરણે નોકરી આપવામાં આવી હતી. હું કોઈપણ ખોટા કામને સમર્થન આપતો નથી. આ મામલાની તપાસ માટે જરૂરી પગલાં લેવા માટે અધિકારીઓના પ્રયાસોને હું સંપૂર્ણ સમર્થન આપું છું. હું માનું છું કે કાયદાએ પોતાનું કામ કરવું જ જોઇયે.

Most Popular

To Top