Gujarat

અમદાવાદના ચાંદખેડામાં ઢોંસા ખાધા બાદ બે બાળકીના મોત

અમદાવાદ : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારની બે નાની બાળકીના મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, ડેરીમાંથી લાવેલા ખીરૂમાંથી બનાવાલા ઢોંસા ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત બગડતા આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. હાલ માતા-પિતા ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ અંગે મળતી માહિતી મુજબ, 1 એપ્રિલના રોજ પરિવારના વિમલ પ્રજાપતિએ ચાંદખેડાના આઈઓસી રોડ પર આવેલી ઘનશ્યામ ડેરીમાંથી આશરે 3 કિલો ઢોંસાનું ખીરું ખરીદ્યું હતું. ઘરે ઢોંસા બનાવી ખાધા બાદ તે જ રાત્રે વિમલભાઈને ઉલ્ટીઓ શરૂ થઈ અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આગલા દિવસે વિમલભાઈની પત્ની ભાવનાબેન અને ચાર વર્ષની દીકરીએ પણ તે જ ખીરું ખાધું હતું, જેના પગલે તેમની તબિયત પણ ગંભીર રીતે બગડી હતી.

પરિવારના જણાવ્યા અનુસાર, ભાવનાબેને પોતાની ત્રણ મહિનાની બાળકીને ફીડિંગ કરાવ્યું હતું, જેના બાદ બાળકીની તબિયત બગડી અને તેનું મોત નિપજ્યું. ત્યારબાદ સારવાર દરમિયાન ચાર વર્ષની બાળકીનું પણ 4 એપ્રિલે મોત થયું હતુ.

પરિવારો આક્ષેપ છે કે ઢોસાના ખીરૂના કારણે આ ઘટના બની છે. જેના પગલે ડેરી સંચાલકોએ જણાવ્યું કે તે દિવસે લગભગ 80-90 કિલો ખીરું તૈયાર કરવામાં આવ્યું હતું અને અનેક ગ્રાહકોએ ખરીદ્યું હતું, પરંતુ અન્ય કોઈ ગ્રાહક તરફથી ફરિયાદ મળી નથી. સીસીટીવીના આધારે અન્ય ગ્રાહકોની પણ તપાસ કરવામાં આવી હતી, જેમાં કોઈને તકલીફ ન હોવાનું સામે આવ્યું છે.

આ ઘટના બાદ અમદાવાદ મનપાના ફૂડ વિભાગ અને પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે. જ્યારે ફ્રુડ વિભાગ દ્વારા ડેરીમાંથી ખીરાના નમૂનાઓ લેવામાં આવ્યા છે, પોલીસ દ્વારા આ ખીરાને એફએસએલ તપાસ માટે મોકલી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પેનલ પોસ્ટમોર્ટમ અને લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે.

ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને તમામ સંભવિત એંગલથી કેસની તપાસ ચાલી રહી છે.

હાલ સમગ્ર મામલો રહસ્યમય બન્યો છે. શું આ ફૂડ પોઈઝનિંગનો કેસ છે કે પાછળ કોઈ બીજું કારણ છે તે હજી સ્પષ્ટ થયું નથી. લેબોરેટરી રિપોર્ટ અને તપાસ પૂર્ણ થયા બાદ જ આ ઘટનાનો સાચો ભેદ ખુલશે.

Most Popular

To Top