National

નેપાળમાં ભૂસ્ખલન થતા બે બસ ત્રિશુલી નદીમાં ખાબકી, 63 યાત્રીઓ પાણીમાં તણાયા હોવાની આશંકા

કાઠમાંડુ: નેપાળમાં (Nepal) આજે શુક્રવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં બે યાત્રિ બસો (Passenger bus) આજે આજે દુર્ઘટનાનો શિકાર બની હતી. ત્યારે મધ્ય નેપાળમાં ભૂસ્ખલન (Landslide) થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું, જેના કારણે લગભગ 63 યાત્રિઓને લઈ જતી બે બસો ત્રિશુલી નદીમાં ખાબકી હતી.

આ ઘટનાની પુષ્ટિ કરતા ચિતવનના મુખ્ય જિલ્લા અધિકારી ઈન્દ્રદેવ યાદવે જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી અનુસાર બંને બસમાં બસ ડ્રાઈવર સહિત કુલ 63 લોકો મુસાફરી કરી રહ્યા હતા. દરમિયાન મધ્ય નેપાળ મદન-આશિર હાઈવે પર ભૂસ્ખલન થયુ હતું. જેના કારણે સવારે 3:30 વાગ્યે બંને બસો નદીમાં વહી ગઈ હતી. હાલ બસની શોધખોળ ચાલુ જ છે પરંતુ ભારે વરસાદના કારણે રેસ્કયુ ઓપરેશનમાં મુશ્કેલીઓ આવી રહી છે.

વરસાદના કારણે ગુમ થયેલી બસોને શોધવામાં મુશ્કેલી
મુખ્ય જીલ્લા અધિકારીએ કહ્યું હતું કે, ‘અમે ઘટનાસ્થળે ટીમ સાથે છીએ અને સર્ચ ઓપરેશન ચાલુ જ છે. પરંતુ સતત પડી રહેલા ધોધમાર વરસાદને કારણે ગુમ થયેલી બસોને શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ છતા એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે ઘટનાની તપાસ કરી છે.’

નેપાળના વડા પ્રધાને ઘટના અંગે શોક વ્યક્ત કર્યો
નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે ટ્વિટર પર ટ્વીટ કરીને આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, “નારાયણગઢ-મુગલીન રોડ સેક્શન પર ભૂસ્ખલનમાં બસ ધોવાઈ જતાં લગભગ પાંચ ડઝન મુસાફરો તણાયા હોવાના અહેવાલ અને દેશના વિવિધ ભાગોમાં પૂર અને ભૂસ્ખલનને કારણે મિલકતોના નુકસાનથી હું ખૂબ જ દુઃખી છું. હું ગૃહ પ્રશાસન સહિત સરકારની તમામ એજન્સીઓને મુસાફરોની શોધ અને અસરકારક બચાવ કરવા નિર્દેશ આપું છું.” તે જ સમયે ખરાબ હવામાનને કારણે રાજધાની કાઠમાંડુથી ભરતપુર-ચિતવનની તમામ ફ્લાઇટ્સ આજે માટે રદ કરવામાં આવી છે.

બસો કાઠમાંડુથી રૌતહાટ જઈ રહી હતી
જિલ્લા મેજિસ્ટ્રેટ ઈન્દ્રદેવ યાદવના જણાવ્યા અનુસાર કાઠમાંડુથી રૌતહાટ જઈ રહેલી એન્જલ અને ગણપતિ ડીલક્સ નામની બસ ભૂસ્ખલનમાં વહી ગઈ હતી. ત્યારે પ્રાથમિક અહેવાલો અનુસાર, કાઠમાંડુ જતી બસમાં 24 લોકો અને બીજી બસમાં 41 લોકો સવાર હતા.

રાહત અને બચાવ કામગીરી ચાલુ છે
ઘટના વિશે વધુ માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે ગણપતિ ડીલક્સમાં મુસાફરી કરી રહેલા ત્રણ મુસાફરો બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. ત્યારે પોલીસ અધિક્ષક ભાવેશ રિમાલે જણાવ્યું હતું કે નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળના જવાનો રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે.

Most Popular

To Top