ન્યૂયોર્ક : ટ્વીટરના (Twitter) નવા માલિક અબજોપતિ એલન મસ્કે (Elon Musk) કહ્યું હતું કે ‘કોઈ એવી વ્યક્તિ જે આ પદ પર બેસવા માટે જેટલી મૂર્ખ હોય’ તેવી વ્યક્તિ મળતાની સાથે જ તેઓ સોશિયલ મીડિયા કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે રાજીનામું આપી દેશે. ઓનલાઈન કરાયેલા મતદાનમાં યુઝર્સે તેમને પદ છોડવા માટે મત આપ્યાના બે દિવસ બાદ તેમનું આ નિવેદન આવ્યું હતું.
- 51 વર્ષીય અબજોપતિએ અગાઉ ટ્વિટર મતદાનના પરીણામનું પાલન કરવાનું વચન આપ્યું હતું જેમાં 57.5 ટકા યુઝર્સે તેમને પદ છોડવા માટે ‘હા’માં મત આપ્યો
- મસ્કે તુરંત જ મતદાનના પરીણામ પર પ્રતિક્રિયા આપી ન હતી અને પોલના બે દિવસ બાદ જાહેર કર્યું હતું
51 વર્ષીય અબજોપતિએ અગાઉ ટ્વિટર મતદાનના પરીણામનું પાલન કરવાનું વચન આપ્યું હતું જેમાં 57.5 ટકા યુઝર્સે તેમને પદ છોડવા માટે ‘હા’માં મત આપ્યો હતો. ‘હું સીઈઓ તરીકે જલદી જ રાજીનામું આપીશ જેમ જ મને કોઈ આ પદ લેવા માટે પૂરતો મૂર્ખ મળશે. ત્યારબાદ હું ફક્ત સોફ્ટવેર અને સર્વર્સ ટીમો ચલાવીશ’, એમ મસ્કે મંગળવારે ટ્વિટ કર્યું હતું.
મસ્કે રવિવારે એક ઓનલાઈન પોલમાં પૂછ્યું હતું કે શું તેણે ટ્વીટરના વડા તરીકે પદ છોડવું જોઈએ. ‘હું આ પોલના પરીણામોનું પાલન કરીશ’, એમ તેમણે કહ્યું હતું. 17 મિલિયન કરતા વધુ મત આ પોલમાં પડયા હતા જે રવિવારની સાંજે શરૂ થયું હતું અને સોમવારની સવારે બંધ થયું હતું જેમાં મોટાભાગના યુઝર્સે તેમને પદ છોડવા માટે ‘હા’ પાડી હતી. કુલ 57.5 ટકા લોકોએ ‘હા’માં મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે મસ્કના ટ્વીટર પર 122 મિલિયન ફોલોઅર છે. મસ્કે તુરંત જ મતદાનના પરીણામ પર પ્રતિક્રિયા આપી ન હતી અને પોલના બે દિવસ બાદ જાહેર કર્યું હતું કે જેમ જ તેમને આ પદ પર બેસવા માટે કોઈ મૂર્ખ મળશે તે રાજીનામું આપી દેશે.