મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી રહ્યો છે અને આ સ્થિતિને શાંત કરવા તૂર્કીએ પોતાના મધ્યસ્થી પ્રયાસો તેજ કર્યા છે. રવિવારે, તૂર્કીના વિદેશ મંત્રી હાકાન ફિદાને અમેરિકા, ઈરાન અને યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓ સાથે ગહન ચર્ચા કરી. આ ચર્ચામાં ખાસ કરીને આ વિસ્તારમાં હિંસા અટકાવવાના અને શાંતિ સ્થાપવાના માર્ગો પર ભાર મૂકવામાં આવ્યો. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ દક્ષિણ ઈઝરાયલના અરાદ શહેરની મુલાકાતે ગયા હતા, ત્યાં શનિવારે થયેલા ઈરાનના મિસાઈલ હુમલાની ચિંતાજનક વિગતો તેમને મળી હતી. નેતન્યાહૂએ આ હુમલાને વૈશ્વિક જોખમ સાથે સરખાવ્યું અને જણાવ્યું કે અમેરિકા અને ઈઝરાયલ સંયુક્ત રીતે આ જોખમ સામે લડી રહ્યા છે. ઈરાન દ્વારા ઈઝરાયેલના ડિમોના અને અરાદ શહેરોમાં મિસાઈલ હુમલામાં ‘શિમરોન પેરેઝ નેગેવ પરમાણુ સંશોધન કેન્દ્ર’ને લક્ષ્ય બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 180થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં 11ની હાલત નાજુક છે.
રાજનીતિક સૂત્રોના જણાવ્યા મુજબ, તૂર્કીના વિદેશ મંત્રી હાકાન ફિદાનએ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી, ઇજિપ્તના વિદેશ મંત્રી બદ્ર અબ્દેલાતી અને યુરોપિયન યુનિયનના વિદેશ નીતિના વડા કાજા કલ્લાસ સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. ચર્ચાનો મુખ્ય હેતુ મિડલ ઈસ્ટમાં તણાવ ઘટાડવો અને હિંસા અટકાવવી છે. ભારત સરકાર પણ આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એક્શન મોડમાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હાઈ-લેવલ મીટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં મુખ્ય ધ્યાન ઉર્જા પુરવઠો અને મોંઘવારી પર નિયંત્રણ જાળવવા પર કેન્દ્રિત હતું.
ફિદાનએ શનિવારે પત્રકારોને જણાવ્યું, “અમે જોઈ રહ્યા છીએ કે યુદ્ધ શરૂ થયા પછી તૂર્કી પર વિશ્વાસ વધી રહ્યું છે. અમે ક્યારેય અનિશ્ચિત વલણ અપનાવ્યું નથી. દરેકને ખબર છે કે અમે દરેક પક્ષને જણાવ્યું કે તેમણે શું ભૂલો કરી છે. ઈરાન અને ખાડી દેશો સાથે જે થયું તે અંગે અમારો અભિપ્રાય મજબૂત અને સ્પષ્ટ છે.” તેમણે જણાવ્યું કે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં થયેલી બેઠકમાં ખાડી દેશોએ કહ્યું કે જો હાલની પરિસ્થિતિ યથાવત રહેશે, તો પગલાં લેવાની જરૂર પડી શકે છે. ફિદાનએ આ અઠવાડિયાની શરૂઆતમાં સાઉદી અરેબિયા, કતાર અને યુએઈનો પ્રાદેશિક પ્રવાસ કર્યો હતો.
ફિદાનના જણાવ્યા મુજબ, ખાડી દેશો માને છે કે યુદ્ધ આગામી બે થી ત્રણ અઠવાડિયા સુધી ચાલશે અને આ મામલામાં અમેરિકાની ભૂમિકા મહત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું કે ખાડી દેશોએ શરૂઆતથી જ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પોતાના હવાઈ ક્ષેત્ર અથવા પ્રદેશમાં સ્થિત સૈનિક ઠેકાણાઓનો યુદ્ધ માટે ઉપયોગ નહીં થવા દે અને તેઓ યુદ્ધનો ભાગ બનશે નહીં. તેમણે ઉમેર્યું કે ઈરાને લશ્કરી ઠેકાણાઓ સિવાય નાગરિક માળખાકીય સુવિધાઓ અને આર્થિક લક્ષ્યો પર પણ હુમલા કર્યા છે. ફિદાનએ કહ્યું કે ઇઝરાઇલ યુદ્ધને વધુ લાંબું રાખી ઈરાનને વધુ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે. તેમણે કહ્યું કે મુદ્દો યુદ્ધ સમાપ્ત કરવાની યોજનાઓનો અભાવ નથી, પરંતુ શાંતિ તરફ આગળ વધવાની ઈઝરાઇલની ઇચ્છા ઓછા છે. યુદ્ધ ચાલુ રહેતા વાટાઘાટો થવાની શક્યતા ખૂબ ઓછી છે, પરંતુ ટૂંકા ગાળાના યુદ્ધવિરામ પછી પક્ષો ફરી વાટાઘાટો શરૂ કરી શકે છે, અને જો આ વાટાઘાટો નિષ્ફળ થશે તો યુદ્ધ ફરી શરૂ થાય તો કહેવાય નહીં.