Columns

તુ રુપ કી રાની… મૈં ચોરો કા રાજા…!

કોઈ પણ હિન્દી ફિલ્મ માટે દર્શકોને બૉકસ ઑફિસ સુધી ખેંચી લાવે એવું આ લોભાવનારું ટાઈટલ છે. વાત ખરેખર ગંભીર છે, કારણ કે અહીં જે ‘રાની‘ની વાત છે એ મદહોશ કરી નાખે એવી બૉલીવૂડની બે એકટ્રેસ છે. આ બન્ને સેકસી અભિનેત્રી સાથે જેનું નામ ગાજે છે એ પણ કુછ કમ નહીં… રુપિયા 200 કરોડના મની લોન્ડ્રિંગના અપરાધમાં અટવાઈને એ ‘ચોરો કા રાજા’ અત્યારે દિલ્હીની તિહાર જેલમાં ખરા અર્થમાં આરામ ફરમાવી રહ્યો છે. પેલી 2 ફૂટડીમાંથી એક છે મૂળ શ્રીલંકાની જેકલિન ફર્નાન્ડિસ અને બીજી છે કુશળ ડાન્સર-અભિનેત્રી એવી મૂળ કેનેડાની નોરા ફતેહી, જ્યારે એ બંનેને પોતાના પ્રેમમાં પાડનારો છે. એક અઠંગ અપરાધી સુકેશ ચન્દ્રશેખર … સુકેશ ચન્દ્રશેખરની ક્રાઈમ કૂંડળી બડી જમાવટવાળી છે. ભગવાન આવી અવળી મતિ કોઈને ન આપે, છતાં ય જો એની ગુનાખોરીની મોડસ ઑપરેન્ડી (કાર્ય પદ્ધતિ) જાણવી હોય તો પોલીસ ચોપડે નોંધાયેલી એની અપરાધકથા જરૂર જાણી લેવા જેવી છે…

આમ તો સુકેશ દેખાવે ખાસ કંઈ પહેલી નજરે ધ્યાન ખેંચે એવો નથી. રાબેતા મુજબ એ કોઈ સાઉથ ઈન્ડિયન લાગે. દક્ષિણ ભારતીય જેવો જ ઘટ્ટ ઘંઉવર્ણો વાન. હા, બાહ્ય દેખાવને તમે જતો કરો તો એની જબાનમાં એવો જાદુ છે કે વાત શરુ થાય તે ત્યાંથી લઈને વાત પૂરી થાય ત્યાં સુધી એ તમને એની વાતથી ઝકડી રાખે એવો વાક્ચાતુર્યમાં એ એક્કો છે. ભલભલાને એ આંજી શકતો, કારણ કે એ જેને પણ મળવા જતો એના વિશેની બધી જ માહિતી મેળવીને-પૂરતું હૉમવર્ક કરીને જતો એટલે સામેવાળાને પહેલી મિટિંગમાં શું કહેવું છે-કેટલું કહેવું છે એનો રોડમેપ -નકશો એના મગજમાં સ્પષ્ટપણે તૈયાર રહેતો માટે પોતાની વાત સામેવાળાને ઘીથી લથપથ શીરાની જેમ ગળે ઊતારી દેતો…

કાળા નાણાંની હેરાફેરી કરી એને કોઈ રીતે પણ કાયદેસર બનાવવાની પ્રક્રિયા ‘મની લોન્ડરિંગ’ તરીકે ઓળખાય છે. આવા ગેરકાયદે સોદામાં તમારે પહેલી વારમાં જ શિકારને લપેટમાં લઈ લેવો પડે. સુકેશ ચન્દ્રશેખર આવા 90 જેટલા કેસમાં સંડોવાયો હતો. જેટલા પણ એણે શિકાર કર્યા એમાં એની મીઠી જબાને જ કામ તમામ કરી આપ્યું હતું.

મૂળ બેંગલુરુનો આ 32 વર્ષનો સુકેશ પોતાની આઈડેન્ટિટી- ઓળખ બદલવામાં પાવરધો છે. જેવો શિકાર એ મુજબનો એ શ્વાંગ સજે. મોટેભાગે પોતાની ઓળખ એક સફળ બિઝનેસમેન તરીકે આપતો. પોતે મોટા રાજકારણીઓથી માંડીને જાણીતા ફિલ્મ કલાકારો તેમજ સમાજના નામી લોકો સાથે અચ્છો ઘરોબો ધરાવે છે એવી વાતથી સામાવાળાને પ્રભાવિત કરી લેતો. એ જરૂર પડે ત્યારે પોતાની ઓળખ તમિળનાડુના પૂર્વ મુખ્ય મંત્રી કરુણાનિધિના પુત્ર તરીકેથી માંડીને આન્ધ્રના સદગત મુખ્ય માંત્રી વાયએસઆર રેડ્ડી—કરુણાકરણ અને યદુરપ્પાના ભાણેજ -ભત્રીજા સુધી બિન્દાસ્ત આપતો!. જો કે એ બીજા ચાલબાજ જેવો સાવ ફેંકુ પણ ન હતો.

એ અમુક સાથે ખરેખર સારા સંબંધ પણ ધરાવતો… એની કેરિયરનો સર્વપ્રથમ તગડો શિકાર તમિળનાડુના વરિષ્ઠ નેતા ટીટીવી દિનાકરણ હતા. ‘પોતે ચૂંટણી ક્નિશ્નર સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે, જે દિનાકરણના પક્ષને આગામી ચૂંટણી જીતાડવામાં મદદરૂપ બનશે’ એવું એમના દિમાગમાં ઠસાવીને સુકેશે ‘ખર્ચ’ પેઠે 2-3 ટુકડામાં રૂપિયા ૫૦ કરોડની જંગી રક્મ સરકાવી લીધી હતી! પાછળથી ચૂંટણી કમિશ્નરની ફરિયાદને લીધે એ ઝડપાયો ને તિહાર જેલમાં ધકેલાઈ ગયો. ત્યાં પણ સુકેશે એવી જમાવટ કરી હતી કે જેલમાંથી એ જાતભાતના ચક્કર ચલાવીને તગડી ખંડણી વસૂલ કરતો…!

આ દરમિયાન જેની કિંમત આશરે રૂપિયા 28 કરોડની ગણાય એવી રૉલ્સ રોયથી માંડીને મર્સિડીઝ્ – લેન્ડ રૉવર્- બૅન્ટલે જેવી કુલ નવેક વૈભવી કારનો કાફલો ધરાવતો સુકેશ આડેધડ ખર્ચ કરવાનો વિલાસી શોખિન હતો. તિહાર જેલમાં હતો ત્યારથી એ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિસના પ્રેમમાં પડી ગયો હતો. જેલમાંથી જેકલિનનો સંપર્ક કરવામાં સફળતા ન મળી ત્યારે જેકલિનને નજીકથી ઓળખતી હતી એવી પિંકી પંજાબી નામની એક લેડી થ્રુ જેકલિનનો એણે પરિચય કેળવ્યો, જે સમય જતાં વધુ ઘનિષ્ઠ થયો હતો.

એ વખતે સુકેશે પોતાની ઓળખાણ સાઉથના વિખ્યાત ટીવી ચેનલ ‘સન’ના માલિક પરિવારના વારસ તરીકે આપી હતી. એ પોતાને રાજકારણી જ્યલલિતાના ભાણેજ તરીકે પણ ઓળખાવતો ! ટૂંક સમયમાં જેકલિન અને સુકેશના આવા નિકટના ‘સંબંધ‘ અને સુકેશ જેલમાંથી એના પર કેવી કેવી લાખો-કરોડોની મોંધી ભેટ-સોગાદ ન્યોછાવર કરતો હતો એની વાત પણ જાહેરમાં જોરશોરથી ચર્ચાવાની શરુ થઈ ગઈ હતી. એ દરમિયાન સુકેશના ‘મનીલોન્ડરિંગ’ લફરામાં પેલી લેડી પિન્કી પંજાબીની પણ ધરપકડ થઈ હતી.

અહીં આ ‘કહાની મેં ટિવસ્ટ’એ આવ્યો કે જેકલિન – સુકેશના કહેવાતા હુંફાળા સંબંધમાં અચાનક સેક્સી ડાન્સર-અભિનેત્રી નોરા ફતેહીનું નામ ઉછળ્યું. એની સિનિયર કહેવાય એવી જેકલિને અનેક ફિલ્મોમાં હીરોઈને તરીકે ભૂમિકા ભજવી છે. તાજેતરની ‘રામસેતુ’– ‘ભૂત પોલીસ’ ઉપરાંત કિક – રેસ – હાઉસફૂલ-ડ્રાઈવ, વગેરે… એની સરખામણીએ નોરાના નામે અભિનેત્રી તરીકે ઓછી ફિલ્મો છે, પણ હોટ ડાન્સર અને પરફોર્મર તરીક વધુ જાણીતી છે. એનાં ‘સાકી સાકી’– ‘દિલબર’(રીમિક્સ) અને ‘નાચ મેરી રાની’ સુપર હીટ ગણા્ય છે. દિલફેંક સુકેશએ ડાન્સર નોરાને પણ અનેક મોંધી ભેટ પહોંચાડી ત્યાર પછી નોરા સાથે પણ સુકેશ હુંફાળા સંબંધ ધરાવે છે એવી વાતો પણ વહેતી થઈ ગઈ… જો કે અત્યાર સુધી અભિનેત્રી જેકલિન – નોરા તથા એ બંનેનો અપરાધી આશિક એવા સુકેશ ચન્દ્રશેખર વિશેના જેટલા પણ અહેવાલ -વાતો પ્રગટ થયા એમાં ઘણી જગ્યાએ વિરોધાભાસ સ્પષ્ટ નજરે ચઢે છે તો અમુક વાતનો તાગ પણ નથી મળતો.

જેકલિન બે- અઢી વર્ષથી સુકેશના ગાઢ પરિચયમાં હતી ત્યારે એણે જાહેરમાં કહ્યું છે કે ‘મને મારા સપનાનો રાજકુમાર મળી ગયો…!’ પાછળથી સુકેશના કહેવાતા અપરાધ વિશે જાણતી થઈ અને જે રીતે એ પણ કાયદાની ચુંગલમાં સંડોવાઈ ગઈ પછી જેકલિન કહે છે કે સુકેશને લીધે મારી કરિયર રોળાઈ ગઈ ..મારે આ સંબંધને આગળ વધારવાની જરૂર નહોતી…! બીજી બાજુ, નોરા કહે છે : ‘હું સુકેશને કયારેય રૂબરૂ મળી નથી. મારી અને એની પત્ની લીના મારિયા પૉલની ઓળખાણ એક પાર્ટીમાં થયેલી. લીનાના કહેવાથી એના એક ચેરિટી શોમાં મેં એક ડાન્સ કર્યો હતો. લીનાને લીધે હું એના કારાવાસમાં રહેલા પતિ સુકેશના પરિચયમાં આવી અને ૨-4 વાર ‘વૉટ્સ ઍપ‘કૉલ પર અમારે વાત થઈ હતી… ધેટ્સ ઓલ..!’ આવું જાહેર કરનારી નોરા આપણને એનો ફોડ નથી પાડતી કે સુકેશ એના પર શા માટે એવો ફિદા થઈ ગયો કે એણે મોરોક્કોમાં બંગલો લેવા માટેથી લઈને ‘BMW’ જેવી વૈભવી કાર સહિત નોરાને કરોડો રૂપિયાની ભેટ આપી, જેને નોરાએ હોંશે હોંશે સ્વીકારી પણ ખરી !

આવી વારાફરતી જેકલિન અને નોરા સાથેનાં હુંફાળા સંબંધ (લફરાં વાચો!)ની ‘ખાનગી’ વાત ખુલ્લેઆમ જાહેરમાં ચર્ચાતી રહી છે. એ બંનેને આ આશિક અપરાધીએ લાખો રૂપિયાની કિમતી ભેટ તેમજ કડકડતી કરન્સીમાં રોકડ રકમ આપી હોવાની વાતની વાત પણ કોઈથી છાની નહોતી એની સીધી અસર રુપે નોરા અને જેકલિનને કાળાં નાણાંની હેરાફેરી -આર્થિક ભ્ર્ર્ષ્ટાચાર, ઈત્યાદિની તપાસ કરતી એજન્સી ’ઈડી’( ઍન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ )ના હાજર થવાનાં નોતરાં મળ્યાં. કેટલાંય દિવસો સુધી કલાકોના કલાકો સુધી એ બંને લલનાઓની સીધી-ઊલટી તપાસ થઈ. શરૂઆતમાં ’પ્રશંસક’ ને પાછળથી ’સારા મિત્રો’ અને પછી એકેમેક પ્રત્યે ‘કૂણી‘ લાગણી સુધીની કબુલાત થઈ. મોંઘી ભેટની વાત પણ બંનેએ સ્વીકારી, પણ આવી ક્બૂલાતને લીધે કોઈ ગુનો સાબિત નહોતો થતો. ત્યાં …

– ત્યાં હવે આશિક અપરાધી સુકેશ ચન્દ્રશેખરે જ જાતે જબરો ધડાકો કરતાં સ્વીકારી લીધું છે કે એ અને જેકલિન બંને ખરેખર પ્રેમમાં હતા, પણ એની બીજી ફ્રેન્ડ નોરાને એના જેકલિન સાથેના મધુર સંબંધની ઈર્ષા આવતી હતી એટલે નોરા વારંવાર સુકેશને ફોન કરીને જેકલિન સાથેના પ્રેમ સંબંધ તોડી નાખવા ઉશ્કેરતી રહેતી. એટલું જ નહીં, વૈભવી કાર વત્તા મોંધી પર્સની ભેટ ( પર્સની કિંમત ૨ કરોડ રૂપિયા હતી!) ઉપરાંત અઢ્ળક રોકડ પણ અવારનવાર માગતી રહેતી અને નોરાની આ બધી જ પ્રેમભરી ડીમાંડ પોતે પૂરી પણ કરી છે એવી કબૂલાત ખુદ સુકેશુએ પોતાના વકીલ સાથે મોકલેલા એક પત્ર દ્વારા કરી છે..!

આ બધા વચ્ચે જેકલિન- સુકેશના ખરા અર્થમાં હોટ – ઉત્તેજક કહી શકાય એવી ફાઈવ સ્ટારના માહોલમાં ઝડપેલી ઢગલાબંધ તસવીરો સોશિયલ મીડિયા અને અખબારોમાં પ્રગટ થવા માંડી ત્યારે સુકેશ તો તિહાર જેલમાં હતો તો એ કયાં અને કયારે શૂટ થઈ અને જે રીતે જેલમાંથી જેકલિન અને નોરા સાથે સુકેશ ફોન દ્વારા સતત સંપર્કમાં રહેતો એ ‘સગવડ‘ એને કેવી રીતે મળતી હતી એ બધી વાતના ખુલાસા પણ જેલવાળા કે સરકારી તપાસ એજન્સી સુદ્ધાંએ હજુ સુધી કર્યા નથી…!

બીજી તરફ, સુકેશ જેવા અપરાધી સાથે પોતાનું નામ ખોટી રીતે ઉછાળવા માટે નોરાએ હમણાં જેકલિન પર રૂપિયા 200 કરોડનો બદનક્ષી દાવો ફટકાર્યો છે. આમ એક ગુનેગારને લઈને આ બંને બૈરાં હવે જાહેરમાં બાઝયા છે..! ટૂંકમાં એક આશિક અપરાધી અને 2 ધનભૂખી લલનાની આ ભેદભરમવાળી ‘વાર્તા’ દિન પ્રતિ દિન રોમાંચક આકાર લેતી જાય છે. જોઈએ, આખરે હવે એમાં વેમ્પ કે વિલન કોણ પુરવાર થાય છે…

Most Popular

To Top