નવી દિલ્હી : રાફેલ જેટ (Rafael jet) સોદામાં કટકી ચુકવાઇ હોવાનું દર્શાવતો ફ્રેન્ચ સમાચાર વેબસાઇટનો અહેવાલ બહાર આવ્યા બાદ કોંગ્રેસે (congress in action) રાફેલ મુદ્દે ફરી એકવાર મોદી સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો છે. પક્ષના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે આ આખી લેવડ દેવડને ક્લાયન્ટ ગિફ્ટની સંજ્ઞા આપવામાં આવી છે. જો આ મોડેલ બનાવવાના નાણા હતા તો તેને ભેટનું નામ કેમ આપવામાં આવ્યું? શું તે છૂપા વ્યવહારનો ભાગ હતો.
આ નાણા જે કંપનીને આપવામાં આવ્યા છે તે મોડેલ બનાવતી જ નથી. 60 હજાર કરોડ રૂપિયાના રાફેલ સોદામાં સચ્ચાઇ સામે આવી ગઇ છે. આ અમે નહીં પણ ફ્રાન્સની એક એજન્સી જણાવે છે. આ અમે નહીં પણ ફ્રાન્સની જ એક એજન્સી જણાવે છે એમ તેમણે કહ્યું હતું. તેમણે સરકારને પાંચ પ્રશ્નો પૂછ્યા હતા કે શું 11 લાખ યુરોની જે ચુકવણી ક્લાયન્ટ ગિફ્ટના નામે ચુકવાઇ હોવાનું જણાવાયુ છે તે રાફેલ સોદા બદલ વચેટિયાને કમિશન તરીકે ચુકવાયા હતા? આ સોદામાં વચેટિયાને શામેલ કરવાની શી જરૂર હતી, જ્યારે ભારતમાં સંરક્ષણ સોદામાં વચેટિયા રાખવાની મનાઇ છે. શું આનાથી આ સોદા સામે સવાલ નથી ઉભા થયા? સરકારે તેની તપાસ નહીં કરાવવી જોઇએ? વડાપ્રધાન દેશને જવાબ આપશે? એવા પ્રશ્નો તેમણે કર્યા હતા.
કટકીના આક્ષેપો સંપૂર્ણ પાયા વિહોણા: ભાજપ
સુપ્રીમ કોર્ટ આમાં તપાસની માગણી અગાઉ ફગાવી જ ચુકી છે: કોંગ્રેસ સુરક્ષા દળોને નબળા પાડવા પ્રયાસો કરે છે
રાફેલ સોદામાં કટકીના અહેવાલ પછી કોંગ્રેસ આ અંગે સરકારનો જવાબ માગ્યો તે પછી ભાજપે આ આક્ષેપો ફગાવતા તેમને પાયા વિહોણા ગણાવ્યા હતા. ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રવિ શંકર પ્રસાદે કહ્યું હતું કે આ આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે. વિપક્ષે 2019ની વિધાનસભા ચૂટણી વખતે પણ આને મોટો મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો હતો પણ તેઓ ખરાબ રીતે હારી ગયા. સુપ્રીમ કોર્ટે આ ફાઇટર વિમાનોની ખરીદીના સોદામાં તપાસની માગણી ફગાવી દીધી છે અને કેગને પણ તેમાં કશું ખોટું જણાયું નથી એમ પ્રસાદે કહ્યું હતું. જે મીડલમેનનું નામ છે એ કૉંગ્રેસ સાથે કડી છે.
પ્રસાદે કહ્યું હતું કે ફ્રેન્ચ મીડિયામાં આ જે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે તે કોર્પોરેટ હરીફાઇને કારણે હોઇ શકે છે. પ્રસાદે એવો આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ દેશના સુરક્ષા દળોને નબળા પાડવાનો પ્રયાસ કરી રહી છે.