Comments

ટ્રમ્પનો ભારત સામે અન્યાયપૂર્ણ અને આકરો નિર્ણય

૨૦૨૫ની અમદાવાદની અષાઢી બીજની રથયાત્રા એક જુદા જ કારણસર યાદગાર બની ગઈ. આ રથયાત્રા જોવા ઉમટેલો માનવ મહેરામણ, એની કિકિયારીઓ અને કાન ફાડી નાખે તેવા અવાજે વાગી રહેલા ડીજેને કારણે ગજરાજોએ દોડાદોડ મચાવી દીધી. મહાવત તેમજ જંગલ ખાતાના અધિકારીઓ, પોલીસ બધાએ ભેગા થઈને માંડ પરિસ્થિતિને કાબૂમાં લીધી. વૈશ્વિક સ્તરે અત્યારે કાંઈક આવું જ ચાલી રહ્યું છે. ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન (માગા)’ના પોતાના જમણેરી અંતિમવાદી ટેકેદારોને રાજી રાખવા ટ્રમ્પ નામનો આખલો અત્યારે ભુરાંટો થયો છે. ભારત આમ તો શાંતિપ્રિય દેશ છે એટલે શ્વેત (સફેદ) રંગ દેખાવો જોઈએ. કૃષિપ્રધાન દેશ છે, તો હરિયાળો દેખાવો જોઈએ પણ આ માતેલા સાંઢને ભારતમાં લાલ લૂગડું દેખાયું અને પછી પેલી વરુ અને બકરીના બચ્ચાની વાત શરૂ થઈ.

તેં નહીં તો તારા બાપાએ ગાળ દીધી હશે. યેનકેન પ્રકારેણ ભારતને ધમરોળવાની અને એના ઉપર ચઢી બેસવાની જ વાત. એમાંની બે જાહેરાતોનો વિશેષ ઉલ્લેખ કરવો છે. આ જાહેરાતો એટલે ભારતની અમેરિકામાં થતી આયાતો ઉપર ૨૫ ટકા ટેરિફ વત્તા પેનલ્ટી અને ભારતને રશિયન ક્રૂડ ઑઇલ ખરીદવા ઉપર પ્રતિબંધ, કારણ, ભારત રશિયા પાસેથી શસ્ત્ર-સરંજામ અને ક્રૂડ ઑઇલ ખરીદે છે, એને કારણે આડકતરી રીતે એ રશિયા-યુક્રેનમાં યુદ્ધમાં યુદ્ધવિરામ ના થવાનું કારણ છે, જે ચલાવી લેવા અમેરિકા તૈયાર નથી.

એક કહેવત છે કે, ‘ડાહી સાસરે ના જાય અને ગાંડીને શિખામણ દે.’ અફઘાનિસ્તાનથી માંડીને ઇરાક, વિયેતનામ, વગેરે અનેક દેશોમાં અમેરિકાએ બેફામ નરસંહાર કર્યો છે અને છતાંય એક પણ યુદ્ધ નિર્ણાયક રીતે જીતી શક્યું નથી, ત્યારે ભારત પોતાની ઘરઆંગણાની જરૂરિયાત માટે પોતાની રિફાઈનરીઓમાં વપરાતું ક્રૂડ ઑઇલ એને જ્યાંથી સસ્તું પડતું હોય ત્યાંથી ખરીદે એમાં અમેરિકાએ ફાંકા ફોજદારી કરવાની હોય જ નહીં. આ તો ઉલટાનો, ‘ચોર કોટવાલને દંડે’ તે રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૧ ઑગસ્ટ, ૨૦૨૫ના દિવસે જાહેર કર્યું કે, ‘ભારતની સરકારી રિફાઇનરીઓએ રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું છે.’

ભારતીય વિદેશ મંત્રાલયે સાંજે પ્રેસ કૉન્ફરન્સ કરી પણ અમેરિકન પ્રમુખના સ્ટેટમેન્ટ બાબતે ‘મગનું નામ મરી’ પાડ્યું નથી. જે પહેલાં એસ્સાર ઑઇલ રિફાઈનરી તરીકે જાણીતી હતી તે હવે ‘નાયરા’ રિફાઇનરી તરીકે ઓળખાય છે, જ્યાં તપાસ કરતાં જાણવા મળ્યું છે કે, ‘રશિયન ક્રૂડ સપ્લાય બંધ થવાને કારણે આ રિફાઇનરી ઘણી મોટી તકલીફમાં આવી ગઈ છે. આ સમગ્ર મુદ્દે વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ભારત પોતાની તેલ અને ગૅસ જેવી ઊર્જા જરૂરિયાતો અંગે સ્પષ્ટ છે. ભારત વિશ્વની પરિસ્થિતિ અને બજારમાં ઉપલબ્ધ વસ્તુઓને ધ્યાનમાં રાખીને પોતાના હિતમાં નિર્ણય લે છે.’

ભારત માટે રશિયા પાસેથી તેલ ખરીદવું સસ્તું તેમજ સવલતભર્યું થઈ રહ્યું હતું. જો ભારતને મોંઘું ક્રૂડ ઑઈલ ખરીદવાની ફરજ પડે તો ભારતીય રિફાઇનરીઓના નફામાં ઘટાડો થાય. તાજેતરમાં જ એવા અહેવાલો આવ્યા હતા કે, ‘ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ જેવી ભારતીય તેલ કંપનીઓએ ડિસ્કાઉન્ટમાં ઘટાડો અને શિપિંગ સમસ્યાઓના કારણે રશિયન તેલ ખરીદવાનું બંધ કરી દીધું છે.’

ટ્રમ્પે ‘ટ્રૂથ સોશ્યલ’ પર જાહેર કર્યા મુજબ ભારતથી થતી આયાત ઉપર અમેરિકામાં ૨૫ ટકા ટેરિફ અને વધારાનો દંડ વસૂલ કરાશે. આ ટેરિફ ૭ ઑગસ્ટથી અમલમાં આવશે. ભારતની અર્થવ્યવસ્થાને ‘ડેડ ઇકોનોમી’ એટલે કે ‘મૃત અર્થવ્યવસ્થા’ ગણાવી ટ્રમ્પ પોતાના સોશ્યલ મિડિયામાં લખે છે કે, ‘ભારત રશિયા સાથે શું કરે છે, એનાથી મને કોઈ ફરક પડતો નથી. બંનેને તેમનાં મૃત અર્થતંત્ર સાથે ડૂબવા દો, મને કોઈ ફરક પડતો નથી.’ નાચવું ન હોય તો કહેવાનું કે તારું આંગણું વાંકુ એમ ભારતને દંડિત કરવા માટેનાં કારણો આપતાં ભારતમાં બીજા દેશોની આયાત ઉપર ભારે આયાત ડ્યૂટી વસૂલ કરવામાં આવે છે. તે ઉપરાંત ભારતના તંત્રની લાલિયાવાડી (રેડ ટેપીઝમ)ને કારણે થતાં વિલંબો અને અડચણોની પણ ટ્રમ્પ દ્વારા ટીકા કરવામાં આવી છે.

મૂળમાં ‘દુખે છે પેટ અને કૂટે છે માથું.’ અમેરિકા ભારતમાં તેનાં ડેરી તેમજ કૃષિ ઉત્પાદનો વેચવા માગે છે. અમેરિકન ડેરી ઉત્પાદનોમાં પ્રાણીઓનાં હાડકાંમાંથી બનેલા એન્ઝાઇમ વપરાય છે, જે સામે વ્યાજબી રીતે જ ધાર્મિક તેમજ સામાજિક કારણોસર ભારતને વાંધો છે. ભારત અમેરિકા દ્વારા લાદવામાં આવી રહેલ વધારાના ટેરિફ સાથે સંમત નથી. ભારત એ પણ ઇચ્છે છે કે, અમેરિકન બજારમાં એને યોગ્ય જગ્યા મળે અને ભારતમાં ઉત્પાદિત કાપડ, ઘરેણાં, ચામડાં અને પ્લાસ્ટિક ઉદ્યોગોને અમેરિકન બજારમાં અત્યાર કરતાં વધુ સારી તક મળે. આ ઉપરાંત ભારત સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઑટો પાર્ટ્સ પર તો પહેલેથી જ ટેરિફ મુક્તિ અથવા ટેરિફ હળવા કરવા માટેની માગણી કરી રહ્યું છે.

ટ્રમ્પે ૯૨ દેશ ૫૨ નવા ટેરિફની યાદી બહાર પાડેલી છે, જેમાં ભારત પર ૨૫ ટકા અને પાકિસ્તાન પ૨ ૧૯ ટકા ટેરિફ લાદવામાં આવ્યા છે. દક્ષિણ એશિયામાં સૌથી ઓછું ટેરિફ પાકિસ્તાન પર લાદવામાં આવ્યું છે. આ અગાઉ પાકિસ્તાન પ૨ ૨૯ ટકા ટેરિફ હતું. બીજી તરફ, વિશ્વમાં સૌથી વધુ ૪૧ ટકા ટેરિફ સિરિયા પર લાદવામાં આવ્યું છે. મજાની વાત તો એ છે કે અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ મુદ્દે મંત્રણાઓ ચાલે છે, એટલે આ યાદીમાં ચીનનું નામ સામેલ નથી પણ અમેરિકા અને ભારત વચ્ચેની દ્વિપક્ષી મંત્રણાઓ પૂરી ન થઈ હોવા છતાંય અમેરિકાએ એકતરફી નિર્ણય લઈ ભારત પર ૨૫ ટકા ટેરિફ વત્તા દંડ ઠોકી માર્યો છે. સૌથી વધુ ટેરિફ ધરાવતા દસ દેશોમાં સિરિયા-૪૧ ટકા, લાઓસ-૪૦ ટકા, મ્યાનમાર-૪૦ ટકા, સ્વિટ્ઝર્લેન્ડ-૩૯ ટકા, ઇરાક-૩૫ ટકા, સિબરિયા-૩૫ ટકા, દક્ષિણ આફ્રિકા-૩૦ ટકા, લિબિયા-૩૦ ટકા, અલ્જેરિયા-૩૦ ટકા અને બોસ્નિયા-૩૦ ટકાનો સમાવેશ થાય છે. નવી ટેરિફ યાદીમાં ૨૫ ટકા ટેરિફ સાથે ભારત ૧૧મા નંબરે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top