ભારતીય શેરબજારમાં સતત ચોથા દિવસે ઘટાડાનો દોર ચાલુ રહ્યો છે. આજે ગુરુવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સંભવિત નવા ટેરિફ પગલાંના ભય વચ્ચે બજારમાં ભારે વેચવાલી જોવા મળી. દિવસ દરમિયાન સેન્સેક્સમાં લગભગ 750 પોઈન્ટનો મોટો ઘટાડો નોંધાયો. જ્યારે નિફ્ટી 25,900ની નીચે સરકી ગયો.
આજે બજારની શરૂઆત જ નબળી રહી હતી. સેન્સેક્સ લગભગ 200 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો અને જેમ જેમ દિવસ આગળ વધ્યો તેમ વેચાણનું દબાણ વધતું ગયું. બપોરે 3 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 84.200આસપાસ ટ્રેડ કરતો હતો. જ્યારે નિફ્ટી 260 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો.
આ ઘટાડામાં તેલ અને ધાતુ ક્ષેત્રના શેર સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યા હતા. હિન્ડાલ્કોનો શેર 3.77 ટકા, ઓએનજીસી 3.12ટકા અને જિયો ફાઇનાન્સ લગભગ 3 ટકા તૂટ્યો. આ સાથે અન્ય હેવીવેઈટ શેરોમાં પણ વેચવાલીનો માહોલ જોવા મળ્યો.
નિષ્ણાતો અનુસાર બજાર પર દબાણનું મુખ્ય કારણ અમેરિકા તરફથી રશિયા સામે લાવવામાં આવતું નવું બિલ છે.
અમેરિકામાં રજૂ થયેલા “Sanctioning Russia Act of 2025” હેઠળ રશિયા પાસેથી તેલ, ગેસ અથવા ઉર્જા ખરીદતા દેશો પર 500 ટકા સુધીનો ટેરિફ લાદવાની જોગવાઈ હોવાની ચર્ચા છે. ભારત રશિયન તેલનો મોટો ખરીદદાર હોવાથી આ પગલું ભારત માટે ચિંતા જનક માનવામાં આવી રહ્યું છે.
જો આવા ટેરિફ લાગુ થાય તો અમેરિકામાં ભારતીય નિકાસ પર ભારે અસર પડી શકે છે. જેના કારણે ભારતીય ઉત્પાદનો મોંઘા બનશે અને વેપારમાં ઘટાડો આવી શકે છે. હાલ ભારત સરકારે આ મુદ્દે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.
આ ઉપરાંત વૈશ્વિક બજારોમાં પણ નબળો માહોલ જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કી અને હોંગકોંગનો હેંગ સેંગ ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. જ્યારે યુએસ બજારો પણ અગાઉ નીચા સ્તરે બંધ થયા હતા.