ટેરિફ એ અન્ય દેશોમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર વસૂલવામાં આવતો કર છે. જે કંપનીઓ દેશની અંદર વિદેશી સામાન લાવે, તે સરકારને કરવેરો ચૂકવે છે. સામાન્યપણે ટેરિફ એ કોઈ ઉત્પાદનના મૂલ્યની ટકાવારી હોય છે. ચાઇનિઝ ચીજવસ્તુઓ પર 20 ટકા ટેરિફ લાદવાનો અર્થ થાય છે કે, 10 ડૉલરની કિંમતની વસ્તુ પર બીજો બે ડૉલરનો ચાર્જ વસૂલવામાં આવશે. કંપનીઓ ટેરિફની અમુક કે સમગ્ર લાગત ગ્રાહકોના ખભે નાખવાનો વિકલ્પ અપનાવી શકે છે. સામાન્યપણે અમેરિકા ચીજવસ્તુઓ પર અન્ય દેશો કરતાં નીચો ટેરિફ વસૂલે છે જેનો અર્થ એ કે, તેના પારસ્પરિક (રૅસિપ્રોકલ) પ્લાનને કારણે કરના દરોમાં તેમજ ચેક-આઉટ વખતે લોકોએ ચૂકવવાની રહેતી કિંમતમાં તીવ્ર ઉછાળો આવી શકે છે. ટેરિફ એ ટ્રમ્પની આર્થિક યોજનાઓનો મુખ્ય ભાગ છે. તેઓ કહે છે કે, ટેરિફને કારણે અમેરિકન ઉત્પાદનને વેગ મળશે અને નોકરીઓનું રક્ષણ થશે.
વળી, તેના કારણે કરની આવક વધશે તથા અર્થતંત્ર આગેકૂચ કરશે. 2024માં અમેરિકામાં થયેલી આયાતોમાં ચીન, મૅક્સિકો અને કૅનેડાની ચીજવસ્તુઓનો હિસ્સો 40 ટકા કરતાં વધારે રહ્યો હતો. જ્યારે તમણે પ્રથમ વખત નવાં ટેરિફની યોજના જાહેર કરી હતી, ત્યારે વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું, ‘પ્રેસિડેન્ટ ગેરકાયદે ઇમિગ્રેશનને અટકાવવાના અને ઝેરીલી ફૅન્ટાનિલ અને અન્ય દવાઓને આપણા દેશમાં આવતી અટકાવવાના વચન બદલ (ત્રણ દેશોને) ઉત્તરદાયી ઠેરવવા માટે આ નિડર પગલું ઉઠાવી રહ્યા છે.’ અમેરિકામાં દર વર્ષે ઓવરડોઝના કારણે હજ્જારો લોકોનાં મોત નીપજે છે, તે માટે ફૅન્ટાનિલ જવાબદાર છે. ટ્રમ્પ ઍડમિનિસ્ટ્રેશનનું કહેવું છે કે, આ કેમિકલ્સ ચીનમાંથી આવે છે, જ્યારે મૅક્સિકન ગેંગ્ઝ તેની ગેરકાયદે સપ્લાય કરે છે અને કૅનેડામાં ફૅન્ટાનિલ લૅબ્ઝ ચલાવે છે.
આ અંગે કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ સ્પષ્ટ સંભળાવી દીધું હતું કે, અમેરિકામાં ફૅન્ટાનિલની જે કુલ સપ્લાય થાય છે, તેમાં કૅનેડાનો હિસ્સો એક ટકા કરતાંયે ઓછો હોય છે, અને મોટાભાગનો હિસ્સો મૅક્સિકોમાંથી આવે છે. ભારત પર તેની શું અસર પડશે તે અંગે વેપાર મામલાના વિશેષજ્ઞો જણાવી રહ્યાં છે કે, રેસિપ્રોકલ ટેરિફ એટલે એવી ટેરિફ જે બે દેશ એકબીજા સાથેના વેપાર પર લાદે છે. આ બંને દેશોની ટેરિફનો દર સમાન હોવો જોઈએ.’ વ્હાઇટ હાઉસ તરફથી રેસિપ્રોકલ ટેરિફ પર જાહેર કરાયેલી એક ફૅક્ટ શીટમાં લખાયું છે કે, ‘અમેરિકા જે દેશોને મોસ્ટ ફેવર્ડ નૅશન (એમએફએન)નો દરજ્જો આપે છે, તેમનાં કૃષિઉત્પાદનો પર પાંચ ટકા ટેરિફ લાદે છે, પરંતુ ભારત જે દેશોને મોસ્ટ ફેવર્ડ નૅશનનો દરજ્જો આપે છે, તેનાં કૃષિઉત્પાદનો પર 39 ટકા ટેરિફ લાદે છે. ભારત અમેરિકન મોટરસાઇકલો પર પણ 100 ટકા ટેરિફ લાદે છે, જ્યારે અમેરિકા ભારતીય મોટરસાઇકલો પર માત્ર 2.4 ટકા ટેરિફ લાદે છે.’ જો કે કેટલાક તજજ્ઞોનું માનવું છે કે આ સરખામણી સુસંગત નથી. કારણ કે અમેરિકાનાં કૃષિઉત્પાદનો પર ભારતની અસલ ટેરિફ ઉત્પાદનો અનુસાર અલગ અલગ હોય છે.
તેમજ મોટરસાઇકલના મામલામાં ફૅક્ટ શીટમાં સમગ્ર ઑટો સેક્ટરની સરખામણીને સ્થાને માત્ર એક ઉત્પાદનની સરખામણી કરાઈ છે. ભારતે આ વખત બજેટમાં મોટરસાઇકલ પર ઇમ્પૉર્ટ ડ્યૂટીમાં કપાત કરી છે. 1800 સીસી કરતાં વધુ એન્જિનવાળી હેવીવેઇટ બાઇકો પર ટેરિફ 50 ટકાથી ઘટાડીને 30 ટકા અને નાની બાઇકો પર લાગતી ટેરિફને 50 ટકાથી ઘટાડીને 40 ટકા કર્યો છે. તેઓ કહે છે કે આવી રીતે ફૅક્ટ શીટમાં મોટરસાઇકલો પર જે 100 ટકા ટેરફિની વાત કરાઈ છે, એ પણ ખોટી છે. ટ્રમ્પ બંને તરફથી સમાન ટેરિફ ઇચ્છે છે. એનો અર્થ એ હોઈ શકે કે કાં તો અમેરિકા ભારતીય કૃષિ ઉત્પાદનો પર ટેરિફ વધારશે કે પછી ભારતને અમેરિકન કૃષિઉત્પાદનો પર ટેરિફ ઘટાડવા કહેશે.
ભારતે કૃષિઉત્પાદનો પર વધુ ટેરિફ એટલા માટે લાદી છે, કારણ કે ભારતમાં 50 ટકા કરતાં વધુ લોકો ખેતી પર આધારિત છે. મોટા ભાગના લોકો ખેડૂત છે. જ્યારે બીજી બાજુ અમેરિકા જેવા દેશોમાં મોટી મોટી કંપનીઓ છે, જે આ વ્યવસાયમાં જોતરાયેલી છે. આવી સ્થિતિમાં જો નાના ખેડૂતની કોઈ મોટી કંપની સાથે સ્પર્ધા હોય, તો નાના ખેડૂતને નુકસાન જ થવાનું. તો બીજી એ વાત પણ સ્પષ્ટ છે કે કોઇપણ કર અંતે તો ગ્રાહકો ઉપર જ જવાનો છે જેથી વિદેશીથી આયાત થતી વસ્તુઓ પર ભાવ ચોક્કસ જ વધશે.
