Editorial

ટ્રમ્પના વિસ્તારવાદી ઉચ્ચારણો અમેરિકાને વ્યુહાત્મક રીતે મુશ્કેલીમાં મૂકી શકે છે

\ડોનાલ્ડ ટ્રમ્પ અને વિવાદ એ એક જ સિક્કાની બે બાજુ જેવા છે. જેઓ હવે થોડા દિવસમાં અમેરિકાના પ્રમુખપદે આરૂ઼ઢ થનાર છે તે ટ્રમ્પ પ્રમુખ બનીને વ્હાઇટ હાઉસમાં પહોંચે તે પહેલા  જ જાત જાતની ટિપ્પણીઓ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદો ઉભા કરી રહ્યા છે. તેઓ ૨૦૧૬ની ચૂંટણી વખતે કેટલાક મુસ્લિમ દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશબંધીની વાત ઉપાડીને  બેઠા હતા અને તેના કારણે વિવાદ ઉભો થયો હતો અને અનેક દેશોમાં તેમની સામે આક્રોશ સર્જાયો હતો. ૨૦૨૦ની ચૂંટણી વખતે કોવિડનો વ્યાપક માહોલ હતો અને તેઓ પોતે જ જાણે  રસી બનાવવાના હોય તે રીતે ટ્રમ્પ વર્તન કરી રહ્યા હતા. ચીન સાથે ઘણુ બધુ કરવાની ધમકીઓ પણ ટ્રમ્પ ઉચ્ચારતા હતા. જો કે તેઓ તે ચૂંટણી હારી ગયા. હવે આ વખતે અમેરિકાને ફરી  મહાન બનાવવાની વાતો સાથે ટ્રમ્પ ચૂંટાઇ તો આવ્યા છે પણ તેઓ હજી તો પ્રમુખ બને તે પહેલા જ એેવા ઉચ્ચારણો કરવા માંડ્યા છે કે અનેક દેશો સાથે અમેરિકાના સંબંધો બગડે. તેઓ  આ વખતે તો આશ્ચર્યજનક રીતે વિસ્તારવાદી ઉચ્ચારણો પણ કરવા માંડ્યા છે. ભારત, ચીન, કેનેડા, યુરોપિયન દેશો પર આકરા આયાત વેરા લાદવાની વાતો કરી રહ્યા છે. કેનેડા અને  ગ્રીનલેન્ડ જેવા દેશોને અમેરિકા સાથે જોડવાની વાત કરીને તો  તેમણે હદ કરી નાખી છે.

અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં એવી ટિપ્પણી કરી કે કેનેડા એ અમેરિકાનું પ૧મુ રાજ્ય બનવું  જોઇએ, તેની સામે કેનેડામાં તીવ્ર આક્રોશ અને રાષ્ટ્રવાદની લાગણીઓ  ફાટી નિકળી છે અને કેનેડાના ભૂતપૂર્વ વડાપ્રધાન જીઆન શ્રેટિયને અમેરિકાના આગામી પ્રમુખને ખુલ્લી સલાહ આપી છે કે મૂર્ખની જેમ વિચારવાનું બંધ કરીને બીજી રીતે વિચારો.  સ્વાભાવિક રીતે શ્રેટિયન કેનેડાના લોકોના રોષને વ્યક્ત કરી રહ્યા છે.  જીઆન શ્રેટિઅન, કે જેઓ ૧૯૯૩થી ૨૦૦૩ સુધી કેનેડાના વડાપ્રધાન રહ્યા છે તેઓ અમેરિકાના આ ઉત્તરના પાડોશી  દેશમાં ટ્રમ્પની ટિપ્પણીઓ અંગે  ફાટી નિકળેલા આક્રોશમાં જોડાયા છે.  કેનેડાના અનેક પદાધિકારીઓએ ટ્રમ્પની ટિપ્પણીઓને વખોડી છે. તેઓ કહે છે કે ટ્રમ્પની ટિપ્પણીઓ કોઇ મજાક  નથી અને તે અમેરિકાના આ ગાઢ સાથીદેશનું નીચું મૂલ્યાંકન કરી શકે છે. પોતાની ૯૧મી વર્ષગાંઠ ઉજવતા શ્રેટિયને ધ ગ્લોબ એન્ડ મેઇલ નામના અખબારમાં લેખ લખતા લખ્યું હતું કે  કેનેડા ક્યારેય અમેરિકાનો ભાગ બનવાનું સ્વીકારશે નહીં. તેમણે પોતાના દેશવાસીઓના સ્વતંત્રતા માટેના પ્રેમના વખાણ કર્યા હતા કહ્યું હતું કે ટ્રમ્પની ટિપ્પણીઓ સંપૂર્ણપણે અસ્વીકાર્ય એવા  અપમાન અને અભૂતપૂર્વ ધમકીની હદે જાય છે. એક વૃદ્ધની તરફથી બીજા વૃદ્ધને સલાહ છે કે મૂર્ખની જેમ વિચારવાનું છોડીને બીજી રીતે વિચારો એમ શ્રેટિયને કહ્યું હતું. જો તમે એમ  વિચારતા હો કે અમને ધમકીઓ આપવાથી અને અમારું અપમાન કરવાથી અમને જીતી શકાશે, તો તમે અમને ઓળખતા નથી. અમે કદાચ સીધા સરળ અને નરમ સ્વભાવના  દેખાતા  હોઇશું. પણ ભૂલ કરશો નહીં, અમારી પાસે કરોડરજ્જુ અને સખતાઇ છે એમ શ્રેટિયને લેખમાં લખ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પોતાના વિસ્તારવાદી ઉચ્ચારણો ફક્ત કેનેડા માટે કર્યા નથી પણ અમેરિકાના અન્ય સાથીદેશો માટે પણ કર્યા છે અને કહ્યું છે કે અમેરિકી સત્તાની હદો ડેનિશ પ્રદેશ  ગ્રીનલેન્ડ સુધી અને દક્ષિણમાં પનામા નહેર સહિતના વિસ્તારો સુધી વિસ્તૃત કરવાની જરૂર છે. જ્યારે ઘણા યુરોપિયન નેતાઓએ ટ્રમ્પને શબ્દો તોળી તોળીને જવાબ આપ્યા છે જ્યારે કેનેડા  જવાબ આપવામાં આકરું રહ્યું છે. ટ્રમ્પે પનામા નહેરને પણ અમેરિકાના કબજામાં લઇ લેવાની વાત કરી છે અને પનામાના પ્રમુખનો પણ તેની સામે આકરો પ્રતિભાવ આવ્યો છે. નવાઇની વાત એ છે કે ટ્રમ્પ અમેરિકાના સાથી દેશો ગણાતા દેશોને તેમના વિસ્તારવાદી ઉચ્ચારણોની અડફેટે લઇ રહ્યા છે.

અમેરિકા બળિયું છે અને તે ગમે તે કરી શકે એમ માનીને જો ટ્રમ્પ આખી દુનિયા સાથે બાખડી બાંધવા માગતા હોય તો એ તેમની મોટી ભૂલ છે. અમેરિકાની સામે ચીન અને રશિયા જેવા બળિયા દેશો છે જ, અને ટ્રમ્પ જો કેનેડા જેવા દેશોને શીંગડે ચડાવવાની વાત કરે તો આ દેશો પણ અમેરિકાના શત્રુ બની જાય અને ખુલ્લેઆમ નહીં તો યે અંદરખાનેથી ચીન, રશિયાને સાથ આપવા માંડે  તો અમેરિકા મુશ્કેલી સર્જાય. બેફામ ઉચ્ચારણો કરીને ટ્રમ્પ અમેરિકાને જ વ્યુહાત્મક નુકસાન પહોંચાડી શકે છે.

Most Popular

To Top