અમેરિકી પ્રમુખપદે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં કહ્યું હતું કે તેઓ રશિયાના ઉંડાણના પ્રદેશોમાં હુમલા કરવા માટે યુક્રેનીયન દળોને અમેરિકાના લોંગ રેન્જના શસ્ત્રોનો ઉપયોગ કરવા દેવાનો પ્રમુખ જો બાઇડનનો નિર્ણય ઉલટાવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલના અમેરિકી પ્રમુખ જો બાઇડને જતા જતા એક એવો નિર્ણય કર્યો કે જેનાથી ત્રીજું વિશ્વ યુદ્ધ પણ ભડકી શકે છે. રશિયાના આક્રમણ સામે લડી રહેલા યુક્રેનને અમેરિકાએ ઘણા શસ્ત્રો આપ્યા છે જેમાં લાંબી રેન્જના શસ્ત્રોનો પણ સમાવેશ થાય છે પરંતુ આ શસ્ત્રોનો ઉપયોગ કરવાની યુક્રેનને મનાઇ હતી! પણ બાઇડને યુક્રેનને આ શસ્ત્રોનો ઉપયોગ રશિયાનાં સરહદથી દૂર ઉંડાણના વિસ્તારોમાં પણ કરવા માટે છૂટ આપી દીધી. અને યુક્રેને આવા કેટલાક શસ્ત્રોનો ઉપયોગ કર્યો પણ ખરો, જો કે તે રશિયામાં મોટી જાનહાનિ કે નુકસાન કરવામાં સફળ રહ્યું નહી. આ સામે રશિયન પ્રમુખે સખત વળતા પગલાની, યુક્રેનને આવા શસ્ત્રો આપનાર દેશો પર હુમલા કરવાની અને અણુ હુમલો કરવા સુ્દ્ધાંની ધમકી આપી હતી.
યુક્રેનને અમેરિકા દ્વારા અપાયેલ શસ્ત્રોનો ઉપયોગ રશિયાના અંદરના વિસ્તારોમાં કરવા માટે આપવામાં આવેલી છૂટ આમ પણ ઘણી વિવાદાસ્પદ બની છે. બાઇડન દ્વારા ગયા મહિને લેવામાં આવેલા આ નિર્ણયને ટ્રમ્પે મૂર્ખાઇ ગણાવી હતી. તેમણે એ બાબતે પણ ગુસ્સો વ્યક્ત કર્યો હતો કે બાઇડને આ પગલું ભરતા પહેલા તેમના(ટ્રમ્પના) આગામી વહીવટીતંત્રને પૂછ્યું પણ ન હતું. ટ્રમ્પ અમેરિકાના પ્રમુખપદે ચૂંટાઇ ગયા છે અને અમેરિકાના નિયમ પ્રમાણે ચૂંટાયાના સપ્તાહો પછી છેક ૨૦મી જાન્યુઆરીએ તેમની શપથવિધિ થશે. ત્યાં સુધી પ્રમુખપદે જો બાઇડન જ રહેશે. અને તેમણે વિદાય થતા પહેલા આ મોટો નિર્ણય લઇ લીધો છે. કેટલાક માને છે કે ટ્રમ્પને ભીંસમાં લેવા માટે જ બાઇડને આ નિર્ણય લીધો હતો. નિયંત્રણો હળવા કરતા બાઇડને યુક્રેનને તેની સરહદથી સેંકડો માઇલ દૂર રશિયન પોઝિશનો પર અમેરિકા દ્વારા પૂરા પાડવામાં આવેલા શસ્ત્રો દ્વારા હુમલા કરવાની છૂટ આપવામાં આવી હતી.
મને નથી લાગતું કે તેની પરવાનગી અપાવી જોઇતી હતી, અને એવા સમયે નહીં કે જ્યારે શક્યતા હતી – ચોક્કસપણે હું સત્તા સંભાળું તેના થોડા સપ્તાહો પહેલા તો નહીં જ એમ ટ્રમ્પે તેમના મારા-એ-લાગો રિસોર્ટ ખાતે એક વાઇડ રેન્જિંગ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું. શા માટે તેમણે મને પૂછ્યું નહીં કે હું શું વિચારું છુ? મેં તેમને તે કરવા દીધું ન હોત. હું માનુ છું કે તે એક મોટી ભૂલ હતી એમ ટ્રમ્પે કહ્યું હતું. જ્યારે ઉપપ્રમુખપદે ચૂંટાયેલા જે.ડી.વાન્સે કહ્યુંૂ છે કે જયારે રશિયાને અમેરિકા સાથે મતભેદ છે, પણ તેની સાથે દુશ્મન જેવો વ્યવહાર કરવો એ હાનિકારક હશે. ટ્રમ્પ અને તેમની ટીમના ઉચ્ચારણો પરથી લાગે છે કે તેઓ રશિયા સાથે દુશ્મની ઘટાડવાના મૂડમાં છે.
વળી, યુક્રેનને જે રીતે અમેરિકી શસ્ત્રોનો ઉપયોગ કરવાની છૂટ અપાઇ તેની ટ્રમ્પે જે રીતે ટીકા કરી તેના પરથી તેમનો યુરોપ દ્વેષ છતો થાય છે. આમ પણ ટ્રમ્પ યુરોપિયન દેશો પ્રત્યે કંઇક દ્વેષ ધરાવે છે અને તેમનો દ્વેષ અનેક વખત છતો થયો છે. અમેરિકી ટેક જાયન્ટ કંપની એપલને યુરોપિયન કમિશને દંડ ફટકાર્યો તેના પછી તેના માલિક ટીમ કૂક સાથે ટ્રમ્પે અંગત રીતે વાતચીત કરી હતી.
ટ્રમ્પની યુરોપિયન દેશો પ્રત્યેની એલર્જી તેમના નાટો પ્રત્યેના અણગમામાં પણ વ્યક્ત થાય છે. ટ્રમ્પને એમ લાગે છે કે નાટો સંગઠનમાં યુરોપિયન દેશો અમેરિકાની લશ્કરી શક્તિ અને ઉદારતાનો ખોટો લાભ ઉઠાવી રહયા છે. નાટો સંગઠનમાં અમેરિકા સિવાયના મોટા ભાગના સભ્ય દેશો યુરોપિયન દેશો છે. આ બધા મોટે ભાગે ધનવાન પણ નાના નાના દેશો છે. ટ્રમ્પને લાગે છે કે મહાશક્તિશાળી અમેરિકાએ શા માટે આવા સંગઠનમાં જોડાવું જોઇએ? અને આવા દેશોને છત્રછાયા પુરી પાડવી જોઇએ. હવે ટ્રમ્પે સંકેત પણ આપી દીધા છે કે તેઓ અમેરિકાને નાટોમાંથી ખેંચી લઇ શકે છે. દક્ષિણ કેરોલિનામાં રેલી દરમિયાન ભીડને સંબોધતા ટ્રમ્પે કહ્યું કે તેમણે નાટો દેશોના નેતાઓની બેઠક દરમિયાન રશિયા વિશે તેમની ટિપ્પણીઓ કરી હતી.
તેમણે યાદ કર્યું કે એક “મોટા દેશ” ના નેતાએ એક કાલ્પનિક પરિસ્થિતિ રજૂ કરી હતી જેમાં તે નાટોમાં તેની નાણાકીય જવાબદારીઓને પૂર્ણ કરી રહ્યો ન હતો અને હતો. ટ્રમ્પે જણાવ્યું હતું કે નેતાએ પૂછ્યું હતું કે શું મોસ્કો દ્વારા હુમલો કરવામાં આવ્યો તો યુ.એસ. તે પરિસ્થિતિમાં તેમના દેશની મદદ માટે આવશે, જેણે તેમને ઠપકો આપવા માટે પ્રોત્સાહિત કર્યા. ટ્રમ્પનુ કહેવું છે કે નાટોને નાણાં નહીં ચુકવનાર યુરોપિયન દેશોની મદદ તે નહીં કરે.
ચૂટણી પહેલાં રિપબ્લિકન યુએસ પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે જો તેઓ 5 નવેમ્બરની ચૂંટણી જીતશે તો યુરોપિયન યુનિયનને પૂરતી અમેરિકન નિકાસ ન ખરીદવા માટે “મોટી કિંમત ચૂકવવી પડશે”. “હું તમને શું કહીશ, યુરોપિયન યુનિયન ખૂબ સરસ, ખૂબ સુંદર લાગે છે, બરાબર? બધા સરસ યુરોપિયન નાના દેશો કે જેઓ ભેગા થાય છે,” ટ્રમ્પે પેન્સિલવેનિયાના મેદાનમાં એક રેલી દરમિયાન સંકેત આપ્યો હતો કે તે યુરોપિયન દેશો પર ઊંચા દરે આયાત જકાત લાદી શકે છે. એવું લાગે છે કે ટ્રમ્પ સત્તા પર આવશે પછી યુરોપિયન દેશોને ખૂંચે તેવા અનેક પગલા ભરશે.