Comments

મોં માથાં વગરનાં જૂઠાણાં ફેલાવતા ટ્રમ્પની વિશ્વસનીયતા ઝડપથી ઘટી રહી છે

ટ્રમ્પે અમેરિકામાં પ્રમુખપદ તરીકેનો તાજ ધારણ કર્યો એને વર્ષ થયું. અમેરિકન અખબાર હફિંગ્ટન પોસ્ટ ટ્રમ્પ શાસન ઉપર સીધો આક્ષેપ કરતાં કહે છે કે, ‘‘ટ્રમ્પ એક પછી એક જૂઠ્ઠાણાનું શાસન ચલાવી રહ્યો છે.’’ વાસ્તવિકતાને ઉજાગર કરતાં આ અખબારમાં એક લેખ જોવા મળે છે, જેની હેડલાઇન કહે છે, ‘‘ટ્રમ્પ એવો દાવો કરે છે કે અર્થવ્યવસ્થા જોરદાર છે પણ સામે કરિયાણાના ભાવ વધી રહ્યા છે અને નવી નોકરીઓનું ચિત્ર ધૂંધળું છે.’’

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાજેતરમાં ડેટ્રોઇટ ખાતે કરેલ ભાષણનો હવાલો આપી આ અખબાર જણાવે છે કે, ટ્રમ્પે જુઠ્ઠાણાનો સહારો લઈ મૂળ પ્રશ્નોને બાજુ પર હડસેલી દઈ એ સિવાયની બધી બાબતો પર વાણીવિલાસ કર્યો છે. ડેટ્રોઇટના સ્ટેજ ઉપરથી ટ્રમ્પે ફરી જુઠ્ઠાણું વહેતું મૂક્યું કે એણે આઠ યુદ્ધો અટકાવ્યાં હતાં. ટ્રમ્પે અગાઉના અમેરિકન પ્રેસિડેન્ટ જીમી કાર્ટરને દોષિત ઠેરવતાં એમણે પનામા કેનાલ પનામાને સોંપી દેવાનો આક્ષેપ કર્યો હતો, તો બીજી બાજુ મધદરિયે સો જેટલા ડ્રગતસ્કરી કરતાં લોકોને ફૂંકી મારવાની પણ બડાશ હાંકી હતી.

આંકડાઓ સાથે ટ્રમ્પને આમેય લાગતુંવળગતું નથી. એ મરજીમાં આવે તેમ ફેંકાફેંક કરવા માટે જાણીતો છે. દવાઓનો ઉલ્લેખ કરતાં એણે કહ્યું હતું કે, અમારી સરકાર પ્રિસ્ક્રિપ્શન ડ્રગમાં ૬૦૦ ટકા કે તેથી વધારેનો ઘટાડો કરવાની છે. આનાથી મોટું જૂઠ્ઠાણું બીજું કયું હોઈ શકે? અમેરિકન અર્થવ્યવસ્થા અંગે પણ ટ્રમ્પ ફેંકાફેંકી કરી લે છે. ટ્રમ્પે કહ્યું કે, કરિયાણું અને ગ્રોસરીના ભાવ નીચે આવી રહ્યા છે.

પોતે ઇતિહાસમાં મોટામાં મોટો ટેક્ષકટ આપ્યો છે એવી વાત કરી અને વેનેઝુએલા ઉપર હુમલો કરી એના સરમુખત્યારશાહને કેદ કરવાની બડાઈ પણ હાંકી. હફિંગ્ટન પોસ્ટ લખે છે કે, વાસ્તવિકતામાં કે ગ્રોસરી અને કરિયાણાના ભાવ ઘટી રહ્યા નથી. ઉલટાનું ૧૩ જાન્યુઆરીએ ફુગાવા અંગેના જે આંકડા અમેરિકન સરકારે બહાર પાડ્યા છે તે મુજબ ૨૦૨૨ બાદ ખાધાખોરાકીની ચીજવસ્તુઓના ભાવ વધુમાં વધુ રેટથી વધ્યા છે.

ફુગાવો ૨૦૨૧ અને ૨૦૨૨નાં વર્ષો દરમિયાન બાઇડેનના રાજમાં વધારે હતો કારણ કે, અર્થવ્યવસ્થા કોવિડ મહામારી બાદ બેઠી થઈ રહી હતી પરંતુ અમેરિકન અર્થવ્યવસ્થાએ બાઇડેનના આખાય કાર્યકાળ દરમિયાન સ્થિર ગતિએ પ્રગતિ કરવાનું ચાલુ રાખ્યું. હફિંગ્ટન પોસ્ટ કહે છે કે, ટ્રમ્પ જેનાં વારંવાર બણગાં ફૂંકે છે તે ટેરિફ અમેરિકાની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જહોન રોબર્ટ દ્વારા નવેમ્બર ૨૦૨૫માં જણાવાયા મુજબ અમેરિકન આયાતકારો ઉપરનો ટેક્ષ છે, જે કાં તો અમેરિકન ધંધાદારીઓએ અથવા અમેરિકન વપરાશકારોએ વેઠવાનો છે.

ગમે તે કેસમાં સરવાળે તો એમાં બોજ અમેરિકનો ઉપર જ પડવાનો છે. ટેરિફને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયા સામે જે યુદ્ધ છેડ્યું છે તેને પરિણામે ઘરઆંગણે બાઇડન શાસનની સરખામણીમાં નોકરીઓની તકોમાં ઘટાડો થયો છે એટલું જ નહીં, ઉત્પાદન ક્ષેત્રે તો દર મહિને છટણી થઈ રહી છે. આ સીલસીલો ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત કરવામાં આવી ત્યારથી ચાલુ છે. વેનેઝુએલા પાસેથી મળનાર તેલને કારણે પાંચ અબજ ડોલરનો અમેરિકાને ફાયદો થવાની વાત ટ્રમ્પ કરે છે, તેમાં પણ કોઈ તથ્ય નથી, કારણ કે, આ ૩૦થી ૫૦ મિલિયન બેરલ વેનેઝુએલન ક્રુડને પ્રોસેસ કરવા માટે વધારાનો ખર્ચ લાગશે.

ગૂંચવાડાભરી માનસિકતા અને જૂઠાણાં ફેલાવવાની કોઈ મર્યાદા વગરની ક્ષમતાને કારણે ટ્રમ્પનાં ભાષણો તથ્યહીન બનતાં જાય છે. અત્યાર સુધીનો ટ્રમ્પનો વહીવટ જોતાં ચાલુ વર્ષના નવેમ્બર મહિનામાં આવી રહેલ મધ્યસત્ર ચૂંટણીઓનાં પરિણામો ટ્રમ્પની વિરુદ્ધમાં આવે તેવી મજબૂત શક્યતાઓ રહેલી છે. જો આમ થશે તો ટ્રમ્પની ફજેતી થશે એટલું જ નહીં પણ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ તરીકે એને પ્રાપ્ત અધિકારો ઉપર કાપ આવે તે શક્યતાઓ ઊજળી બની રહી છે. જોઈએ, ચાલુ વર્ષના નવેમ્બર મહિના સુધીમાં ટ્રમ્પ એવાં કયાં પગલાં લે છે, જેને કારણે એની બહુમતી ટકી રહે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top