World

ટ્રમ્પનું ‘હૃદય પરિવર્તન’ જાપાની વાહનો પર ટેરિફ 27.5% થી ઘટાડી 15% કર્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે જાપાની વાહનો અને કેટલાક ઉત્પાદનો પરના ટેરિફ ઘટાડવાનો મોટો નિર્ણય લીધો છે. આ પગલાથી જાપાનના ઓટો ઉદ્યોગને મોટી રાહત મળશે.

જાપાન-અમેરિકા વચ્ચેનો કરાર
આ નિર્ણય જુલાઈમાં થયેલા કરારના અમલીકરણનો એક ભાગ છે. જે મહિનાઓ સુધી ચાલેલી વાટાઘાટો પછી થયો હતો. કરાર મુજબ જાપાની વાહનો પરનો ટેરિફ હાલના 27.5% થી ઘટાડીને 15% કરવામાં આવશે. આ અમલ આ મહિનાના અંત સુધીમાં થઈ શકે છે. જ્યારે કેટલીક રાહતો તા.7 ઓગસ્ટથી જ લાગુ કરવામાં આવશે. જાપાનના વેપાર પ્રતિનિધિ ર્યોસેઈ અકાઝાવાએ આ કરારનું સ્વાગત કર્યું.

ટોયોટા સહિત કંપનીઓ ખુશ
જાપાનની અગ્રણી ઓટોમોબાઇલ કંપની ટોયોટાએ આ નિર્ણયની પ્રશંસા કરી છે. કંપનીએ જણાવ્યું કે અમારા 80% વાહનો અમેરિકામાં જ બને છે પરંતુ આ કરાર અમને સ્પષ્ટતા અને સ્થિરતા આપે છે.

અગાઉ ટ્રમ્પના વૈશ્વિક ટેરિફને કારણે ટોયોટાને લગભગ $10 બિલિયનનું નુકસાન થયું હતું. નવા પગલાથી જાપાની કંપનીઓને અમેરિકન બજારમાં મજબૂતી મળશે.

કૃષિ ક્ષેત્રમાં મોટો કરાર
કરાર હેઠળ જાપાન અમેરિકા પાસેથી ચોખાની ખરીદીમાં 75% વધારો કરશે. સાથે જ તે મકાઈ, સોયાબીન, ખાતર અને બાયોઇથેનોલ સહિત લગભગ $8 બિલિયનના કૃષિ ઉત્પાદનો પણ ખરીદશે. જાપાન સરકારે જણાવ્યું કે આ પ્રક્રિયામાં તે પોતાના કૃષિ ક્ષેત્રને નુકસાન થવા દેશે નહીં.

અમેરિકા માટે રોકાણ અને સુરક્ષા સહકાર
કરાર અનુસાર જાપાન અમેરિકામાં આશરે $550 બિલિયનનું રોકાણ કરશે. આ રોકાણ ઇક્વિટી, લોન અને સરકારી ગેરંટીના માધ્યમથી થશે અને યુએસ સરકાર દ્વારા પસંદ કરાયેલા પ્રોજેક્ટ્સમાં વપરાશે.

સાથે જ જાપાન 100 બોઇંગ વિમાન ખરીદશે અને અમેરિકન કંપનીઓ સાથેનો સંરક્ષણ ખર્ચ દર વર્ષે $14 બિલિયનથી વધારીને $17 બિલિયન કરશે.

વેપાર સંતુલન
2024માં અમેરિકા-જાપાન વચ્ચેનો વેપાર $230 બિલિયન થવાનો અંદાજ છે. જેમાં જાપાનનો સરપ્લસ $70 બિલિયન છે. નવા કરારથી ચિપ્સ અને દવાઓ પર સૌથી ઓછો ટેરિફ લાગશે. જ્યારે વિમાનો અને તેમના ભાગો પર કોઈ ટેરિફ નહીં લાગે.

Most Popular

To Top