અમેરિકાના ટેક્સાસ રાજ્યના ડલ્લાસમાં ભારતીય મૂળના નાગરિક ચંદ્ર નાગમલ્લૈયાની હત્યાએ સમગ્ર યુએસને હચમચાવી દીધું છે. 37 વર્ષીય ચંદ્ર નાગમલ્લૈયા ડાઉનટાઉન સ્યુટ્સ મોટેલમાં મેનેજર તરીકે કામ કરતા હતા. તા.10 સપ્ટેમ્બરના રોજ ક્યુબાના ગેરકાયદેસર ઇમિગ્રન્ટ દ્વારા તેમની પત્ની અને પુત્રની સામે જ તેમની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરે તેમનું શિરચ્છેદ કર્યું. જેના કારણે સમગ્ર અમેરિકામાં આ ઘટનાએ ભારે ગુસ્સો જગાવ્યો છે.

ટ્રમ્પનું નિવેદન
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટના પર ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું “ટેક્સાસમાં એક આદરણીય વ્યક્તિ ચંદ્ર નાગમલ્લૈયાની હત્યાના ભયાનક સમાચારથી હું ખૂબ દુઃખી છું. આ આપણાં દેશમાં ક્યારેય ન થવું જોઈએ. તેમની પત્ની અને પુત્ર સામે ગેરકાયદેસર ક્યુબન ઇમિગ્રન્ટે જે કર્યું તે ક્ષમાપાત્ર નથી.”
ટ્રમ્પે પૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેન પર પણ કટાક્ષ કર્યો. તેમણે જણાવ્યું કે “આ હુમલાખોર પહેલાથી જ બાળ જાતીય શોષણ, કાર ચોરી અને ખોટી કેદ જેવા ગુનાઓમાં ધરપકડ થઈ ચૂક્યો હતો. પરંતુ અસમર્થ જો બિડેનના શાસનકાળમાં તેને આપણા વતન પરત છોડી દેવામાં આવ્યો કારણ કે ક્યુબા તેમના દેશમાં આવા દુષ્ટ માણસને ઇચ્છતું ન હતું.”
સખત કાર્યવાહીનો વાયદો
ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું કે “મારા વહીવટમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારો પ્રત્યે નરમાઈનો સમય પૂરો થયો છે. હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમ, એટર્ની જનરલ પામ બોન્ડી અને બોર્ડર ઝાર ટોમ હોમન જેવા અધિકારીઓ અમેરિકાને ફરી સુરક્ષિત બનાવવા માટે કાર્યરત છે. આરોપી અમારી કસ્ટડીમાં છે અને તેના પર કાયદાની સંપૂર્ણ હદ સુધી કાર્યવાહી થશે. તેના પર ફર્સ્ટ-ડિગ્રી મર્ડરનો કેસ ચાલશે.”
ભારતીય સમુદાયમાં શોક
કર્ણાટકના રહેવાસી ચંદ્ર નાગમલ્લૈયાની આ ક્રૂર હત્યાએ ભારતીય સમુદાયને આઘાતમાં મૂકી દીધો છે. તેમના પરિવારજનો હાલમાં ગંભીર માનસિક આઘાતમાંથી પસાર થઈ રહ્યા છે. આ ઘટના બાદ અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની સુરક્ષા મુદ્દે ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે.