ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયા ત્યારથી અનેક આક્રમક પગલાઓ ભરી રહ્યા છે જેમાં ગેરકાયદે ઇમિગ્રન્ટોને હાંકી કાઢવાના પગલાઓનો પણ સમાવેશ થાય છે. ચૂંટણી પહેલાથી ટ્રમ્પ કહેતા હતા કે તેઓ અમેરિકાને વેપારમાં નુકસાન કરાવનાર દેશો પર આકરા આયાત વેરા લાદશે અને છેવટે પ્રમુખપદે ચૂંટાયા બાદ તેમણે આની શરૂઆત કરી દીધી છે. ટ્રમ્પે એક શનિવારે આદેશ પર હસ્તાક્ષર કર્યા છે જે મેક્સિકો, કેનેડા અને ચીન તરફથી આયાત થતી વસ્તુઓ પર તીવ્ર આયાત વેરો લાદે છે, જેની સામે ઝડપથી વળતા પ્રત્યાઘાત આવ્યા હતા અને દેશના ઉત્તર અમેરિકન પાડોશીઓએ દગાની લાગણી વ્યક્ત કરી હતી જ્યારે લાંબા સમયના આ સાથીદાર દેશો વચ્ચે સંબંધોમાં ખટાશ આવવાના અને ખાસ કરીને ચીન સાથે ઉગ્ર વેપાર યુદ્ધ ફાટી નિકળવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.
રિપબ્લિકન પ્રમુખે સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકીને જણાવ્યું હતું કે અમેરિકનોના રક્ષણ માટે આ ટેરિફ જરૂરી બન્યા હતા, જેમણે આ ત્રણેય દેશોને ગેરકાયદે ફેન્ટેનીલ ડ્રગ્સનું ઉત્પાદન અને નિકાસ રોકવા વધુ પગલા ભરવા અને કેનેડા તથા મેક્સિકોને અમેરિકામાં થતું ગેરકાયદે ઇમિગ્રેશન ઘટાડવા જણાવ્યું હતું. ટ્રમ્પે ચીનમાંથી થતી તમામ આયાત પર ૧૦ ટકા અને મેક્સિકો તથા કેનેડાથી થતી આયાત પર પચ્ચીસ ટકા ડ્યુટી લાગુ પાડવા માટે આર્થિક કટોકટીની જાહેરાત કરી હતી. ટ્રમ્પના આદેશમાં એ વ્યવસ્થા ગોઠવવાના આદેશનો પણ સમાવેશ થાય છે કે જો અમેરિકાએ લાદેલા ચાર્જની સામે અન્ય દેશો વળતા પગલા તરીકે ચાર્જીસ લાદે તો તેમની સામેના ચાર્જના દરો ઓર વધારવામાં આવે, આનાથી વધુ તીવ્ર આર્થિક ખોરવણી થવાની શક્યતા સર્જાઇ છે.
અમેરિકાએ લાદેલા ટેરિફ સામે તેના ઉત્તર અને દક્ષિણના પાડોશી દેશો અનુક્રમે કેનેડા અને મેક્સિકોએ તીવ્ર પ્રતિભાવ આપ્યા હતા. વ્હાઇટ હાઉસે લીધેલા પગલાઓ આપણને ભેગા કરવાને બદલે જુદા કરે છે એમ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું અને જાહેર કર્યુ હતું કે તેમનો દેશ અમેરિકાથી થતી ૧૫૫ અબજ ડોલરની આયાતો પર એટલા જ ૨૫ ટકા ટેરિફ લાદશે જે આયાતમાં આલ્કોહોલ અને ફળોનો પણ સમાવેશ થાય છે. મેક્સિકોના પ્રમુખે પણ વળતા ટેરિફ લાદવાનો આદેશ જારી કર્યો હતો.
જો કે ટ્રમ્પના પગલાનો ચીને તરત જવાબ આપ્યો ન હતો. મેક્સિકોના પ્રમુખ ક્લૌડિયા શેઇનબોમે એક્સ પર મૂકેલી એક્સ પર મૂકેલી એક પોસ્ટમાં લખ્યું હતું કે અમે વ્હાઇટ હાઉસના એ આક્ષેપો ભારપૂર્વક નકારીએ છીએ કે મેક્સિકન સરકાર અપરાધી સંગઠનો સાથે સાંઠગાંઠ ધરાવે છે. તેમણે પોતાના આર્થિક સચિવને વળતા ટેરિફ સહિતના જવાબ અને મેક્સિકોના હિતોના રક્ષણ માટેના અન્ય પગલાઓ લાગુ પાડવા આદેશ આપ્યો હતો. જો કે આના પછી સોમવારે મેક્સિકોના પ્રમુખ શેઇનબોમ સાથે ટ્રમ્પની ટેલિફોનિક વાતચીત થઇ અને મેક્સિકો સામેના ટેરિફ એક મહિનો મુલતવી રાખવામાં આવ્યા. બાદમાં કેનેડા સામેના ટેરિફ પણ મુલતવી રાખવામાં આવ્યા હોવાના અહેવાલ આવ્યા. દેખીતી રીતે આ બાબત ટ્રમ્પનું અવિચારીપણુ સાબિત કરે છે.
ટ્રમ્પે વિદેશો પર લાદેલા ટેરિફ અમેરિકાનું પણ નુકસાન કરી શકે છે. જો ટ્રમ્પે લાદેલા ટેરિફ જળવાઇ જ રહેશે તો આયાતી માલસામાન મોંઘો થતા અમેરિકામાં મોંઘવારીની સ્થિતિ ઓર બગડશે. ટ્રમ્પે કરિયાણા, પેટ્રોલ, હાઉસિંગ, ઓટો વગેરે ક્ષેત્રોમાં ભાવ ઘટાડવાનું જે વચન આપ્યું હતું તેમાં લોકોએ મૂકેલો વિશ્વાસ તૂટશે, એટલું જ નહીં વૈશ્વિક અર્થતંત્ર માટે પણ જોખમ ઉભા થશે. મંગળવારથી અમલી બનનારા આ ટેરિફોને કારણે આર્થિક વિકાસમાં ભાંગતૂટ થઇ શકે છે. બજેટ લેબ નામની એક અમેરિકી સંસ્થાના વિશ્લેષણ પ્રમાણે આ વેરાઓથી અમેરિકાના દરેક કુટુંબને ૧૧૭૦ ડોલર જેટલું સરેરાશ નુકસાન થશે. અને અન્ય દેશો જો વળતા ટેરિફ લાદે તો સ્થિતિ વધુ બગડી શકે છે.
ડેમોક્રેટોએ ઝડપભેર ચેતવણી આપી હતી કે જો ફુગાવો વધશે તો તે ટ્રમ્પના પગલાનું પરિણામ હશે. અને વળી અમેરિકાના ગાઢ સાથીદાર એવા કેનેડા જેવા દેશો અમેરિકાથી નારાજ થઇ જાય એ જુદુ જ નુકસાન છે. ટેરિફ લદાયા પછી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે ઘણા કેનેડિયનો દગો થયાની લાગણી અનુભવે છે. કેનેડિયન સૈનિકો અફઘાનિસ્તાનમાં અમેરિકાની સાથે રહીને લડ્યા છે અને કેલિફોર્નિયાના દાવાનળો અને કેટરિના વાવાઝોડા જેવી આફતોના સમયે કેનેડા મદદે દોડી આવ્યું છે. અમે હંમેશા તમારી સાથે ઉભા રહ્યા છીએ તે નહીં ભૂલો એમ ટ્રુડોએ કહ્યું હતું. દેખીતી રીતે અમેરિકાના ખૂબ જૂના પાડોશી સાથી દેશ કેનેડા સાથે ટ્રમ્પે સંબંધો બગાડી નાખ્યા છે.
નાટો સામે બખાળા કાઢીને, ગ્રીનલેન્ડને અમેરિકાના કબજામાં લેવાની વાતો કરીને વગેરે બાબતો દ્વારા ટ્રમ્પ યુરોપિયન દેશોને નારાજ કરી રહ્યા છે. પનામા નહેર પર અમેરિકાનું નિયંત્રણ સ્થાપવાની વાત કરીને મધ્ય અમેરિકન ખંડના પનામા દેશ સાથે પણ તેમણે બાખડી બાંધી લીધી છે. આવતાની સાથે થોડા જ દિવસોમાં તેમણે અમેરિકાને પેરિસ હવામાન સંધિમાંથી પાછું ખેંચી લીધું છે, અને આમ કરીને તેઓ વિશ્વભરમાં પ્રદૂષણની બાબતમાં અમેરિકાની છાપ ઓર બગાડી રહ્યા છે અને પર્યાવરણની બાબતમાં બેદરકારીના માહોલને ઉત્તેજન આપીને તેઓ અમેરિકાને અને અમેરિકન પ્રજાને છેવટે નુકસાન પહોંચાડી શકે છે. અનેક દેશો સાથે સંબંધ બગાડીને તેઓ અમેરિકાને વિશ્વભરમાં અટુલૂ પાડી શકે છે. આડેધડ અને અવિચારી પગલાઓ ભરીને ટ્રમ્પ છેવટે અમેરિકાનું જ અહિત કરી રહ્યા છે. અમેરિકાને ફરીથી મહાન બનાવવાની વાતો કરતા ટ્રમ્પ અમેરિકાને જગતના ચોકમાં બાપડુ, બિચારું બનાવીને મૂકી દે તો નવાઇ નહીં!
