World

ટેરિફની તલવાર લટકાવી ટ્રમ્પે અટકાવ્યું યુદ્ધ? ‘બોર્ડ ઓફ પીસ’ની બેઠકમાં ટ્રમ્પનો બફાટ

વોશિંગ્ટન ડીસીમાં સ્થિત United States Institute of Peace ખાતે યોજાયેલી ‘બોર્ડ ઓફ પીસ’ની પ્રથમ સત્તાવાર બેઠકમાં ભારતે નિરીક્ષક દેશ તરીકે ભાગ લીધો. આ બેઠક ગઈકાલ તારીખ 19 ફેબ્રુઆરીનો રોજ યોજાઈ હતી.અમેરિકાના પ્રમુખ Donald Trumpના આમંત્રણની સમીક્ષા કર્યા પછી ભારતે આ બેઠકમાં હાજરી આપી હતી, પરંતુ હજી સુધી પૂર્ણ સભ્યપદ સ્વીકાર્યું નથી. આ બેઠકમાં વિશ્વના લગભગ 50 દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમાં 27 દેશો સત્તાવાર સભ્ય તરીકે જોડાયા છે, જ્યારે ભારત અને યુરોપિયન યુનિયન સહિત કેટલાક દેશોએ નિરીક્ષક તરીકે હાજરી આપી. ભારતનું પ્રતિનિધિત્વ વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસના ચાર્જ ડી’અફેર્સ દ્વારા કરવામાં આવ્યું હતું. ગયા મહિને દાવોસમાં યોજાયેલા World Economic Forum દરમિયાન ટ્રમ્પે ‘બોર્ડ ઓફ પીસ’ની રૂપરેખા જાહેર કરી હતી. તેમના જણાવ્યા મુજબ, આ સંસ્થા વૈશ્વિક શાંતિ અને સંઘર્ષ નિવારણ માટે રચાઈ રહી છે અને ભવિષ્યમાં સંયુક્ત રાષ્ટ્ર જેવી મોટી સંસ્થાને પડકાર આપી શકે છે. શરૂઆતમાં બોર્ડનો ઉદ્દેશ ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધવિરામની દેખરેખ રાખવાનો હતો, પરંતુ હવે તેના કાર્યક્ષેત્રને વધુ વિસ્તૃત કરવાની યોજના દર્શાવવામાં આવી છે. બેઠક દરમિયાન ટ્રમ્પે જણાવ્યું હતું કે કેટલાક દેશોએ ગાઝા માટેના રાહત પેકેજમાં સહભાગી થવા સંમતિ આપી છે અને અબજો ડોલરનું યોગદાન આપવાનું નક્કી કર્યું છે. અમેરિકાએ પણ બોર્ડ માટે વિશાળ આર્થિક સહાયની જાહેરાત કરી, જોકે આ નાણાં ક્યાં અને કેવી રીતે ખર્ચાશે તે અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ભાષણમાં આગળ એવો દાવો કર્યો છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન લાખો લોકોના જીવ તેમના લીધે બચાવાયા હતા. તેઓએ આગળ બફાટ કરતાં બોલ્યા કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતી જતી તંગદિલી દરમિયાન તેમણે કડક આર્થિક દબાણ દ્વારા સંભવિત મહાયુદ્ધને અટકાવ્યું હતું. તેમના કહેવા મુજબ, બંને દેશો પર 200 ટકા જેટલો ભારે વેપાર ટેરિફ લાદવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી, જેના કારણે પરિસ્થિતિ કાબૂમાં આવી. ટ્રમ્પે પોતાના સંબોધનમાં ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આ સૈન્ય કાર્યવાહી દરમિયાન કુલ 11 મોંઘા ફાઇટર જેટ તોડી પાડાયા હતા. અગાઉ તેઓ 6થી 7 જેટ નષ્ટ થવાની વાત કરતા હતા, પરંતુ હવે તેમણે આ આંકડો વધારીને 11 કર્યો છે. તેમના અનુસાર, આ વિમાનો અત્યંત કિંમતી હતા અને સંઘર્ષ ખૂબ જ તીવ્ર સ્તરે પહોંચ્યો હતો. જોકે, ભારત સરકાર દ્વારા આ દાવાઓને સતત નકારવામાં આવ્યા છે અને સમગ્ર ઘટનાને રાજદ્વારી ચર્ચાઓનું પરિણામ ગણાવાયું છે. ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે પરિસ્થિતિ ગંભીર બનતા તેમણે સીધો હસ્તક્ષેપ કર્યો હતો. તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ પાકિસ્તાની નેતૃત્વ સાથે ફોન પર વાતચીત કરી હતી. ટ્રમ્પના શબ્દોમાં, જો વિવાદનો ઉકેલ નહીં આવે તો અમેરિકા તમામ વેપાર કરારો રદ કરી 200 ટકા ટેરિફ લાદશે તેવી ચેતવણી આપવામાં આવી હતી. તેમણે પાકિસ્તાનના વડાપ્રધાનના હવાલાથી દાવો કર્યો કે આ કડક વલણને કારણે આશરે 2.5 કરોડ લોકોના જીવ બચ્યા. ટ્રમ્પના મત મુજબ, જ્યારે દેશોને ભારે આર્થિક નુકસાનની શક્યતા સમજાઈ, ત્યારે લડાઈ અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. વડાપ્રધાન મોદી સાથેના પોતાના સંબંધોનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે જણાવ્યું કે તેઓ મોદીને સારી રીતે ઓળખે છે અને વર્તમાન પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. ટ્રમ્પના આ નિવેદનથી આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી ચર્ચા તેજ થઈ છે કે શું આર્થિક દબાણ ખરેખર યુદ્ધ અટકાવવાનું અસરકારક સાધન બની શકે છે?

વાત રહી ભારતની આ બોર્ડમાં જોડાવાની વાત તો, તેમને આ બેઠક માટે આમંત્રણ મળ્યું હતું અને પ્રસ્તાવ હજી વિચારાધીન છે, એમ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું. જોકે ભારતે હંમેશા પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતાને સમર્થન આપ્યું છે, પરંતુ કોઈ નવા આંતરરાષ્ટ્રીય મંચમાં સત્તાવાર રીતે જોડાવા પહેલાં વ્યાપક મૂલ્યાંકન કરવાની નીતિ અપનાવી છે. દાવોસમાં યોજાયેલા પ્રારંભિક કાર્યક્રમમાં ભારતે ભાગ લીધો નહોતો, જે તેના સાવચેત અભિગમને દર્શાવે છે. ગુરુવારની બેઠકમાં હાજરી આપવાથી સ્પષ્ટ થાય છે કે ભારત આ પહેલને નજીકથી સમીક્ષા કરી રહ્યું છે અને તેની દિશા તથા પ્રભાવનું મૂલ્યાંકન કરી રહ્યું છે. હાલ માટે ભારતે પૂર્ણ સભ્યપદ સ્વીકાર્યું નથી, પરંતુ નિરીક્ષક તરીકે જોડાઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા નવા રાજનૈતિક પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

Most Popular

To Top