સોમવારે અહેવાલ આવ્યા કે ટ્રમ્પ વહીવટીતંત્ર બુધવારની સમયમર્યાદા પહેલાં ઝડપથી નવા સોદા કરવા માટે વેપારી ભાગીદાર દેશો પર દબાણ વધારી રહ્યું છે. અમેરિકા સોમવારથી દેશોને ચેતવણી આપતા પત્રો મોકલવાનું શરૂ કરવાની યોજના ધરાવતું હતું કે ટૂંક સમયમાં ઊંચા ટેરિફ લાગુ થઈ શકે છે. ટ્રમ્પે ભારત સહિત અનેક દેશો પર એપ્રિલમાં રેસિપ્રોકલ ટેરિફ લાદ્યા હતા અને પછી તેમને ૯૦ દિવસ માટે સ્થગિત કર્યા હતા તેની ડેડલાઇન બુધવારે પુરી થાય છે. આ લખાણ તમારા હાથમાં આવશે ત્યારે અમેરિકી સમય પ્રમાણે આ ડેડલાઇન પુરી થવામાં કેટલાક કલાકો બાકી હશે. આ ડેડલાઇન પહેલા વિવિધ દેશો અમેરિકા સાથે વેપાર કરાર કરી નાખે તે માટે અમેરિકા આ દેશોને પત્રો મોકલી રહ્યું છે. છેક છેલ્લી ઘડીએ આ રીતે પત્રો મોકલવાનું શરૂ કરવામાં આવ્યું તે આશ્ચર્યજનક છે, પરંતુ એવુ લાગે છે કે જે દેશોએ ટેરિફની ધમકીથી દબાઇને અમેરિકાને મચક આપી નથી તેમના પર ટ્રમ્પ પ્રશાસન વધુ દબાણ લાવવા માગે છે.
જો કે આ રીતે પત્રો લખવામાં આવ્યા તેનાથી વ્યવસાયો, ગ્રાહકો અને અમેરિકાના વેપારી ભાગીદારો માટે અનિશ્ચિતતા વધી છે. મોકુફ રાખવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફ લાગુ પડવાની તારીખ ૯ જુલાઇ હતી, જે વચગાળાના વેપાર કરાર કરવા માટે વિવિધ દેશો માટે ડેડલાઇન પણ છે. પરંતુ હવે નવા નિવેદનમાં ટેરિફ લાગુ પડવાની તારીખ પહેલી ઓગસ્ટ જણાવવામાં આવી છે. અને કયા દેશોને સૂચિત કરવામાં આવશે, આગામી દિવસોમાં કંઈ બદલાશે કે કેમ અને ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર દરો લાદવાનું ચાલુ રાખશે કે કેમ તે અંગે પ્રશ્નો રહે છે.
કેટલાક કરાર થઇ ગયા છે અને કેટલાક દેશો સાથે બાકી છે. આથી આ દેશોને કરાર કરી લેવા જણાવતા પત્રો મોકલાશે એમ ટ્રમ્પે કહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે એપ્રિલમાં ભારત સહિતના વિવિધ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાગુ પાડ્યા હતા, બાદમાં તેમને ૯ જુલાઇ સુધી મોકૂફ રાખ્યા હતા અને આ સમયગાળા દરમ્યાન અમેરિકા સાથે વચગાળાના વેપાર કરાર કરવાનું કહ્યું હતું. અમેરિકા સાથે ભારતનો આવો વેપાર કરાર હજી થયો નથી અને ભારતે સ્પષ્ટતા કરી જ દીધી છે કે કરાર કરવામાં દેશના હિતને સર્વોપરી રાખવામાં આવશે.
એવું લાગે છે કે ટ્રમ્પ પોતે ટેરિફની બાબતમાં કંઇ ગુંચવાડામાં છે. તેમણે કહ્યું કે ટેરિફ તો લાગુ પડશે જ, ચોક્કસ લાગુ પડશે. હું માનું છું કે મોટા ભાગના દેશોએ ૯ જુલાઇ પહેલા કરારનું કામ કરી દીધું છે. અને હા, ક્યાં તો કરાર કરો કે ચેતવણીનો પત્ર મેળવો એમ તેમણે સોમવારે કહ્યું. જો કે ગુંચવાડો થઇ રહ્યો હોવાનુ સમજી ગયેલા તેમના વેપાર મંત્રીએ કહ્યું કે ટેરિફ ૧ ઓગસ્ટથી લાગુ પડશે.
પણ પ્રમુખ હાલ દરો અને કરારો પર કાર્ય કરી રહ્યા છે. આ પછી એવા અહેવાલ આવ્યા કે ટ્રમ્પે સોમવારે જાપાન અને દક્ષિણ કોરિયાથી આયાત થતી વસ્તુઓ પર 25 ટકાનો ટેક્સ લાદ્યો છે, જે એશિયામાં અમેરિકાના આ બે મહત્વપૂર્ણ સાથી દેશો સાથે સતત વેપાર અસંતુલનને કારણે કરવામાં આવ્યું છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર બંને દેશોના નેતાઓને સંબોધિત પત્રો પોસ્ટ કરીને 1 ઓગસ્ટથી શરૂ થનારા ટેરિફની સૂચના આપી હતી. આ બંને દેશોને તેમણે સૌથી પહેલા પત્રો લખ્યા છે જેમાં એમ પણ લખાયું હોવાનું જાણવા મળે છે કે આ ૨૫ ટકા વેરો વેપાર સમતુલા કરવા માટે ઘણો ઓછો છે.
જો કે વેપાર ખાધ છતાં અમે તમારી સાથે વેપાર કરવાનું ચાલુ રાખીશું. દેખીતી રીતે તેઓ ઔદ્યોગિક રીતે ઘણા વિકસીત એવા આ બંને દેશો સાથે વેપાર ગુમાવવા માગતા નથી સાથે ટંગડી પણ ઉંચી રાખવા માગે છે. અને જો આ દેશો અમેરિકામાં ઉત્પાદન કરવા માગતા હોય તો તેમને ટેરિફમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવશે એમ પણ ટ્રમ્પે કહ્યું છે. હાલ છેલ્લે તેમણે કહ્યું છે કે બ્રિટન અને ચીન સાથે વેપાર કરાર થઇ ગયા છે અને ભારત સાથે થવાની તૈયારીમાં છે. ટ્રમ્પના વર્તન પરથી લાગે છે કે તેમને સમજાઇ ગયું છે કે ટેરિફની ધમકીઓ વડે વિશ્વના તમામ દેશોને દબડાવી શકાશે નહી અને આ ટેરિફો અમેરિકાને નુકસાન પણ કરી શકે છે. અનેક દેશો સામે આકરા ટેરિફ ઝિંકવાની બાબતમાં ટ્રમ્પ અવઢવમાં
લાગે છે.